Sunday, June 30, 2024
More
    હોમપેજરાજકારણ‘દિલ્હી એરપોર્ટ પર જ્યાં છત તૂટી પડી, તે ટર્મિનલનું ઉદ્ઘાટન PM મોદીએ...

    ‘દિલ્હી એરપોર્ટ પર જ્યાં છત તૂટી પડી, તે ટર્મિનલનું ઉદ્ઘાટન PM મોદીએ કર્યું હતું’: ઘટના બાદ કોંગ્રેસે રાજકારણ રમવાનું શરૂ કર્યું, કેન્દ્રીય મંત્રીએ કરી સ્પષ્ટતા

    ખડગેએ દાવો કરતાં લખ્યું કે, 10 માર્ચ, 2024ના રોજ PM નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે મોદી સરકાર પર આરોપો લગાવ્યા. પછીથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ સ્પષ્ટતા કરીને કહ્યું કે, બિલ્ડિંગનું નિર્માણ વર્ષ 2009માં થયું હતું.

    - Advertisement -

    શુક્રવારે (28 જૂન) વહેલી સવારે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક દુર્ઘટના બની, જેમાં ટર્મિનલની છત તૂટી પડતાં એક વ્યક્તિનું મોત થયું અને અન્ય અમુક લોકોને ઈજા પહોંચી હતી. આ ઘટના બાદ તરત કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ રાજકારણ શોધી કાઢ્યું છે અને કેન્દ્ર સરકાર પર માછલાં ધોવા માંડ્યાં છે. 

    કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પર એક પોસ્ટ કરીને લખ્યું કે, ‘આ ઘટના માટે ભ્રષ્ટાચાર અને ગુનાહીત બેદરકારી જવાબદાર છે. ત્યારબાદ છેલ્લાં 10 વર્ષમાં મોદી સરકારના કાર્યકાળમાં અમુક ઘટનાઓ બની તેનો ઉલ્લેખ કર્યો, જેમાંથી અમુક એવી ઘટનાઓ પણ જોડી દીધી, જે ક્યારેય બની જ ન હતી અને કોંગ્રેસે પ્રોપગેન્ડા ફેલાવ્યો હતો. ઉદાહરણ તરીકે, અટલ સેતુ પર તિરાડો પાડવાનો દાવો કે રામ મંદિરમાં પાણી ભરાવાનો. 

    ખડગેએ દાવો કરતાં લખ્યું કે, 10 માર્ચ, 2024ના રોજ PM નરેન્દ્ર મોદીએ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1નું ઉદ્ઘાટન કર્યું હતું. સાથે મોદી સરકાર પર આરોપો લગાવ્યા. 

    - Advertisement -

    આ સિવાય પ્રિયંકા ગાંધીએ પણ એક પોસ્ટ કરી. જેમાં પણ દાવો કરવામાં આવ્યો કે જે ટર્મિનલની છત ધસી પડી અને એક કેબ ડ્રાઈવરનું મૃત્યુ થયું, તેનું ઉદ્ઘાટન માર્ચમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આગળ કહ્યું કે, ત્રણ મહિના પહેલાં PM મોદીએ જબલપુર એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, તેની પણ છત ધસી પડી હતી. વચ્ચે અયોધ્યાને પણ લાવ્યાં અને ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા અને પૂછ્યું કે વડાપ્રધાન જવાબદારી લેશે કે કેમ. 

    આ સિવાય પણ ઘણા કોંગ્રેસ નેતાઓ અને પ્રવક્તાઓએ દાવો કર્યો છે કે દિલ્હીમાં જે એરપોર્ટની છત ધસી પડી તેનું ઉદઘાટન પીએમ મોદીએ તાજેતરમાં જ કર્યું હતું. આરોપ એવો લગાવવામાં આવ્યો કે મોદી ચૂંટણી પહેલાં ઉદઘાટન કરી દેવા માંગતા હતા, જેથી કામમાં ઉતાવળ કરવામાં આવી, જેથી આ ઘટના માટે જવાબદાર કેન્દ્ર સરકાર છે. 

    વિપક્ષના આ આરોપો વચ્ચે પછીથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુની સ્પષ્ટતા આવી. તેમણે જણાવ્યું કે, જે છત તૂટી પડી છે તેનું નિર્માણ વર્ષ 2008-09માં કરવામાં આવ્યું હતું અને પીએમ મોદીએ જેનું ઉદ્ઘાટન કર્યું હતું તે ઈમારત બીજી તરફ છે. 

    મંત્રીએ કહ્યું કે, “અમે આ ઘટનાને ગંભીરતાથી લઇ રહ્યા છીએ. હું સ્પષ્ટતા કરવા માંગું છું કે PM નરેન્દ્ર મોદીએ જે બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું તે બીજી તરફ છે અને અત્યારે જે બિલ્ડીંગ ધસી પડી છે, તે જૂની ઇમારત હતી, જે વર્ષ 2009માં ખુલ્લી મૂકવામાં આવી હતી.”

    નોંધવું જોઈએ કે, વર્ષ 2009ના ફેબ્રુઆરીમાં તત્કાલીન દિલ્હી સીએમ શીલા દીક્ષિતે ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના આ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ હતા અને નાગરિક ઉડ્ડયન મંત્રી પ્રફુલ પટેલ હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં