વિધાનસભા ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ પાર્ટીએ પણ હવે પાર્ટીમાં ફરી પ્રાણ પુરવા માટેના પ્રયત્નો શરૂ કરી દીધા છે. જોકે, તેમાં ખાસ સફળતા મળી રહી નથી તેમ લાગી રહ્યું છે. કારણ કે કોંગ્રેસ પાર્ટીએ આજે મોંઘવારી અને અન્ય મુદ્દાઓના વિરોધમાં બંધનું એલાન કર્યું હતું પરંતુ બહુ ખાસ પ્રતિસાદ મળ્યો નથી. બીજી તરફ, પાટણમાં એક દુકાનદાર સાથે કોંગ્રેસીઓની દાદાગીરી પણ સામે આવી હતી.
પાટણમાં પણ કોંગ્રેસ પાર્ટીએ બંધનું એલાન કર્યું હતું પરંતુ બજારમાં કેટલાક દુકાનદારોએ દુકાન ચાલુ રાખી હતી. ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરો બજારમાં બળજબરીથી દુકાન બંધ કરાવવા માટે નીકળ્યા હતા જ્યાં એક દુકાનદાર સાથે કોંગ્રેસી કાર્યકરોએ ગાળાગાળી અને ઝપાઝપી કરીને બળજબરીથી દુકાન બંધ કરાવવાનો મામલો સામે આવ્યો છે.
पाटन :
— Janak Dave (@dave_janak) September 10, 2022
कोंग्रेस कार्यकर्ता और व्यापारी के बीच हुई कहासुनी,
कोंग्रेस कार्यकर्ताओं ने दुकान जबरन बंद कराई. https://t.co/Bm90vGbHGB pic.twitter.com/Yx0eFLO5cq
ઑપઇન્ડિયા આ દુકાનદાર સુધી પહોંચ્યું હતું અને ઘટનાની વિગતે જાણકારી મેળવી હતી. જેમાં જાણવા મળ્યું કે, પાટણના બજારમાં આવેલી શ્રદ્ધા ફેબ્રિક નામની દુકાનના માલિક દિનેશભાઇ પ્રજાપતિએ સવારે હજુ ખોલી જ હતી ત્યાં કોંગ્રેસી કાર્યકરો આવી ગયા હતા અને તેમની સાથે મગજમારી કરવા માંડ્યા હતા. તેમણે તેમની સાથે ગાળાગાળી કરી બળજબરીથી શટર બંધ કરાવી દીધું હતું.
આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોવા મળે છે કે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસના કાર્યકરો, જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ છે, તેઓ દુકાનદાર સાથે અભદ્ર ભાષામાં વાત કરતા જોવા મળે છે અને ત્યારબાદ એક મહિલા દુકાનદારનો હાથ પકડીને અંદર ધકેલે છે અને બંધ કરવા માટે કહે છે. દરમિયાન તેઓ દુકાનદાર માટે ડો% જેવા શબ્દો વાપરતા પણ સંભળાય છે. આખરે દુકાનદાર દુકાનનું શટર બંધ કરી દે છે.
મારો ઈરાદો તેમનો વિરોધ કરવાનો ન હતો, છતાં ગેરવર્તન કર્યું: દુકાનદાર દિનેશભાઇ
ઑપઇન્ડિયા સાથે વાતચીત કરતા દુકાનદર દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, “નિત્યક્રમ મુજબ મેં સવારે નવ વાગ્યે દુકાન ખોલી હતી. ત્યારબાદ તરત જ કોંગ્રેસના કાર્યકરોએ આવીને દાદાગીરી કરવા માંડી હતી અને ગાળો ભાંડી ધક્કામુક્કી કરવા માંડ્યા હતા.”
તેમણે ઉમેર્યું કે, “કોઈને આમ દાદાગીરી કરવાનો અધિકાર નથી. મારો ઈરાદો કોંગ્રેસના બંધનો વિરોધ કરવાનો ન હતો પરંતુ બજારમાં અન્ય દુકાનો પણ ખોલેલી જોવા મળી હતી જેના કારણે મેં પણ ખોલી હતી. પરંતુ કોંગ્રેસીઓના ટોળાએ આવીને અપશબ્દો બોલ્યા હતા અને ગાળો ભાંડી હતી.” તેમણે કહ્યું હતું કે, ટોળું કોંગ્રેસ પાર્ટીનું જ હતું અને તેમાંથી એક-બે માણસોને તેઓ ઓળખે પણ છે. જોકે, તેમણે કોઈ પણ કાયદાકીય કાર્યવાહી કરવાનો ઇનકાર કર્યો હતો.
તેમણે એ પણ જણાવ્યું કે, માત્ર તેમની સાથે જ નહીં પરંતુ વિસ્તારમાં અન્ય દુકાનદારો જેમણે દુકાન ચાલુ રાખી હતી, તેમની સાથે પણ કોંગ્રેસીઓએ આવું વર્તન કર્યું હતું. જેના કારણે એક-બે દુકાનદારોની કોંગી કાર્યકરો સાથે બોલાચાલી પણ થઇ હતી.
કોંગ્રેસ પાર્ટીએ આજે સવારે 9 થી 12 વાગ્યા સુધી સાંકેતિક બંધનું એલાન કર્યું હતું. જોકે, અમુક જ સ્થળોએ તેને પ્રતિસાદ મળ્યો હતો અને રાજ્યના બાકીના શહેરોમાં જનજીવન સામાન્ય રહ્યું હતું. જોકે, જ્યાં લોકોએ બંધને પ્રતિસાદ ન આપ્યો ત્યાં આ પ્રકારની દાદાગીરી પણ જોવા મળી હતી.