બલિદાની અગ્નિવીર અજય કુમારના પરિજનોને કેન્દ્ર સરકાર કે ભારતીય સેના તરફથી કોઇ આર્થિક સહાય ન મળવાના રાહુલ ગાંધીના દાવાની પોલ ખુલી ગયા બાદ હવે કોંગ્રેસ ડેમેજ કન્ટ્રોલ કરવામાં વધુ હાસ્યાસ્પદ ઠરી રહી છે. પરિવારને ₹98 લાખ પહોંચી ગયા હોવાની સેના અને અગ્નિવીરના પરિજનો બંનેની સ્પષ્ટતા બાદ હવે કોંગ્રેસ તરફથી એક પ્રેસ કૉન્ફરન્સ કરીને પ્રશ્ન કરવામાં આવ્યો કે અગ્નિપથ યોજના હેઠળ જવાનોને ₹1 કરોડ જ આપવામાં આવે છે તો સેના આ કિસ્સામાં ₹1.65 કરોડ કેમ આપી રહી છે.
નોંધવું જોઈએ કે રાહુલ ગાંધીએ એક વિડીયો પોસ્ટ કરીને રક્ષામંત્રી રાજનાથ સિંઘ પર સંસદમાં વીરગત અગ્નિવીરના પરિજનોને આર્થિક સહાય આપવામાં આવી હોવાનો ખોટો દાવો કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તેમને સ્વયં અગ્નિવીરના પરિજનોએ આ વાત કહી છે. પરંતુ પછી તરત ભારતીય સેનાએ સ્પષ્ટતા કરી હતી કે બલિદાની જવાનના પરિવારને ₹98 લાખ પહોંચી ચૂક્યા છે અને બાકીના ₹67 લાખ જલ્દીથી ચૂકવવામાં આવશે, જેથી કુલ રકમ ₹1.65 કરોડ પર પહોંચશે.
આ જ બાબતની પછીથી અગ્નિવીરના પિતાએ પણ સ્પષ્ટતા કરી અને કહ્યું કે, તેમને અત્યાર સુધીમાં ₹98 લાખ મળી ચૂક્યા છે. પોલ ખુલી ગયા બાદ ગુરુવારે (4 જૂન) કોંગ્રેસ પાર્ટીએ એક પ્રેસ કૉન્ફરન્સ કરીને હાસ્યાસ્પદ વાતો કરી અને સરકાર પર સવાલો ઉઠાવ્યા. કોંગ્રેસે હવે સરકાર પર અગ્નિવીરના પરિવારને વધુ પૈસા આપવાનો આરોપ લગાવી દીધો છે!
કોંગ્રેસ નેતા કર્નલ રોહિત ચૌધરીને પ્રેસ કૉન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, અગ્નિવીર અજય કુમારના પરિવારને કુલ ₹1.65 કરોડ આપવામાં આવશે, જેમાંથી ₹98 લાખ ચૂકવવામાં આવી ચૂક્યા છે. જેનો જવાબ આપતાં રોહિતે મોદી સરકાર પર ભારતીય સેના પાછળ છુપાવાનો આરોપ લગાવ્યો અને અગ્નિપથ યોજના પર પોતાનો એજન્ડા ચલાવ્યો.
તેમણે આગળ કહ્યું કે, સેનાએ સ્પષ્ટતા કરવી જોઈએ કે ઈન્સ્યોરન્સ રકમ આખરે ₹98 લાખ શા માટે આપવામાં આવી રહી છે, જ્યારે નીતિમાં કહેવામાં આવ્યું છે કે ઇન્સ્યોરન્સ કવરેજ ₹50 લાખ હશે. યોજનાનો ટાંકીને કર્નલ ચૌધરીએ કહ્યું કે, યોજના હેઠળ અજય કુમારના પરિવારને ₹1 કરોડ જ મળવા જોઈએ, જેમાં ₹48 લાખ ઈન્સ્યોરન્સ અને ₹44 લાખ વળતર, 4 વર્ષમાંથી જેટલો બાકી સમય હોય તેટલાનો પૂર્ણ પગાર, સેવા નિધિ ફંડની રકમ અને બેટલ કેઝ્યુલિટી ફંડ ₹8 લાખનો સમાવેશ થાય છે.
કર્નલ રોહિતે કહ્યું કે, “જ્યારે પોલિસી કહી રહી છે કે અગ્નિવીરના પરિવારને ₹1 કરોડ આપવામાં આવશે, તો આ ₹1 કરોડ 1.67 કરોડ કઈ રીતે બની ગયા? સરકારે તેનો જવાબ આપવો જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, સેનામાં એક પણ રૂપિયો વધારાનો આપવામાં આવતો નથી.”
અહીં કોંગ્રેસે બુદ્ધિનું પ્રદર્શન કરીને ગણતરી ખોટી કરી છે. કારણ કે 1 કરોડમાં ₹48 લાખ ઇન્સ્યોરન્સ, ₹44 લાખ વળતર અને ₹8 લાખ બેટલ કેઝ્યુલિટી ફંડનો જ સમાવેશ થાય છે. જ્યારે, બાકી પગાર, સેવા નિધિ ફંડ વગેરે દરેક વ્યક્તિ માટે સ્વાભાવિકપણે અલગ હોવાનાં, જેથી તે રકમ ઉમેરવામાં આવે તો તે 1 કરોડથી ઉપર જાય છે. હવે અહીં નોંધવું જોઈએ કે અજય કુમારના પરિવારને અત્યાર સુધી ત્રણ રકમ મળી છે. જેમાં ₹48 લાખ ઈન્સ્યોરન્સ કવર, ICICIમાંથી ₹50 લાખ ગ્રુપ ઇન્સ્યોરન્સ અને ₹39,000 આર્મી તરફથી આપવામાં આવી છે.
આગળ રોહિત ચૌધરીએ એવો પણ પ્રશ્ન ઉઠાવ્યો કે શું સરકાર ઈન્સ્યોરન્સ કંપની જેવા ખાનગી સંસ્થાઓની પણ રકમ જોડી રહી છે કે કેમ? તેમણે એવું ઠસાવવાના પ્રયાસ કર્યા કે પરિવારને જે ₹50 લાખ મળ્યા છે તે ઇન્સ્યોરન્સ કંપનીએ પોતાની રીતે આપ્યા છે અને સરકાર તેનો શ્રેય લઇ શકતી નથી. એવો પણ પ્રશ્ન કર્યો કે શા માટે આ ₹50 લાખ ઇન્સ્યોરન્સનો ઉલ્લેખ અગ્નિપથ યોજનામાં નથી.
એ સત્ય છે કે અગ્નિપથ યોજનામાં ₹48 લાખ ઈન્સ્યોરન્સનો ઉલ્લેખ છે, પણ ₹50 લાખ ઇન્સ્યોરન્સનો નથી. તેનું કારણ એ છે કે આ ₹50 લાખ ઇન્સ્યોરન્સ સેનાના તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, એકલા અગ્નિવીર માટે જ નહીં. ભારતીય સેનાની ત્રણેય સેનાઓનું SBI, HDFC, ICICI વગેરે જેવી બેન્કોમાં જોઇન્ટ પેકેજ છે, જ્યાં કર્મચારીઓના પગાર થાય છે. ઝીરો બેલેન્સ સેલરી અકાઉન્ટમાં ₹50 લાખનું ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવે છે, જે તમામ રેન્ક માટે ઉપલબ્ધ છે.
આ કારણે અજય કુમારના પરિવારને ₹50 લાખ આ સ્કીમ હેઠળ ચૂકવવામાં આવ્યા છે, ICICI બેન્કે પોતાની રીતે નથી આપ્યા, જેવો કોંગ્રેસ દાવો કરી રહી છે. ઈન્સ્યોરન્સ કંપનીઓ પ્રીમિયમ મળ્યાં હોય તેના થકી ઈન્સ્યોરન્સ ચૂકવે છે. આ કેસમાં અગ્નિવીરો કોઇ પ્રીમીયમ ભરતા નથી, સરકાર ભરે છે. જેથી, અજય કુમારના પરિવારને ICICI દ્વારા ₹50 લાખ ચૂકવાયા એમ કહેવું પણ ખોટું છે.