ભારત જોડો યાત્રામાં સામેલ થયેલા કોંગ્રેસ સાંસદ સંતોખ સિંઘ ચૌધરીનું નિધન થયું છે. આજે સવારે તેઓ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા, જ્યાં તેમની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
#UPDATE | Punjab: Congress MP Santokh Singh Chaudhary passes away – tweets CM Bhagwant Mann.
— ANI (@ANI) January 14, 2023
The MP was taken to a hospital during the Congress party's Bharat Jodo Yatra in Ludhiana today.
(Pic – The MP's Twitter account) pic.twitter.com/QZv8Fjq7lV
સંતોખ સિંઘ ચૌધરી પંજાબના જાલંધરથી કોંગ્રેસ પાર્ટીના સાંસદ હતા. આજે સવારે તેઓ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં જોડાયા હતા. પરંતુ ત્યારબાદ અચાનક હૃદયના ધબકારા વધી ગયા બાદ તેમની તબિયત લથડી હતી.
ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. જાણવા મળ્યા અનુસાર, કોંગ્રેસ નેતાના નિધન બાદ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા અટકાવીને હોસ્પિટલ પહોંચ્યા છે.
76 વર્ષીય સંતોખ સિંઘ ચૌધરીની ગણતરી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓમાં થતી હતી. વર્ષ 1992માં તેઓ પહેલી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા અને પંજાબની પિલ્લોર બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા. ત્યારબાદ તેઓ કોંગ્રેસ ધારાસભ્ય દળના મહાસચિવ બન્યા હતા. ત્યારબાદ તેમને પંજાબ સરકારમાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પણ બનાવાયા હતા. 2004 થી લઈને 2010 સુધી તેઓ પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ રહ્યા હતા. 2014 માં તેઓ જાલંધરથી કોંગ્રેસની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાયા હતા.
ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રામાં આ પાંચમા વ્યક્તિનું નિધન થયું છે. આ પહેલાં યાત્રામાં અત્યાર સુધીમાં ચાર લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. આ પહેલાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કૃષ્ણ કુમાર પાંડેનું 8 નવેમ્બર 2022ના રોજ નિધન થયું હતું. તેઓ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં રાહુલ ગાંધી સાથે યાત્રામાં ચાલી રહ્યા હતા ત્યારે અચાનક ઢળી પડ્યા હતા.
ત્યારબાદ 12 નવેમ્બરના રોજ નાંદેડમાં જ એક 62 વર્ષીય કોંગ્રેસ કાર્યકર્તાને ટ્રકે ટક્કર મારવાના કારણે મોત નીપજ્યું હતું. આ ઘટનાં રાત્રિના સમયમાં બની હતી. ત્યારબાદ 25 નવેમ્બરના રોજ એક પોલીસ કર્મચારી ભારત જોડોયાત્રા માટે માલવામાં રિહર્સલ કરી રહ્યા હતા ત્યારે તેમની કારને ટક્કર મારી હતી.
ગત 3 ડિસેમ્બર 2022ના રોજ મધ્ય પ્રદેશના રાજગઢમાં 55 વર્ષીય કોંગ્રેસ કાર્યકર્તા માંગીલાલ શાહનું હાર્ટઅટેકના કારણે નિધન થયું હતું. ચાલુ યાત્રાએ તેમને અટેક આવ્યો હતો, જ્યાંથી તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.