વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પિતા વિશે આપત્તિજનક ટિપ્પણી કરવા મામલે ધરપકડના ત્રણ કલાકમાં પવન ખેડાને રાહત પણ મળી ગઈ છે. આસામ પોલીસે ખેડાની ધરપકડ કર્યા બાદ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી, જ્યાં કોર્ટે તેમને રાહત આપી છે.
#BREAKING Supreme Court grants relief to #PawanKhera.
— Live Law (@LiveLawIndia) February 23, 2023
SC orders that @Pawankhera, who was arrested by Assam police from Delhi airport today morning over his comment about Prime Minister, should be released on interim bail on production before Delhi Magistrate.#PawanKhera pic.twitter.com/GGf6Fjjnvx
પવન ખેડાની આસામ પોલીસે ધરપકડ કર્યા બાદ કોંગ્રેસ નેતા અને વકીલ અભિષેક મનુ સિંઘવી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા અને ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની બેન્ચ સમક્ષ મામલાની તાત્કાલિક સુનાવણી માટે અપીલ કરી હતી. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે બપોરે 3 વાગ્યે સુનાવણી કરવા માટે કહ્યું હતું.
મામલાની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે પવન ખેડાને રાહત આપવાનો આદેશ કર્યો છે. કોર્ટે દિલ્હીની મેજિસ્ટ્રેટ કોર્ટને આદેશ આપતાં કોંગ્રેસ નેતાને વચગાળાના જામીન આપવા માટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટ સમક્ષ પવન ખેડા તરફથી અભિષેક મનુ સિંઘવીએ દલીલ મૂકી કે કોર્ટે તેમને આગળની કાર્યવાહી સામે રક્ષણ આપવું જોઈએ અને માત્ર એક વાક્ય માટે આવાં પગલાં લેવામાં આવવાં જોઈએ નહીં. સિંઘવીએ એમ પણ કહ્યું કે, ખેડા તેમના નિવેદનનો બચાવ કરી રહ્યા નથી અને તેમણે માફી પણ માંગી લીધી છે.
દરમ્યાન, કોર્ટમાં પવન ખેડાનું એ નિવેદન પણ સંભળાવવામાં આવ્યું હતું જેમાં તેમણે પીએમ મોદી અને તેમના દિવગંત પિતા વિશે ટિપ્પણી કરી હતી. બીજી તરફ ASGએ દલીલ કરતાં કહ્યું કે, આખી પ્રેસ કોન્ફરન્સ જોવી જોઈએ અને આ વડાપ્રધાન વિરુદ્ધ અસંતોષ ભડકાવવા માટે કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી છે. આખરે તેઓ દેશના વિધિવત ચૂંટાયેલા વડાપ્રધાન છે.
અભિષેક સિંઘવીએ કોર્ટ સમક્ષ તમામ FIR એક સ્થળે ક્લબ કરવા માટે અને વચગાળાની રાહત આપવા માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે અપમાનજનક નિવેદન બાદ ખેડા સામે ઉત્તર પ્રદેશ અને આસામ વગેરે રાજ્યોમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
CJI DY Chandrachud: Dr Singhvi states that the petitioner would tender an unconditional apology since it was not his intention to hurt.#SupremeCourt #PawanKhera
— Live Law (@LiveLawIndia) February 23, 2023
સુનાવણી દરમિયાન કોર્ટે એમ પણ નોંધ્યું કે અભિષેક મનુ સિંઘવીએ જણાવ્યું કે અરજદાર પવન ખેડાનો આશય ઠેસ પહોંચાડવાનો ન હતો અને તેઓ બિનશરતી માફી માંગી લેશે. ત્યારબાદ કોર્ટે આસામ અને યુપી સરકારને નોટિસ પાઠવીને તમામ FIR એક જ જગ્યાએ ક્લબ કરવા માટે આદેશ આપ્યો હતો.
પવન ખેડા નિયમિત જામીન મેળવવા માટે કોર્ટમાં અરજી કરે ત્યાં સુધી તેમને રાહત આપવા માટે વચગાળાના જામીન આપવા માટે સુપ્રીમ કોર્ટે મેજિસ્ટ્રેટ કોર્ટને આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, આ આદેશ આગામી મંગળવાર સુધી અમલમાં રહેશે.
સવારે આસામ પોલીસે કરી હતી ધરપકડ
ઉલ્લેખનીય છે કે આજે સવારે પવન ખેડા અન્ય કોંગ્રેસ નેતાઓ સાથે છત્તીસગઢ જઈ રહ્યા હતા ત્યારે ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર તેમને દિલ્હી પોલીસે રોક્યા હતા. ત્યારબાદ આસામ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી. વાસ્તવમાં ખેડા સામે બુધવારે રાત્રે આસામમાં એક કેસ નોંધાયો હતો, જે મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
પીએમ મોદી અને તેમના પિતા વિશે ટિપ્પણી કરી હતી
પવન ખેડાએ એક પ્રેસ કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પિતા વિશે ટિપ્પણી કરી હતી. અદાણી જૂથ પર લાગેલા આરોપોની તપાસ કરવા માટે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી (JPC) બનાવવાની માંગને લઈને પવન ખેડાએ કહ્યું હતું કે, “જો નરસિમ્હા રાવ JPC બનાવી શકતા હોય, અટલ બિહારી વાજપેયી JPC બનાવી શકતા હોય, તો નરેન્દ્ર ગૌતમદાસ- સૉરી દામોદરદાસ મોદીને શું વાંધો છે?” ત્યારબાદ તેઓ બાજુમાં બેઠેલા તેમના સાથીને પૂછે છે કે (મોદીના પિતાનું નામ) ગૌતમદાસ છે કે દામોદરદાસ?
પવન ખેડા આટલેથી અટકતા નથી અને કટાક્ષ કરતાં કહે છે કે ભલે નામ દામોદરદાસ છે પરંતુ તેમના કામ ગૌતમ દાસ સમાન છે. જોકે, ત્યારબાદ પવન ખેડાએ એક ટ્વિટ કરીને છટકબારી શોધતાં કહ્યું હતું કે તેઓ વાસ્તવમાં વડાપ્રધાનના નામને લઈને ‘ભ્રમિત’ થઇ ગયા હતા.