કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજનાના વિરોધમાં આયોજિત એક રેલી દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી સુબોધ કાંત સહાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અત્યંત આપત્તિજનક ટિપ્પણી કરી હતી. વડાપ્રધાન મોદીને હિટલર સાથે સરખાવીને જાહેર મંચ પરથી કોંગ્રેસ નેતાએ બેફામ શબ્દો ઉચ્ચાર્યા હતા.
કોંગ્રેસ નેતા સુબોધ કાંત સહાયનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ કહેતા સંભળાય છે કે, “હિટલરે પણ આવી જ એક સંસ્થા બનાવી હતી. મોદી હિટલરની રાહ પર ચાલશે તો હિટલરની મોત માર્યો જશે. એ યાદ રાખે.” કોંગ્રેસ પાર્ટી દ્વારા અગ્નિપથ યોજનાના વિરોધમાં યોજવામાં આવેલ રેલીમાં તેમણે આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન મંચ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સચિન પાયલટ અને પ્રમોદ તિવારી પણ દેખાયા હતા.
#WATCH | Modi will die Hitler’s death if he follows his path, says Congress leader Subodh Kant Sahay at party’s ‘Satyagrah’ protest against ED questioning of Rahul Gandhi & Agnipath scheme in Delhi pic.twitter.com/fO8LfRShvK
— ANI (@ANI) June 20, 2022
સરકારના વિરોધમાં કે ભાજપના વિરોધમાં કોંગ્રેસના નેતાઓએ નરેન્દ્ર મોદી વિશે આપત્તિજનક ટિપ્પણી કરી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી. આ પહેલાં અનેક કોંગ્રેસ નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે અમર્યાદિત ટિપ્પણી કરી ચૂક્યા છે.
થોડા દિવસો પહેલાં ઇડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછના વિરોધમાં યોજાયેલી એક સભામાં નાગપુર કોંગ્રેસના નેતા શેખ હુસૈને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. નાગપુરમાં ED ઓફિસની બહાર કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન નેતા શેખ હુસૈને કહ્યું હતું કે, “નરેન્દ્ર મોદી તેરા વહી હાલ હોગા, જેસે કુત્તા મરતા હૈ, વેસે હી મોદી મરેગા.” એટલું જ નહીં, તેમણે આગળ કહ્યું હતું કે, ” કદાચ મને તેની સામે 1000 નોટિસ મળશે, પરંતુ અમને તેની પરવા નથી. અમે લડતા આવ્યા છીએ, આગળ પણ લડીશું.” નાગપુર શહેર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂકેલા હુસૈનના આ નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જે બાદ તેમની વિરુદ્ધ ભાજપે કેસ નોંધાવ્યો હતો.
વર્ષ 2007 માં સોનિયા ગાંધીએ ગુજરાતમાં એક સભા સંબોધતી વખતે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ‘મોતના સોદાગર’ કહ્યા હતા. આ ટિપ્પણી ગોધરા હિંદુ હત્યાકાંડ અને તે બાદ થયેલાં રમખાણો મુદ્દે કરવામાં આવી હતી. જોકે, તે ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટી પ્રચંડ બહુમતીએ જીતી હતી અને નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.
આ ઉપરાંત, વર્ષ 2017 માં કોંગ્રેસના વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ‘નીચ વ્યક્તિ’ કહ્યા હતા. જે બાદ ભારે વિવાદ થયો હતો. ઉપરાંત, મણિશંકર ઐયરે 2014ની લોકસભા ચૂંટણી પહેલાં પણ નરેન્દ્ર મોદીને ‘ચાયવાલા’ કહીને તેમનું અપમાન કર્યું હતું.