દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બે તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. જ્યારે અમુક લોકસભા બેઠકો પર તો મતદાન પહેલાં જ કોંગ્રેસને ઝટકા લાગી ગયા છે. સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. જ્યારે હવે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં પણ કોંગ્રેસ સાથે રમત થઈ ગઈ છે. ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાનું નામાંકન પરત ખેંચી લીધું છે. આ ઘટના બાદથી કોંગ્રેસમાં પણ મૂંઝવણ ઊભી થઈ છે કે, સુરતની જેમ ઈન્દોર પણ બિનહરીફ જાહેર ન થઈ જાય. નોંધવા જેવુ કે, ભારતના બંને સૌથી વધુ સ્વચ્છ શહેરોમાંથી કોંગ્રેસ સાફ થઈ ગઈ છે. અક્ષય કાંતિ બમ ભાજપમાં પણ સામેલ થઈ ગયા છે.
સુરત બાદ હવે ઈન્દોર લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અક્ષય કાંતિ બમે નામાંકન પરત ખેંચી લીધું છે. આ સાથે જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ સામેલ થઈ ગયા છે. ભાજપના વરિષ્ઠ નેતા અને મધ્ય પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે આ વિશેની જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર અક્ષય કાંતિ બમ સાથેની સેલ્ફી શેર કરી છે. આ સાથે તેમણે લખ્યું છે કે, “ઈન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે.”
इंदौर से कांग्रेस के लोकसभा प्रत्याशी श्री अक्षय कांति बम जी का माननीय प्रधानमंत्री श्री @narendramodi जी, राष्ट्रीय अध्यक्ष श्री @JPNadda जी, मुख्यमंत्री @DrMohanYadav51 जी व प्रदेश अध्यक्ष श्री @vdsharmabjp जी के नेतृत्व में भाजपा में स्वागत है। pic.twitter.com/1isbdLXphb
— Kailash Vijayvargiya (Modi Ka Parivar) (@KailashOnline) April 29, 2024
નોંધવા જેવુ છે કે, ઈન્દોર લોકસભા બેઠક પર ચૂંટણી માટે 25 એપ્રિલ સુધી નામાંકન ભરવામાં આવ્યા હતા. ઉમેદવારી રદ કરાવવા માટેની અંતિમ તારીખ પણ 29 હતી. તે પહેલાં જ, કોંગ્રેસને કઈ જાણ થાય, કૈલાશ વિજયવર્ગીયે આ ઓપરેશનને અંજામ આપી દીધો છે. ઈન્દોરમાં લોકસભા ચૂંટણીનું મતદાન 13 મેના રોજ યોજાવા જઈ રહ્યું છે અને મતગણતરી 4 જૂને સંપન્ન થશે. અક્ષય બમે 24 એપ્રિલે ઈન્દોરથી નામાંકન ભર્યું હતું. જ્યારે 29એ તો તેમણે નામાંકન જ પરત ખેંચી લીધું છે. નામાંકન સમયની અવધિ પૂર્ણ થઈ ગઈ હોવાથી હવે આ સીટ પર કોંગ્રેસ નામાંકન પણ ભરી શકે તેમ નથી.
સુરતમાં પણ ખેલાયો હતો આ જ ખેલ, જે થયો હતો સફળ
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કોંગ્રેસને સુરતમાં પણ આવો જ ઝટકો લાગ્યો હતો. 22 એપ્રિલના રોજ સુરત લોકસભા બેઠકને બિનહરીફ જાહેર કરી દેવામાં આવી હતી. સુરતથી ભાજપના ઉમેદવાર મુકેશ દલાલની સામે કોઈ પ્રતિસ્પર્ધી ન હોવાથી તેમને વિજેતા જાહેર કરી દેવામાં આવ્યા હતા. સુરત દેશની પ્રથમ બિનહરીફ લોકસભા બેઠક બની હતી. સાથે ભાજપે પણ ઇતિહાસ રચી દીધો હતો. જોકે, તે પહેલાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ ગયું હતું. તેમનું ફોર્મ રદ થયા બાદ એકાએક 8 અન્ય પાર્ટી અને અપક્ષના ઉમેદવારોએ પણ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી. જેને લઈને સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.