AIMIM સાંસદ અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ શપથગ્રહણ દરમિયાન ‘જય પેલેસ્ટાઇન’ના નારા પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને આ મામલે ફરિયાદ સોંપવામાં આવી છે. અન્ય રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા વ્યક્ત કરવાના કારણે તેમની લોકસભા સદસ્યતા ખતમ કરવાની માંગણી પણ કરવામાં આવી છે. કાશી-મથુરાનો કેસ લડી રહેલા વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈન અને અન્ય એક વકીલે રાષ્ટ્રપતિને આ મામલે ફરિયાદ કરી છે. નોંધનીય છે કે, અસદુદ્દીન ઔવેસી હૈદરાબાદમાં સાંસદ તરીકે ચૂંટાયા છે અને મંગળવારે (25 જૂન) સંસદ ભવનમાં શપથ ગ્રહણ દરમિયાન તેમણે ‘જય પેલેસ્ટાઇન’નો વિવાદિત નારો લગાવ્યો હતો.
‘જય પેલેસ્ટાઇન’ના નારા પર અસદુદ્દીન ઔવેસી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વકીલ હરિ શંકર જૈને ઔવેસી વિરુદ્ધ આર્ટીકલ 102 અને 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ નોંધાવી છે. વરિષ્ઠ વકીલ હરિ શંકર જૈનના પુત્ર વિષ્ણુ શંકર જૈને આ જાણકારી આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, હરિ શંકર જૈને ઔવેસીની સાંસદ સભ્ય તરીકેની સદસ્યતા ખતમ કરવાની માંગ કરી છે. આવી જ એક ફરિયાદ અન્ય એક વકીલ વિનીત જિંદલે કરી છે.
A complaint has been filed before the President of India against Mr. Asaduddin Owaisi in terms of article 102 and 103 of the constitution of india by Mr. Hari Shankar Jain seeking his disqualification as member of parliament. @rashtrapatibhvn @adv_hsjain
— Vishnu Shankar Jain (@Vishnu_Jain1) June 25, 2024
વકીલ વિનીત જિંદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશેની જાણકારી આપી છે. તેમણે ભારતીય બંધારણની કલમ 103 હેઠળ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે. જેમાં વિદેશી રાષ્ટ્ર પેલેસ્ટાઇન પ્રત્યે પોતાની નિષ્ઠા દેખાડવા પર ઔવેસીને કલમ 102 હેઠળ અયોગ્ય ગણાવવાની માંગણી કરવામાં આવી છે. આ સાથે એવી પણ માંગણી થઈ રહી છે કે, લોકસભાના સભ્ય તરીકે ઔવેસીને અયોગ્ય ઘોષિત કરવામાં આવે. બંને વકીલોએ રાષ્ટ્રપતિને ફરિયાદ કરી છે.
Adv.Vineet Jindal filed a Complaint under Article 103 of Constitution of India with president of India seeking disqualification of Asaduddin Owaisi,MP under Article 102 (4) for showing his allegiance or adherence to a foreign State “Palestine”. pic.twitter.com/fwehTP5euF
— Adv.Vineet Jindal (@vineetJindal19) June 26, 2024
નોંધનીય છે કે, આર્ટીકલ 102ના ભાગ ‘D’માં એવી જોગવાઈ છે કે, જે ભારતના નાગરિક નથી અથવા તો બીજા દેશની નાગરિકના લીધી છે, તેવા સંસદ સભ્યોને અયોગ્ય ઘોષિત કરવામાં આવી શકે છે. તે સિવાય અન્ય રાષ્ટ્ર પર શ્રદ્ધા અને નિષ્ઠા રાખનારાને પણ અયોગ્ય ઘોષિત કરી શકાય છે. જ્યારે બંધારણની કલમ 103 આવી ઘટનાઓ માટે રાષ્ટ્રપતિને સત્તા આપે છે. તેમાં કહેવાયું છે કે, જો આર્ટીકલ 102 હેઠળ અયોગ્યતાનો કેસ ઉઠે છે તો આ મામલાને રાષ્ટ્રપતિ પાસે મોકલવા આવશે અને તેમનો નિર્ણય આખરી હશે.
ઔવેસીએ ‘જય પેલેસ્ટાઇન’નો લગાવ્યો હતો નારો
હૈદરાબાદથી ચૂંટાયેલા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મંગળવારે (26 જૂન, 2024) લોકસભાના સભ્ય તરીકે શપથ લીધા પછી ‘જય પેલેસ્ટાઇન’નો નારો લગાવ્યો હતો. તેમણે ઉર્દૂમાં શપથ લીધા. ઉર્દૂમાં શપથ લેનાર અસદુદ્દીન ઓવૈસીએ ‘જય ભીમ, જય મીમ’ કહ્યું અને ‘અલ્લાહુ અકબર’ પણ બોલ્યા, પરંતુ તેમણે અંતમાં ‘જય પેલેસ્ટાઇન’ પણ કહ્યું હતું. આ દરમિયાન પૂર્વ ચંપારણના ભાજપના સાંસદ રાધામોહન સિંઘ અધ્યક્ષતા કરી રહ્યા હતા અને નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવી રહ્યા હતા.
શપથ ગ્રહણ બાદ ઔવેસીના આ વિવાદિત નારા અંગે સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ કહ્યું કે, “આપણી પેલેસ્ટાઇન કે અન્ય કોઈ રાષ્ટ્ર સાથે કોઈ દુશ્મની નથી. સંસદના સભ્યો માટે શપથ લીધા પછી બીજા દેશના સમર્થનમાં નારા લગાવવા યોગ્ય છે કે નહીં તે નક્કી કરવા માટે અમારે નિયમો જોવા પડશે.” નોંધનીય છે કે, વિરોધ બાદ ઓવૈસીનું ભાષણ ‘જય પેલેસ્ટાઈન’ લોકસભાની કાર્યવાહીના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવ્યું છે.