બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની અગામી ફિલ્મ “પઠાણ” પહેલેથી જ વિવાદોમાં સપડાયેલી છે, તેવામાં હવે પઠાણના વિરોધ બદલ નવસારી લાઇવ ન્યુઝ ચેનલ વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ હોવાની માહિતી મળી રહી છે, અને આ ચેનલમાં જ ફિલ્મ પઠાણનો વિરોધ કરવા બદલ સુરતના એક સાધુને જેલમાં ધકેલવામાં આવ્યાં હોવાની પણ માહિતી મળી રહી છે. આ તમામ કાર્યવાહી નવસારીના રહેવાસી સાજીદ આલમ નામના વ્યક્તિની ફરિયાદ બાદ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ગત તારીખ 21 ડીસેમ્બર 2022ના રોજ નવસારી ખાતે પઠાણ ફિલ્મનો વિરોધ થઇ રહ્યો હતો, જે દરમિયાન નવસારીની “નવસારી લાઈવ ન્યુઝ” નામની એક યુટ્યુબ સમાચાર ચેનલ દ્વારા આ ઘટનાના સમાચાર કવર કરવામાં આવી રહ્યા હતા, અને ચેનલના સંચાલક અને માલિક જીતેન્દ્ર પટેલ આ સ્ટોરી કવર કરી રહ્યા હતા, આ દરમિયાન ત્યાં હાજર પોંડ્રીક મહારાજ નામના સુરતના એક સાધુએ પઠાણ ફિલ્મના વિરોધમાં કેટલાક શબ્દો કહ્યા હતા, જે ઉપરોક્ત ચેનલ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યા હતા, જે બાદ પઠાણના વિરોધ બદલ નવસારી લાઇવ ન્યુઝ ચેનલ વિરુદ્ધ ફરીયાદ દાખલ થતા પોંડ્રીક મહારાજની ધરપકડ કરવામાં આવી હતી અને નવસારી લાઈવ ન્યુઝ ચેનલ વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવાની તાજ્વીજ હાથ ધરવામાં આવી હતી.
પઠાણ ફિલ્મનો વિરોધ કરી હિંદુ-મુસ્લિમ વચ્ચે ઝઘડો કરાવવાનો આશય: ફરિયાદી સાજીદ
સાજીદ આલમ દ્વારા કરવામાં આવેલી ફરિયાદમાં જણાવાયા મુજબ દાવો કરવામાં આવ્યો હતો કે નવસારી લાઈવ ન્યુઝ ચેનલ પર પ્રસારિત થયેલ ઈન્ટરવ્યુંના વિડીયોમાં મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હતી, અને મુસ્લિમ ધર્મમાં માનનારાઓ વિષે ટીપ્પણી કરીને હિંદુ અને મુસ્લિમો વચ્ચે ઝઘડા થાય તેવા મંતવ્યો આપવામાં આવ્યાં હતા, અને ચેનલના માલિક જીતેન્દ્ર પટેલે જાણી જોઇને આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. સાજીદ દ્વારા દાખલ કરાવવામાં આવેલી FIR ની કોપી ઑપઈન્ડિયા પાસે છે.
ન્યુઝ ચેનલના સંચાલકોએ વિડીયો હટાવી જાહેરમાં માફી માંગી
નોંધનીય છે કે ફરિયાદ દાખલ થયા બાદ નવસારી લાઈવ યુટ્યુબ ન્યુઝ ચેનલના સંચાલકોને વિડીયો હટાવવાની ફરજ પડી હતી અને તેમના સહયોગી મહેશ ભટ્ટ દ્વારા વિડીયો બનાવીને તેમની ટીમના સંચાલકો અને સ્ટાફ વતી માફી માંગી હતી, આ વિડીયોમાં મહેશ ભટ્ટ જણાવી રહ્યા છે કે જે વિડીયો અપલોડ કરવામાં આવી રહ્યો છે તેમાં જે શબ્દોનો ઉપયોગ થયો હતો તે શબ્દો પોંડ્રીક મહારાજના પોતાના હતા અને તે વિડીયોમાં શબ્દો હટાવ્યા વગર તેણે યુટ્યુબમાં અપલોડ કરવા બદલ અમે માફી માંગીએ છીએ.
ચેનલ સંચાલકોએ આ વિડીયો તેમની ન્યુઝ ચેનલ પર અપલોડ કર્યો હતો.
પઠાણ ફિલ્મનો વિરોધ
નોંધનીય છે કે આવતે મહીને શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ આવી રહી છે, જેમાં મુખ્ય અભિનેત્રી તરીકે દીપિકા પાદુકોણ છે. દીપિકા પાદુકોણ પણ અગાઉ જેએનયુમાં કથિત ટુકડે ટુકડે ગેંગ સાથે પણ ઉભી રહી હતી, ત્યારથી જ તે હંમેશા બોયકોટનો શિકાર બની રહી છે. જ્યારે લોકો શાહરૂખના પાકિસ્તાન પ્રત્યેના વલણ અને ભારત દેશમાં સહિષ્ણુ નથી તે અંગેના તેના કથિત બયાનના કારણે બોયકોટનો શિકાર બની રહ્યો છે. જો કે હાલમાં વિવાદ એક ગીતમાં ભગવા વસ્ત્ર પહેરીને દીપિકા નૃત્ય કરે છે સાથે ગીતમાં “બેશરમ રંગ” શબ્દ વપરાયો છે. આ બે બાબતો જોડીને લોકો વિરોધ કરી રહ્યા છે.