અયોધ્યા રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાશી-મથુરા માટે પોતાનું વલણ સ્પષ્ટ કરી દીધું છે. તેમણે જણાવ્યું કે, અયોધ્યા વિશે કહેવામાં આવ્યું હતું કે રામલલા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે, તો હાલ ત્યાં મંદિર બની રહ્યું છે. CM યોગીએ કહ્યું કે, જે રીતે અયોધ્યા માટે કાનૂની લડાઈ લડવામાં આવી હતી, તેવી જ રીતે કાશી-મથુરાની બાબતે પણ કોર્ટ સમક્ષ પુરાવા રજૂ કરવામાં આવશે. પછી જે નિર્ણય આવે તેને માન્ય રાખવામાં આવશે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ તમામ વાતો આજતકને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહી. અહીં તેઓ અયોધ્યાને ફક્ત શહેર માનવાના બદલે તેને સમગ્ર વિશ્વની રાજધાની કહેતા જોવા મળ્યા. આ ઉપરાંત તેમણે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતના આરોપોનો પણ જવાબ આપ્યો, જેમાં દાવો કરવામાં આવ્યો કે, રામ મંદિરનું ગર્ભગૃહ યોગ્ય સ્થાન પર બનાવવામાં આવી રહ્યું નથી. સીએમ યોગીએ સ્પષ્ટ કરતાં કહ્યું કે, ભગવાન રામનું મંદિર એ જ જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે જ્યાં બનવું જોઈતું હતું.
CM યોગીએ કહ્યું કે, “સંજય રાઉત અને ઉદ્ધવ ઠાકરે પોતે આ મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે. જો તેઓને આવું કંઇક લાગ્યું હોત, તો તેમણે પહેલાં આ સૂચન કેમ ન કર્યું? હવે દ્રાક્ષ ખાટી છે એવું તો કોઈપણ બોલી શકે છે.” સીએમ યોગીએ એમ પણ કહ્યું કે, અમારી આખી લડાઈ એક જ હતી અને એ છે, ‘રામલલા હમ આયેંગે, મંદિર વહી બનાયેંગે’. હવે એ જ જગ્યાએ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. વેદોમાં, અયોધ્યાને સપ્તપુરીઓમાં પ્રથમ પુરી તરીકે સન્માનિત કરવામાં આવ્યું છે, અયોધ્યાને તે જ સ્વરૂપમાં સજ્જ કરવામાં આવી રહ્યું છે
અયોધ્યામાં થયેલા બદલાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, 10 વર્ષ પહેલાં કોઈએ વિચાર્યું પણ નહોતું કે અહીં ફોર લેન રોડ બનશે. પરંતુ આજે શહેરમાં સુવિધાઓથી સજ્જ રેલ્વે સ્ટેશન છે, જે એક સમયે નાની રેલ્વે લાઈન હતી. અહીં અયોધ્યામાં એક ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ તૈયાર છે. પહેલાંની સરકારો સરયૂ નદી પર ગોળીઓ ચલાવતી હતી, હવે અહીં ક્રૂઝ ચાલે છે.
ઇન્ટરવ્યૂમાં જ્યારે CM યોગી આદિત્યનાથને મથુરા અને કાશી વિશે સવાલ પૂછવામાં આવ્યા તો તેમણે કહ્યું, “આ મામલો હજુ કોર્ટમાં છે. અમે રામલલા માટે 500 વર્ષ સુધી સંઘર્ષ કર્યો. અમે કાયદાકીય રીતે જ ન્યાય અને સત્યની જીત હાંસલ કરી અને પછી જ અમે રામલલાનું મંદિર બનાવી રહ્યા છીએ. તેવી જ રીતે અમે આ મામલાને પણ કોર્ટ દ્વારા જ ઉકેલીશું. અમે કોર્ટ સમક્ષ દરેક પુરાવા રજૂ કરીશું અને અમારી લડાઈ લડીશું.” આ ઉપરાંત જ્યારે તેમને કૃષ્ણ મંદિરની તારીખ પૂછવામાં આવી, ત્યારે CM યોગીએ કહ્યું કે, બધું જ કાયદાકીય રીતે કરવામાં આવશે. પ્રભુની તારીખ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? જ્યારે પ્રભુની ઈચ્છા હશે ત્યારે બધું થશે.
તાજેતરમાં જ રાહુલ ગાંધી અને કોંગ્રેસે પાર્ટીએ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને રાજકીય ઈવેન્ટ ગણાવ્યો હતો. જે અંગે CM યોગીએ કહ્યું કે, જો આ રાજકીય ઈવેન્ટ છે તો કોંગ્રેસને આવું કરતાં કોણે રોકી હતી. વર્ષ 1948થી એક લાંબા સમય સુધી સરકારોએ દેશ ચલાવ્યો છે. તેઓએ આવી કોઈ ઈવેન્ટનું આયોજન કેમ ન કર્યું? રાહુલ ગાંધી 2004થી સાંસદ છે અને લાંબા સમયથી પાછળથી સરકાર ચલાવતા આવી રહ્યા હતા.તેઓને આ આવો ઇવેન્ટ કરવાની કોણે ના પાડી હતી. મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, રાહુલ ગાંધી હંમેશાથી ભારતના બંધારણનું અપમાન કરે એવા જ ઇવેન્ટ કરતા આવ્યા છે.