Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘મહાભારત-રામાયણ અનુસાર પત્ની વિના યજ્ઞ અધૂરો’: છત્તીસગઢ હાઇકોર્ટે હિંદુ પતિના ધર્મનો ઉપહાસ...

    ‘મહાભારત-રામાયણ અનુસાર પત્ની વિના યજ્ઞ અધૂરો’: છત્તીસગઢ હાઇકોર્ટે હિંદુ પતિના ધર્મનો ઉપહાસ કરતી ખ્રિસ્તી પત્નીને આપેલ છૂટાછેડા રાખ્યા માન્ય

    કોર્ટે કહ્યું કે, “ટ્રાયલ કોર્ટે બંને પક્ષોના મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે પ્રતિવાદીની તરફેણમાં યોગ્ય નિર્ણય કર્યો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલ તારણો ન્યાયી, યોગ્ય અને હિંદુ મેરેજ એક્ટની જોગવાઈઓ અનુસાર છે અને તેમાં કોઈ દખલની જરૂર નથી.”

    - Advertisement -

    30 ઓક્ટોબરે છત્તીસગઢ હાઇકોર્ટે (Chhattisgarh High Court) એક મહત્વનો ચૂકાદો આપ્યો હતો. એક હિંદુ પતિએ તેની ખ્રિસ્તી પત્ની (Hindu Husband and Christian Wife) પર તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચડવાના આરોપ સર આપેલ છૂટાછેડા કોર્ટે માન્ય રાખ્યા હતા. તથા ટિપ્પણી કરી હતી કે જો પતિની ધાર્મિક માન્યતાઓની વારંવાર મજાક ઉડાવવામાં આવે તો તે માનસિક ક્રૂરતાના આધારે છૂટાછેડા (Divorce) લેવા માટે હકદાર છે.

    હિંદુ ધર્મનું પાલન કરતા વિકાસે તેની પત્ની નેહા પર તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાના મામલે છૂટાછેડાની અરજી કરી હતી. તેની દલીલો સાંભળીને ફેમિલી કોર્ટે છૂટાછેડા મંજૂર પણ કર્યા હતા. પરંતુ તેની પત્ની નેહાએ ફેમિલી કોર્ટના આદેશના વિરુદ્ધ છત્તીસગઢ હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ મામલે સુનાવણી હાથ ધરતા કોર્ટે મહત્વની ટિપ્પણીઓ કરી હતી.

    છત્તીસગઢ હાઇકોર્ટમાં જસ્ટિસ રજની દુબે અને જસ્ટિસ સંજય જયસ્વાલની ડિવિઝન બેંચમાં આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન વિકાસના એડવોકેટે હાઈકોર્ટને જણાવ્યું કે તેની પત્ની નેહાએ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. હિંદુ ધર્મમાં પત્ની વિના કોઈપણ પૂજા, હવન વગેરે અધૂરા માનવામાં આવે છે. પરંતુ, તેની પત્ની છેલ્લા 10 વર્ષથી વિકાસ સાથે કોઈ હિંદુ ધાર્મિક વિધિમાં સામેલ થતી નથી.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે સુનાવણી દરમિયાન નેહાએ પોતે પણ આ બાબત સ્વીકારી હતી કે, તેણે છેલ્લા દસ વર્ષમાં કોઈ પણ હિંદુ ધાર્મિક વિધિમાં હાજરી આપી નથી અને પૂજાને બદલે તેણે ચર્ચમાં જવાનું શરૂ કર્યું છે. વિકાસે કોર્ટમાં કહ્યું કે તેની પત્ની વારંવાર તેની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડતી અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરતી.

    હાઇકોર્ટની મહત્વપૂર્ણ ટિપ્પણી

    હાઇકોર્ટે કહ્યું કે, “અપીલકર્તા પત્નીએ પોતે સ્વીકાર્યું છે કે છેલ્લા 10 વર્ષથી તેણે કોઈ પણ પ્રકારની પૂજા કરી નથી અને તેના બદલે તે પોતાની પ્રાર્થના માટે ચર્ચ જાય છે. એ નોંધવું અગત્યનું છે કે આ માત્ર બે અલગ-અલગ ધર્મના વ્યક્તિઓ વચ્ચેના લગ્નનો કેસ નથી, જ્યાં ધાર્મિક પ્રથાઓની પરસ્પર સમજણ અપેક્ષિત છે.”

    કોર્ટે આગળ કહ્યું કે, “અહીં, પતિએ જણાવ્યા મુજબ પત્નીએ વારંવાર તેની ધાર્મિક માન્યતાઓનું અપમાન કર્યું, તેના દેવતાઓનું અપમાન કર્યું અને તેનું પણ અપમાન કર્યું.” કોર્ટે કહ્યું “જયારે પત્ની પાસે ‘સહધર્મિણી’ હોવાની અપેક્ષારાખવામાં આવે છે ત્યારે તેના પતિ સાથનો આવો વ્યવહાર એ તેના ધર્મનિષ્ઠ હિંદુ પતિ પ્રત્યે માનસિક ક્રૂરતા સમાન છે.”

    હાઇકોર્ટે રામાયણ અને મહાભારત જેવા હિંદુ ધાર્મિક ગ્રંથોનો હવાલો આપતા કહ્યું, “મહાભારત-રામાયણમાં અને મનુસ્મૃતિમાં પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ યજ્ઞ પત્ની વિના અધૂરો છે. ધાર્મિક કાર્યોમાં પત્ની-પતિ સમાન ભાગીદાર છે. પતિ તેના પરિવારનો એકમાત્ર પુત્ર છે, તેણે પરિવારના સભ્યો માટે ધાર્મિક વિધિઓ કરવાની હોય છે.”

    કોર્ટે કહ્યું કે, “ટ્રાયલ કોર્ટે બંને પક્ષોના મૌખિક અને દસ્તાવેજી પુરાવાના આધારે પ્રતિવાદીની તરફેણમાં યોગ્ય નિર્ણય કર્યો છે. ટ્રાયલ કોર્ટ દ્વારા નોંધાયેલ તારણો ન્યાયી, યોગ્ય અને હિંદુ મેરેજ એક્ટની જોગવાઈઓ અનુસાર છે અને તેમાં કોઈ દખલની જરૂર નથી.” છત્તીસગઢ કોર્ટે આ અપીલને અયોગ્ય ગણાવીને ફગાવી દીધી હતી.

    શું હતી સમગ્ર ઘટના

    મધ્યપ્રદેશના ડિંડોરી જિલ્લાના કરંજિયાની રહેવાસી અને ખ્રિસ્તી ધર્મનું પાલન કરતી નેહાએ 7 ફેબ્રુઆરી 2016ના રોજ હિંદુ રીતિ રિવાજ અનુસાર છત્તીસગઢના બિલાસપુરના રહેવાસી વિકાસ ચંદ્રા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા સમય પછીથી જ નેહા તેના પતિ વિકાસની ધાર્મિક માન્યતાઓનો ઉપહાસ કરવા લાગી અને હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરવા લાગી હતી.

    વિકાસ તેને હિંદુ ધર્મનું પાલન કરવા કહેતો પરંતુ નેહા નહોતી માનતી. આ દરમિયાન વિકાસ દિલ્હીમાં નૌકરી કરતો હતો. હદ ત્યારે થઇ જયારે લગ્નના થોડાક મહિનાઓ વિકાસ સાથે દિલ્હીમાં રહ્યા બાદ નેહા બિલાસપુર પરત આવી ગઈ. પરત આવીને તે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરવા લાગી. ઉપરાંત તેણે ફરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો અને ચર્ચમાં જવાનું શરૂ કરી દીધું. તેણે વિકાસ સાથે હિંદુ ધાર્મિક અનુષ્ઠાન કે વિધિમાં સામેલ થવાનો પણ ઇનકાર કરી દીધો.

    ફેમિલી કોર્ટે મંજૂર કર્યા હતા છૂટાછેડા

    આ તમામ બાબતોથી પરેશાન પતિએ બિલાસપુરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. સુનાવણી પછી, 5 એપ્રિલે કોર્ટે વિકાસની તરફેણમાં એક હુકમનામું પસાર કરીને તેને છૂટાછેડા લેવાની મંજૂરી આપી. ફેમિલી કોર્ટના હુકમ વિરુદ્ધ નેહા એ છત્તીસગઢ હાઇકોર્ટમાં અરજી કરી હતી. કેસની સુનાવણી બાદ છત્તીસગઢ હાઇકોર્ટે ફેમિલી કોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવતા કહ્યું કે તેમાં કોઈ દખલની જરૂર નથી અને નેહાની અપીલને ફગાવી છૂટાછેડા મંજૂર રખ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં