કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) એક મહત્વપૂર્ણ ચુકાદો આપતાં કહ્યું છે કે, મસ્જિદની અંદર ‘જય શ્રીરામ’ના નારા (Jai Shri Ram Slogan) લગાવવાથી કોઈ પણ વર્ગની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચતી નથી. હાઈકોર્ટના જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ સપ્ટેમ્બર, 2023માં ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવાના આરોપસર જેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો એવા બે આરોપી, કીર્તન કુમાર અને સચિન કુમાર વિરુદ્ધ નોંધાયેલ ફોજદારી કાર્યવાહીને રદ કરી હતી. કોર્ટે આ સાથે કહ્યું છે કે, મસ્જિદમાં ‘જય શ્રીરામ’ના નારા લગાવવાથી ધાર્મિક લાગણીઓ કઈ રીતે દુભાઈ શકે એ તેમની સમજની બહાર છે.
આ ઘટના ત્યારે સામે આવી હતી જ્યારે સપ્ટેમ્બર, 2023માં દક્ષિણ કન્નડ જિલ્લાની પોલીસે કીર્તન કુમાર અને સચિન કુમાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની (IPC) કલમ 295A, 447 અને 506 સહિત અનેક કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવાયું હતું કે, ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક રાત્રે બંને સ્થાનિકો મસ્જિદમાં ઘૂસ્યા હતા અને ‘જય શ્રીરામ’ના નારા લગાવ્યા હતા. ફરિયાદમાં એવું પણ કહેવાયું હતું કે, તે વિસ્તારમાં હિંદુ-મુસ્લિમ લોકો સૌહાર્દ સાથે જીવી રહ્યા છે, તેથી આવી ઘટનાઓ ન ચલાવી શકાય.
‘જય શ્રીરામ’ના નારા લગાવવાથી કઈ રીતે દુભાઈ શકે ધાર્મિક ભાવના?- કોર્ટ
ત્યારબાદ કીર્તન કુમાર અને સચિન કુમારે તેમના વિરુદ્ધ નોંધાયેલી FIRને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. કર્ણાટક હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, “કલમ 295A કોઈપણ વર્ગના ધર્મ અથવા તો ધાર્મિક બાબતોનું અપમાન કરીને તેની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી, જાણીજોઈને અને દુર્ભાવનાપૂર્ણ કરવામાં આવેલાં કાર્ય સંબંધિત છે. તે સમજની બહાર છે કે, જો કોઈ ‘જય શ્રીરામ’ના નારા લગાવે તો તેનાથી કોઈ વર્ગની ધાર્મિક ભાવના કઈ રીતે દુભાઈ શકે.”
હાઈકોર્ટે કહ્યું કે, જ્યારે ફરિયાદી પોતે કહે છે કે, આ વિસ્તારમાં હિંદુ અને મુસ્લિમો સૌહાર્દથી રહે છે તો આ ઘટનાનું કોઈપણ રીતે અર્થઘટન કરી શકાય નહીં. બંને અરજદારોના વકીલે દલીલ કરી હતી કે, મસ્જિદ એક જાહેરસ્થળ છે. તેથી આમાં ગુનાહિત અતિક્રમણનો કોઈ કેસ નથી બની શકતો. ‘જય શ્રીરામ’ના નારા લગાવવા એ IPCની કલમ 295A હેઠળ વ્યાખ્યાયિત અપરાધ પણ નથી.
રાજ્ય સરકારના વકીલે અરજીનો કર્યો વિરોધ
બીજી તરફ રાજ્ય સરકાર તરફથી હાજર રહેલા વકીલ સૌમ્યાએ આ અરજીનો વિરોધ કર્યો હતો અને સાથે કહ્યું હતું કે, આ મામલે વધુ તપાસ જરૂરી છે. જોકે કોર્ટે જણાવ્યું હતું કે, હાલના કેસમાં કથિત ગુનાની જાહેર વ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર થઈ નથી. હાઈકોર્ટે એમ પણ કહ્યું કે, સુપ્રીમ કોર્ટ માને છે કે કોઈ પણ આવા કૃત્યને કલમ 295A હેઠળ ગુનો ન ગણી શકાય.
મહેન્દ્ર સિંઘ ધોની વિ. યેરાગુંટલા શ્યામસુંદર (2017)માં સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકીને હાઈકોર્ટે કહ્યું કે, “જે કૃત્યો શાંતિ અથવા જાહેર વ્યવસ્થાને નષ્ટ કરવા પર કોઈ અસર ન કરતાં હોય તેને IPCની કલમ 295A હેઠળ ગુનો ગણવામાં આવી શકે નહીં. આ કથિત ગુનાઓમાંથી કોઈપણ ગુનાના તત્વ ન મળવા પર અરજદારો વિરુદ્ધ આગળની કાર્યવાહીની મંજૂરી આપવી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ અને ન્યાયની નિષ્ફળતા ગણાશે.”