Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશહેલ્થકેર વર્કરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા મોદી સરકાર બનાવશે કમિટી: રાષ્ટ્રવ્યાપી હડતાલ વચ્ચે...

    હેલ્થકેર વર્કરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા મોદી સરકાર બનાવશે કમિટી: રાષ્ટ્રવ્યાપી હડતાલ વચ્ચે ઘોષણા, ડૉક્ટરોને ફરજ પર પરત ફરવા કરી અપીલ

    સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, "એસોસિએશનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાને રાખીને, મંત્રાલયે હેલ્થકેર વર્કરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં સૂચવવા માટે એક કમિટીની રચના કરવાનું આશ્વાસન આપ્યું છે."

    - Advertisement -

    કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં બનેલી મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)ના આહ્વાન પર દેશભરની મેડિકલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કોલકાતાની ઘટનાના વિરોધમાં 24 કલાક માટે રાષ્ટ્રવ્યાપી હડતાલ પણ શરૂ કરવામાં આવી છે. જેના કારણે અનેક દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. રાષ્ટ્રવ્યાપી હડતાલ વચ્ચે હવે મોદી સરકારે તમામ ડૉક્ટરોને ફરજ પર પરત ફરવા માટેનું આહ્વાન કર્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલયે હેલ્થકેર વર્કરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમિટી બનાવવાની ઘોષણા પણ કરી છે.

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે (17 ઑગસ્ટ, 2024) એક નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, કેન્દ્ર સરકાર હેલ્થકેર વર્કરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે એક કમિટીનું ગઠન કરશે. તેમાં સામેલ રહેલા સભ્યો હેલ્થકેર વર્કરોની સુરક્ષાને ધ્યાને રાખીને સૂચનો આપશે. મંત્રાલયે કહ્યું છે કે, આ કમિટી રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકો સાથે પરામર્શ કરશે અને આવી ઘટનાઓને અટકાવવા માટેના નક્કર ઉકેલ માટે સૂચનો માંગશે. IMA, FORDA અને દિલ્હીની સરકારી મેડિકલ કોલેજો અને હોસ્પિટલોના રેસિડેન્ટ ડૉક્ટરોના એસોસિએશનના પ્રતિનિધિઓએ આ અંગે સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાની મુલાકાત લીધી હતી. જે બાદ મંત્રાલય દ્વારા કમિટી રચવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયું છે કે, “એસોસિએશનો દ્વારા વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને ધ્યાને રાખીને, મંત્રાલયે હેલ્થકેર વર્કરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ સંભવિત પગલાં સૂચવવા માટે એક કમિટીની રચના કરવાનું આશ્વાસન આપ્યું છે. રાજ્ય સરકારો સહિત તમામ હિતધારકોના પ્રતિનિધિઓને સૂચનો આપવા માટે આમંત્રિત કરવામાં આવશે.” નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે, વિવિધ મેડિકલ સંગઠનોએ વર્કપ્લેસ પર હેલ્થકેર વર્કરોની સુરક્ષાના સંબંધે પોતાની માંગણીઓ રજૂ કરી છે. મંત્રાલયે માંગણીઓ સાંભળી છે અને ડૉક્ટરો તથા અન્ય હેલ્થકેર વર્કરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટેના દરેક સંભવ પ્રયાસની ખાતરી પણ આપી છે. નિવેદનમાં કહેવાયું છે કે, સરકાર હાલની પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે અને ડૉક્ટરોની માંગણી પ્રત્યે સંવેદનશીલ પણ છે.

    - Advertisement -

    આ સાથે જ અંતમાં સ્વાસ્થ્ય મંત્રાલયે હડતાલ પર ઉતરેલા ડૉક્ટરોને વહેલી તકે ફરજ પર પરત ફરવા માટેની અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે, “મંત્રાલયે આંદોલનકારી ડૉક્ટરોને વ્યાપક જનહિત અને ડેન્ગ્યુ તથા મેલેરિયાના વધતાં કેસોને ધ્યાને રાખીને પોતાની ફરજ પર પરત ફરવા માટેની અપીલ કરી છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં