દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ વધતી જણાઇ રહી છે. થોડા મહિના પહેલાં સામે આવ્યું હતું કે તેમણે કોરોના સમયે 45 કરોડના ખર્ચે પોતાના નિવાસસ્થાનનું રિનોવેશન કરાવ્યું હતું, જે પછીથી મીડિયામાં ‘શીશમહેલ’ તરીકે જાણીતું બન્યું. હવે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીબીઆઇને તપાસના આદેશ આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. CBIએ આ શીશમહેલ કેસ મામલે પ્રાથમિક ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી છે.
ન્યૂઝ એજન્સી ANIએ એજન્સીનાં સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રીના નિવાસસ્થાનના બાંધકામ અને રિનોવેશનમાં જોવા મળેલી કથિત અનિયમિતતાઓને લઈને CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એજન્સીએ દિલ્હી સરકાર પાસે આ શીશમહેલ રિનોવેશન મામલાને લગતી ફાઈલો પણ માંગી છે.
CBI registers Preliminary Enquiry to probe alleged irregularities in construction and 'renovation' of new residence for Delhi CM: CBI Sources pic.twitter.com/3RxzI3oEX3
— ANI (@ANI) September 27, 2023
અહીં નોંધનીય છે કે પ્રાથમિક તપાસ શરૂ કરીને એજન્સી એ જાણે છે કે પ્રથમ દૃષ્ટિએ આરોપો તપાસયોગ્ય છે કે નહીં. જો ફરિયાદ અને આરોપોમાં તથ્યો જણાય તો સીબીઆઇ આગળ FIR દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરે છે. અહેવાલો મુજબ, CBIએ બંગલાના રિનોવેશનને લઈને બહાર પાડવામાં આવેલા ટેન્ડરના ડોક્યુમેન્ટ્સ, કૉન્ટ્રાક્ટરો દ્વારા અપાયેલ બીડ, ઈમારતના પ્લાનને મળેલી મંજૂરીના કાગળો સહિત PWD સંબંધિત અનેક રેકોર્ડ્સ માંગ્યા છે. આ તમામ દસ્તાવેજો 3 ઓક્ટોબર સુધીમાં જમા કરાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ વર્ષે એપ્રિલ મહિનામાં આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. મીડિયા ચેનલ ટાઈમ્સ દ્વારા એક વિશેષ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો હતો કે અરવિંદ કેજરીવાલે તેમના નિવાસસ્થાનના રિનોવેશન અને બાંધકામમાં 45 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આરોપો અનુસાર, ઈન્ટિરિયર ડેકોરેશનમાં 11.30 કરોડ, સ્ટોન અને માર્બલ ફ્લોરિંગમાં 6.02 કરોડ, ઇલેક્ટ્રિકલ ફીટિંગ અને સાધનોમાં 2.58 કરોડ, વોર્ડરોબ અને એસેસરી ફિટિંગમાં 1.41 કરોડ અને કિચનમાં 1.1 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા.
આરોપો બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય સક્સેનાએ રાજ્યના મુખ્ય સચિવને પત્ર લખીને આ મામલે રિપોર્ટ જમા કરાવવાનો અને અનિયમિતતાઓ સંબંધિત તમામ દસ્તાવેજો રેકોર્ડ પર લેવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય સચિવે મોકલેલા રિપોર્ટમાં પ્રથમ દ્રષ્ટિએ રિનોવેશનમાં અનિયમિતતા જણાઈ હતી. ત્યારબાદ આ રિપોર્ટના આધારે મુખ્ય સચિવે સીબીઆઇને પત્ર લખીને મામલાની તપાસ કરવા માટે જણાવ્યું હતું. હવે એજન્સી આ મામલે વિગતવાર તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરશે.