Thursday, October 24, 2024
More
    હોમપેજદુનિયાજસ્ટિન ટ્રુડોની ખુરશી પર સંકટ, પાર્ટીના જ સાંસદો સામે પડ્યા: 4 દિવસનું...

    જસ્ટિન ટ્રુડોની ખુરશી પર સંકટ, પાર્ટીના જ સાંસદો સામે પડ્યા: 4 દિવસનું અલ્ટીમેટમ અપાયું, ભારત પર આરોપ લગાવીને પણ રાજકીય કારકિર્દી ન બચાવી શક્યા કેનેડિયન PM

    લિબરલ પાર્ટીના 20 સાંસદોએ ટ્રુડોને 28 ઑક્ટોબર સુધીમાં રાજીનામું આપવાનું કહીને અલ્ટીમેટમ આપ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે તેમ પણ સાંસદોનું કહેવું છે.

    - Advertisement -

    ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાનો આરોપ લગાવીને બંને દેશો વચ્ચેના સંબંધોને અસ્થિર કરનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો (Justin Trudeau) પર હવે દેશમાં જ દબાણ વધવા માંડ્યું છે. તેમની જ પાર્ટીના અમુક સાંસદોએ તેમને રાજીનામું (Resignation) આપવાનું કહી દીધું છે. આગામી 4 દિવસમાં જો ટ્રુડો રાજીનામું નહીં આપે તો બળવો કરવાનું પણ સાંસદો કહી ચૂક્યા છે. અહીં નોંધવું જોઈએ કે ભારત અને કેનેડાના રાજદ્વારી સબંધોમાં ઘણા સમયથી તણાવ ચાલી રહ્યો છે.

    અહેવાલો અનુસાર, વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની પાર્ટીના સાંસદો જ તેમના રાજીનામાની માંગ કરી રહ્યા છે. લિબરલ પાર્ટીના 20 સાંસદોએ ટ્રુડોને 28 ઑક્ટોબર સુધીમાં રાજીનામું આપવાનું કહીને અલ્ટીમેટમ આપ્યું છે. જો તેઓ આમ નહીં કરે તો ગંભીર પરિણામો ભોગવવાં પડશે તેમ પણ સાંસદોનું કહેવું છે.

    કેનેડાના વડાપ્રધાન ટ્રુડોની પાર્ટીના સાંસદોએ જ માંગ્યું રાજીનામુ

    નોંધવા જેવું છે કે કેનેડાના જે સાંસદો વિરોધમાં છે તેમણે હસ્તાક્ષર કરીને એક પત્ર દ્વારા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માંગ કરી હતી. આ પત્ર પર અન્ય સાંસદોના હસ્તાક્ષર પણ કરાવવામાં આવ્યા હતા. ટ્રુડોની સાંસદમાં લિબરલ પાર્ટીના કુલ 150 સાંસદો છે તેમાંથી 30 સાંસદો વિરોધમાં ઉતરી આવ્યા છે. ઉપરાંત સાંસદોએ જસ્ટિન ટ્રુડોને ચોથી વખત વડાપ્રધાન પદ માટે ચૂંટણી નહીં લડવા જણાવ્યું હતું.

    - Advertisement -

    કેનેડિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન અનુસાર, બુધવારે એટલે કે 23 ઑક્ટોબરના રોજ લિબરલ સાંસદોની બેઠક યોજાઈ હતી. જેમાં લિબરલ પાર્ટીના સાંસદ પેટ્રિક વ્હીલરે બુધવારે પાર્લામેન્ટ હિલ પર પાર્ટીની મીટિંગમાં ટ્રુડોને લખેલો પત્ર વાંચ્યો હતો. આ પત્રમાં ટ્રુડોના તાત્કાલિક રાજીનામાની તરફેણમાં દલીલો આપવામાં આવી હતી તથા સાંસદોએ 28 ઓક્ટોબર સુધી રાજીનામાની સમયમર્યાદા આપી છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

    અહેવાલો અનુસાર રાજીનામાની માંગ સાંભળીને ટ્રુડોએ સાંસદોને તેમના ત્રણ બાળકો પર તેમની લાંબી રાજકીય કારકિર્દીની અસર વિશે જણાવ્યું અને આ દરમિયાન તેઓ ભાવુક પણ થઈ ગયા હતા. ટ્રુડોએ તેમના સંસદીય જૂથને કહ્યું છે કે એક નેતા તરીકે પોતાની લાયકાત અંગે સાંસદોની ચિંતાઓ સાંભળ્યા પછી તેમને વિચારવા માટે થોડો સમય જોઈએ છે.

    લિબરલ પાર્ટીના સાંસદ સીન કેસીએ કહ્યું કે જસ્ટિન ટ્રુડો પોતાનું રાજીનામું સુપરત કરે તે જ કેનેડાના હિતમાં રહેશે. તેમણે કહ્યું કે ટ્રુડોનું રાજીનામુ જ લિબરલ પાર્ટીની સરકારને બચાવી શકે છે. સાંસદોએ કહ્યું કે ટ્રુડોના રાજીનામા બાદ નવા નેતાની શોધ કરવામાં આવશે, તેનાથી પાર્ટી વિરુદ્ધ દેશમાં સર્જાયેલા વાતાવરણને સામાન્ય કરવામાં મદદ મળશે, તથા જો આવું નહીં થાય તો કન્ઝર્વેટિવ પાર્ટી સરળતાથી જીતી જશે.

    કેનેડાની સરકારી ચેનલ સીબીસીના સરવે અનુસાર કન્ઝર્વેટિવ પાર્ટી સત્તાધારી લિબરલ પાર્ટી કરતા 19% પોઈન્ટની લીડ ધરાવે છે. સરવે એ પણ દર્શાવે છે કે આગામી ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટી બહુમતી મેળવે તેવી 95% શક્યતા છે. હાલમાં કેનેડાના 65% લોકો એવા છે, જેમને ટ્રુડો પસંદ નથી અને આંકડાઓ અને અનુમાનો જોઈએ તો લિબરલ પાર્ટી સત્તા પર આવે તેવી માત્ર 1% જ શક્યતા છે.

    ઉલ્લેખનીય છે કે પાછલા ઘણા સમયથી ભારત અને કેનેડાના રાજદ્વારી સબંધોમાં તણાવ ચાલી રહ્યો છે. જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યાના આરોપો પણ ભારત પર લગાવ્યા હતા પરંતુ તેમની પાસે તેના કોઈ જ પુરાવા ન હોવાનું તેમણે સંસદની સમિતિની સુનાવણીમાં કબૂલાત કરી હતી. જોકે, આ અંગે ભારતે કેનેડામાંથી પોતાના રાજદ્વારીઓને પણ પરત બોલાવી લીધા હતા અને કેનેડાના રાજદ્વારીઓને દેશ છોડવા માટે કહ્યું હતું. હવે જસ્ટિન ટ્રુડો પર નવી મુશ્કેલી આવી ગઈ છે.

    વૈશ્વિક રાજકારણમાં એક ચર્ચા ઘણા સમયથી ચાલે છે કે ઘટતી લોકપ્રિયતા વચ્ચે જસ્ટિન ટ્રુડોએ ભારત પર આરોપ લગાવીને કેનેડા સ્થિત ખાલિસ્તાનીઓના વહાલા થવાનો પ્રયાસ કર્યો હતો, જેથી તેમનું સમર્થન મળી રહે. પરંતુ આટલા ધમપછાડા કર્યા બાદ ન તો ભારતને વૈશ્વિક સ્તરે કોઈ ફેર પડ્યો છે કે ન ટ્રુડો પોતાનું રાજકીય કરિયર બચાવતા જોવા મળી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં