ખાલિસ્તાનીઓનું સમર્થન મેળવવા માટે ભારત સામે ખોટા આરોપો લગાવીને સીનાજોરી કરતા કેનેડાએ (Canada) હવે સ્વીકાર્યું છે કે તેમણે જ અમેરિકન અખબાર વૉશિંગ્ટન પોસ્ટને (Washington Post) અમુક માહિતી આપી હતી, જેના આધારે પછી અખબારે ભારત વિરુદ્ધ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં ભારતીય ગૃહમંત્રી અમિત શાહનું (Amit Shah) નામ છે અને તેમની ઉપર આરોપ છે કે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની આતંકવાદીઓનો સફાયો કરવાનો આદેશ તેમણે જ આપ્યો હતો.
વૉશિંગ્ટન પોસ્ટને માહિતી લીક કરવાની વાત સ્વયં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોના સુરક્ષા સલાહકારે સ્વીકારી છે. કેનેડાના NSA અને ડેપ્યુટી ફોરેન મિનિસ્ટરે અમેરિકન અખબારને માહિતી પહોંચાડી હતી, જેના આધારે પછીથી એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો, જેમાં કેનેડા-ભારત મામલામાં ભારત પર આરોપ લગાવવામાં આવ્યા હતા અને અમિત શાહનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
કેનેડાએ મંગળવારે (29 ઑક્ટોબર) ફરી આરોપ લગાવતાં કહ્યું કે તેમને ત્યાં માર્યા ગયેલા ખાલિસ્તાની આતંકવાદીઓની હત્યા પાછળ ભારતના ગૃહમંત્રી અમિત શાહનો હાથ છે. આ જ આરોપ અગાઉ વૉશિંગ્ટન પોસ્ટે પોતાના રિપોર્ટમાં લગાવ્યો હતો. હવે કેનેડાની સરકારે પોતે જ આ માહિતી અખબારને આપી હોવાનું સ્વીકારીને આરોપોનું પુનરાવર્તન કર્યું છે.
જોકે, પોતાની આદત અનુસાર કેનેડા ખાલિસ્તાનીઓને આતંકવાદી ગણાવતું નથી પરંતુ શબ્દો એવા વાપરવામાં આવ્યા છે કે, કેનેડામાં શીખ અલગાવવાદીઓને ટાર્ગેટ કરીને તેમની વિરુદ્ધ હિંસાના એક સુનિયોજિત ષડ્યંત્ર પાછળ શાહનો હાથ હતો.
આ મામલે ભારત તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. આ પહેલાંના કેનેડાએ પુરાવા વગર ઠોકી બેસાડેલા તમામ આરોપો ભારતે નકારી કાઢ્યા છે અને અનેક વાર પુરાવાની માંગણી કરવામાં આવી ચૂકી છે.
સ્થાનિક સમય અનુસાર, મંગળવારે (29 ઑક્ટોબર) કેનેડાના નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને સંસદીય સમિતિ સમક્ષ નિવેદન નોંધાવતાં ગૃહમંત્રી શાહનું નામ લીધું હતું.
તેઓ કહે છે કે, “પત્રકારે (વૉશિંગ્ટન પોસ્ટનો પત્રકાર) મારો સંપર્ક કર્યો હતો અને પૂછ્યું હતું કે શું તે વ્યક્તિ શાહ છે? મેં પછીથી તેની પુષ્ટિ કરી હતી.” જોકે આના સિવાય તેમણે આરોપ પ્રસ્થાપિત કરવા માટે કોઈ વિગતો કે પુરાવા રજૂ કર્યા ન હતા.
સમિતિ સમક્ષ કેનેડિયન NSAએ એમ પણ કહ્યું હતું કે, આ માહિતી લીક કરવા માટે તેમને વડાપ્રધાન ટ્રુડોની કોઈ મંજૂરીની જરૂર ન હતી. જોકે બચાવમાં એમ પણ કહ્યું કે તેમણે કોઈ સંવેદનશીલ માહિતી પહોંચાડી ન હતી. એમ પણ ડહાપણ કર્યું હતું કે આ તેમની રણનીતિનો જ ભાગ હતો, જેથી અમેરિકાનું અગ્રણી અખબાર ભારત-કેનેડા વિવાદ પર મુખરતાથી રિપોર્ટિંગ કરે અને મુદ્દો વિશ્વભરમાં ચર્ચાય.
અહીં ખાસ નોંધવું જોઈએ કે વૉશિંગ્ટન પોસ્ટને આ માહિતી આપવામાં આવી ત્યારે તે સાર્વજનિક રીતે ઉપલબ્ધ ન હતી. આ મુદ્દે પણ સરકારને હવે પ્રશ્ન કરવામાં આવી રહ્યા છે. સમિતિના એક સભ્યે પ્રશ્ન કર્યો હતો કે કેનેડાના નાગરિકોને પણ અમેરિકી અખબાર વાંચીને જાણવા મળ્યું હતું. પોતાના નાગરિકોને માહિતી આપવા પહેલાં જ આ રીતે લીક કરી દેવી એ યોગ્ય નથી.