લવ જીહાદના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ લગભગ દરરોજ આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં હિંદુ યુવતીઓએ સહન કરવાનું આવ્યું હોવાનું જોવા મળે છે. પરંતુ નવસારીનો બ્રિજેશ એક અલગ પ્રકારના અને જેને ઓનર કિલિંગની શ્રેણીમાં ગણી શકાય તેને સહન કરી રહ્યો છે.
ગુજરાતી ન્યુઝ ચેનલ ન્યુઝ 18માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર નવસારીનો બ્રિજેશ પટેલ જીલ્લાના અબ્રામા ગામમાં રહે છે. આ જ ગામની એક યુવતી નામે સહિસ્તા સાથે તે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ ધરાવતો હતો. બ્રિજેશનું કહેવું છે કે છેલ્લે ગયા ગુરુવારે એટલેકે 20 એપ્રિલે તે પોતાની પ્રેમિકા સહિસ્તાને મળ્યો હતો અને મુલાકાત બાદ તે પોતાના ઘરે ચાલી ગઈ હતી.
પરંતુ ત્યારબાદ સહિસ્તાના પરિવારજનો તેને શોધવા લાગ્યા હતા અને તેમણે બ્રિજેશને માર મારવાની ધમકી પણ આપી હતી. પરંતુ બ્રિજેશના કહેવા અનુસાર સહિસ્તા તેને મળ્યા બાદ વલસાડ પહોંચી હતી અને એ સમયે જ્યારે તેના પરિવારના સભ્યો બ્રિજેશ સાથે હતા ત્યારેજ તેને કૉલ કર્યો હતો.
ફોન કૉલમાં સહિસ્તાએ બ્રિજેશને આગ્રહ કરીને કહ્યું હતું કે તે તેને લઇ જાય. પરંતુ પરિવારના સભ્યોએ બ્રિજેશને સૂચના આપી હતી કે તે સહિસ્તાને લઇ તો આવે પરંતુ તલવાડા તળાવ પાસે તે સહિસ્તાને તેમને સોંપી દે.
બ્રિજેશે સહિસ્તાના પરિવારની આ સૂચનાનું પાલન કર્યું હતું અને સહિસ્તાને તેણે તલવાડા તળાવ પાસે તેના પરિવારને સોંપી પણ દીધી હતી. આ સમયે સહિસ્તાના પરિવારે બ્રિજેશને કહ્યું હતું કે તે આ બાબતે પોલીસ ફરિયાદ નહીં કરે. બ્રિજેશનો દાવો છે કે સહિસ્તાને આ સમયે સાદિક નામના વ્યક્તિએ કારમાં બેસાડી હતી.
બીજે દિવસે બ્રિજેશને ત્યારે આઘાત લાગ્યો હતો જ્યારે તેણે જાણ્યું હતું કે સહિસ્તાને માર મારીને તેની હત્યા કરી દેવામાં આવી છે અને તેની દફનવિધિ પણ થઇ ગઈ છે. ત્યારબાદ હવે બ્રિજેશ માંગણી કરી રહ્યો છે કે પોલીસ સહિસ્તાના પરિવારના સભ્યો વિરુદ્ધ કાર્યવાહી કરે જેમના પર તેને મારી નાખી હોવાનો આરોપ છે.
આટલું જ નહીં પરંતુ બ્રિજેશની એવી પણ માંગણી છે કે વગર પોસ્ટમોર્ટમ સહિસ્તાને દફનાવી દેવામાં આવી હોવાથી તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ પણ કરવામાં આવે.
બ્રિજેશે પોતાની ફરિયાદમાં મોહમ્મદ કમુ શેખ,સાદિક મોહમ્મદ શેખ, રમજાન સિંધી, સિદ્દીક શેખ અને સોએબ શેખ સામે સહિસ્તાની હત્યાનો આરોપ મુક્યો છે.
અત્યારે તો નવસારીનો બ્રિજેશ પોતાના પ્રેમને ઓનર કિલિંગ દ્વારા દૂર કરવામાં આવતાં ન્યાયની માંગણી કરી રહ્યો છે.