Saturday, March 22, 2025
More
    હોમપેજદેશ'સહમતીથી સંબંધ બનાવનારો 'બળાત્કારી' નથી': ઓરિસ્સા હાઇકોર્ટે રેપ કેસના આરોપીને આપી રાહત,...

    ‘સહમતીથી સંબંધ બનાવનારો ‘બળાત્કારી’ નથી’: ઓરિસ્સા હાઇકોર્ટે રેપ કેસના આરોપીને આપી રાહત, કહ્યું- બ્રેકઅપ નથી કોઈ ગુનો

    કોર્ટે કહ્યું કે, સંબંધ લગ્નમાં ન પરિણામવા એ વ્યક્તિગત ફરિયાદનું કારણ હોય શકે છે પરંતુ તે ગુનો નથી. કોર્ટે કહ્યું કે, “કાયદો દરેક તૂટેલા વચનને તેનું રક્ષણ આપતો નથી કે, દરેક નિષ્ફળ સંબંધ પર અપરાધિકતા લાદતો નથી. અરજદાર અને ફરિયાદીનો સંબંધ 2012માં શરૂ થયો, જ્યારે બંને સક્ષમ, સંમતિ આપનારા પુખ્તવયના હતા."

    - Advertisement -

    ઓરિસ્સા હાઇકોર્ટે (Orissa High Court) એક મહિલાએ લગાવેલ બળાત્કારના (Rape) આરોપોને ફગાવી દીધા છે. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, તેના સાથીએ લગ્નના ‘ખોટા’ વચન હેઠળ નવ વર્ષ સુધી તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ મામલે જસ્ટિસ સંજીવ કુમાર પાણિગ્રહીની એકલ પીઠે સુનાવણી હતી હતી. તેમણે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જ્યારે પુરૂષ અને સ્ત્રી બંને પુખ્તવયના હતા અને સંમતિથી શારીરિક સંબંધ બાંધ્યા હતા, છતાં માત્ર એટલા માટે કે તેમનો સંબંધ લગ્નમાં ન પરિણમ્યો, પુરુષને બળાત્કારી ન કહી શકાય.

    આ ઉપરાંત કોર્ટે કહ્યું કે, સંબંધ લગ્નમાં ન પરિણામવા એ વ્યક્તિગત ફરિયાદનું કારણ હોય શકે છે પરંતુ તે ગુનો નથી. કોર્ટે કહ્યું કે, “કાયદો દરેક તૂટેલા વચનને તેનું રક્ષણ આપતો નથી કે, દરેક નિષ્ફળ સંબંધ પર અપરાધિકતા લાદતો નથી. અરજદાર અને ફરિયાદીનો સંબંધ 2012માં શરૂ થયો, જ્યારે બંને સક્ષમ, સંમતિ આપનારા પુખ્તવયના હતા, પોતાની પસંદગીઓ કરવા, પોતાની ઇચ્છાનો ઉપયોગ કરવા અને પોતાનું ભવિષ્ય ઘડવા સક્ષમ હતા. આ સંબંધ લગ્નમાં પરિણમ્યો નહીં તે વ્યક્તિગત ફરિયાદનું કારણ હોય શકે છે, પરંતુ પ્રેમમાં નિષ્ફળતા કે બ્રેક-અપ ગુનો નથી અને કાયદો નિરાશાને છેતરપિંડીમાં ફેરવતો નથી.”

    ન્યાયાધીશે મહિલાના પસંદગીના અધિકાર અને શારીરિક સ્વાયત્તતા પર ભાર મૂક્યો હતો, ફ્રેન્ચ ફિલોસોફર સિમોન ડી બ્યુવોરના મહિલા અધિકારો પરના પુસ્તક, ‘ધ સેકન્ડ સેક્સ’નો ઉલ્લેખ પણ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, “લગ્ન એક પસંદગી છે, ફરજ નથી. તે એક કાનૂની માન્યતા છે, શારીરિક જોડાણ માટે નૈતિક પ્રતિફળ નથી. તે એક કરાર છે, પ્રાયશ્ચિત નથી.”

    - Advertisement -

    કોર્ટે એવા કાનૂની ખ્યાલમાં સુધારો કરવાની પણ વાત કરી હતી કે, સ્ત્રી ફક્ત લગ્ન કરવાના ઇરાદાથી જ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે. બેન્ચે આવા વિચારોને ‘પિતૃસત્તાક’ અને મહિલાઓની વ્યક્તિગત પસંદગીની વિરુદ્ધ ગણાવ્યા હતા.

    શું હતો સમગ્ર મામલો?

    ફરિયાદી મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તે અને અરજદાર 2012માં મળ્યા હતા, જ્યારે બંને સંબલપુરમાં કોમ્યુટર કોર્સ કરી રહ્યા હતા. તેમની વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ, જેના કારણે અરજદાર તેના પ્રેમમાં પડી ગયો અને લગ્નનું ખોટું વચન આપીને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા લાગ્યો. મહિલાએ દાવો કર્યો હતો કે, આ સંબંધ તેની મરજી વિરુદ્ધ હતો અને આરોપ લગાવ્યો હતો કે, અરજદાર તેને હેરાન કરતો હતો અને ગર્ભાવસ્થા અટકાવવા માટે તેને ગર્ભનિરોધક ગોળીઓ આપતો હતો.

    જોકે, વર્ષ 2023માં, ફરિયાદી મહિલાએ સંબલપુરની ફેમિલી કોર્ટમાં સિવિલ કાર્યવાહી દાખલ કરી હતી, જેમાં અરજદારની કાયદેસર રીતે પરિણીત પત્ની હોવાની ઘોષણા કરવા અને પુરૂષને અન્ય કોઈ સાથે લગ્ન કરવાથી રોકવા માટે મનાઈ હુકમની માંગણી કરી હતી. તેણે દાવો કર્યો હતો કે, 3 ફેબ્રુઆરી 2021ના ​​રોજ, તેણે અને અરજદારે સંબલપુરના સમલેશ્વરી મંદિરમાં વિધિપૂર્વક લગ્ન કર્યા હતા અને એકબીજાને માળા, સિંદૂર અને મંગળસૂત્રની આપ-લે કરી હતી.

    તેણે એવો પણ આરોપ લગાવ્યો હતો કે, તેમણે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન નોંધણી માટે અરજી કરી હતી, પરંતુ અરજદાર 18 માર્ચ 2021ના રોજ નોંધણી માટે હાજર થયો નહોતો. લગ્નની નોંધણી ન થયા બાદ, ફરિયાદીએ FIR નોંધાવી હતી. જે મુજબ અરજદાર વિરુદ્ધ IPCની કલમ 376(2)(A), 376(2)(I), 376(2)(N), 294, 506 અને 34 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

    જેનાથી નારાજ થઈને, અરજદારે આ અરજી દાખલ કરી હતી, જેમાં બાકી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ઓરિસ્સા હાઇકોર્ટે એ હકીકત ધ્યાનમાં લીધી હતી કે, અરજદાર અને ફરિયાદી 9 વર્ષથી વધુના સમયથી સંમતિથી સંબંધમાં હતા, જે 2012માં શરૂ થયો હતો અને 2021માં FIR નોંધવા સાથે સમાપ્ત થયો હતો. જોકે, ફરિયાદીએ દાવો કર્યો હતો કે અરજદારે લગ્નના ખોટા વચનના આધારે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં