ભાવનગરના બોટાદમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યના જન્મદિવસે હોસ્પિટલમાં ફળો વહેંચવા ગયેલા મૌલાના શૌકતઅલી અને અન્ય ઈસમોએ દલિત કર્મચારી સાથે માથાકૂટ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાનો મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં, તેમણે કર્મચારીને જાતિસૂચક અપશબ્દો પણ કહ્યા હતા. આ મામલે બોટાદ પોલીસે FIR દાખલ કરી છે.
FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે. જેમાં જણાવ્યા અનુસાર, આ ઘટના બોટાદ શહેરની સોનાવાલા હોસ્પિટલની છે. જ્યાં મૌલાના શૌકત અલી અને અન્ય કેટલાક શખ્સો આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાનો જન્મદિવસ હોવાથી ફળ વિતરણ કરવાનું કહીને પુરૂષો માટે પ્રવેશ નિષેધ એવા મહિલા ડિલિવરી વૉર્ડમાં ફરી રહ્યા હતા. જેના કારણે ફરજ પર હાજર સાગર વાઘેલા નામના કર્મચારીએ તેમને પ્રસૂતિ ગૃહમાં જતા અટકાવ્યા હતા. જેનાથી ઉશ્કેરાઈ ગયેલા આરોપી ઈસમોએ તેમની સાથે ગાળાગાળી કરીને ધમકી આપી હતી.
પીડિત કર્મચારી સાગર વાઘેલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ છેલ્લા 10 મહિનાથી સોનાવાલા હોસ્પિટલમાં નોકરી કરે છે. ગત 27 મેના રોજ તેઓ ફરજ પર હતા ત્યારે તેમણે ડિલિવરી વોર્ડમાં કેટલાક લોકોને ઉભેલા જોયા હતા. તેઓ સ્થાનિક ધારાસભ્યના જન્મદિને ફળોનું વિતરણ કરવા આવ્યા હતા અને મોટેમોટેથી વાતો કરી રહ્યા હતા. જેના કારણે કર્મચારીએ તેમને અવાજ બંધ કરવાનું કહીને મહિલાઓનાં વોર્ડમાંથી બહાર જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે મહિલાઓના પ્રસૂતિ કક્ષમાં સામાન્ય રીતે પુરુષોને પ્રવેશ અપાતો નથી.
કર્મચારીએ આ લોકોને અવાજ કરતા અટકાવી રૂમમાંથી બહાર જવાનું કહેતાં ઉશ્કેરાઈ ગયેલા મૌલાના શૌકત અલીએ તેનું આઈકાર્ડ ખેંચી, ‘યે તો ક્લાસ ફોર કા કર્મચારી હૈ’ કહી જાતિસૂચક શબ્દો કહ્યા હતા અને મોબાઈલમાં તેના આઈડી કાર્ડનો ફોટો પાડી લઈને નોકરીમાંથી કાઢી નાંખવાની ધમકી આપી હતી. ફરિયાદ છે કે મૌલાના સાથે આવેલા સફેદ ટોપી પહેરેલા દાઢીવાળા વ્યક્તિ સહિતના અન્ય ચાર અજાણ્યા લોકોએ પણ ફરજ પરના કર્મચારીને જાતિસૂચક અપશબ્દો કહી ઝપાઝપી કરી હતી અને ટાંટિયા ભાગી નાંખવાની અને મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
ઘટના બાદ સોનાવાલા હોસ્પિટલના કર્મચારી સાગર વાઘેલાએ મૌલાના શૌકતઅલી અને અન્ય ચાર અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આઈપીસી 506 (2), 114 અને એટ્રોસિટી એક્ટની જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઑપઇન્ડિયાએ વધુ જાણકારી મેળવવા માટે પીડિત કર્મચારીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ થઇ શક્યો ન હતો. પ્રત્યુત્તર મળ્યે લેખ અપડેટ કરી દેવામાં આવશે.