Saturday, June 29, 2024
More
    હોમપેજદેશ'અમારા ઇસ્લામમાં હિજાબ છે ફરજિયાત, અમને કોલેજમાં પણ પહેરવા દો': મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ...

    ‘અમારા ઇસ્લામમાં હિજાબ છે ફરજિયાત, અમને કોલેજમાં પણ પહેરવા દો’: મુસ્લિમ વિદ્યાર્થિનીઓએ કરી હતી અરજી, હાઈકોર્ટે કહ્યું- પ્રતિબંધ રહેશે યથાવત

    સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમો તમામ વિદ્યાર્થીઓ માટે સમાન છે. તેને માત્ર મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓ માટે નથી બનાવવામાં આવ્યા.

    - Advertisement -

    બોમ્બે હાઈકોર્ટે મુંબઈની એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજમાં હિજાબ પર પ્રતિબંધ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે. આ અરજીમાં આ કોલેજમાં ભણતી 9 મુસ્લિમ વિદ્યાર્થીનીઓએ બુરખો, હિજાબ, ટોપી સહિતના મઝહબી અને ધાર્મિક પરિધાનો પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પડકાર્યો હતો. જસ્ટીસ એ.એસ ચાંદુકર અને રાજેશ પાટીલની ખંડપીઠે આ મામલે સુનાવણી કરી હતી.

    સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમો તમામ વિદ્યાર્થીઓ માટે સમાન છે. તેને માત્ર મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓ માટે નથી બનાવવામાં આવ્યા. ઉપરોક્ત કારણને ધ્યાને લઈને ‘આ મામલે હસ્તક્ષેપ કરવા ઉત્સુક નથી’ તેમ કહીને બોમ્બે હાઈકોર્ટે મુસ્લિમ વિદ્યાર્થિનીઓની અરજી ફગાવી દીધી હતી.

    શું કહેવામાં આવ્યું હતું અરજીમાં?

    ઉલ્લેખનીય છે કે મુંબઈની એનજી આચાર્ય અને ડીકે મરાઠે કોલેજમાં BSC કોમ્પ્યુટર સાયન્સ પ્રોગ્રામના દ્વિતીય અને તૃતીય વર્ષમાં ભણતી આ વિદ્યાર્થિનીઓએ અરજીમાં તેવો તર્ક આપ્યો હતો કે, કોલેજ દ્વારા બનાવામાં આવેલા નિયમ તેમના નિજતા, ગરિમા, મઝહબી સ્વતંત્રતા અને મૌલિક અધિકારોનું ઉલંઘન કરે છે. આ તર્કના આધારે તેમણે અરજી કરીને કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમોને કોર્ટમાં પડકાર્યા હતા. આટલું જ નહીં, વિદ્યાર્થિનીઓએ કોલેજ પ્રશાસન પર ધર્મના આધારે પક્ષપાત કરાતો હોવાનો આરોપ પણ લગાવ્યો હતો.

    - Advertisement -

    પોતાની અરજીમાં વિદ્યાર્થિનીઓએ કોલેજ દ્વારા નિયમો ઘડીને પ્રસ્થાપિત કરવાની પ્રક્રિયાને, ‘મનમાનીવાળો, અનુચિત, ગેરવ્યાજબી અને વિકૃત’ ગણાવ્યો હતો. અરજદાર મુસ્લિમ વિદ્યાર્થિનીઓના વકીલ અલ્તાફ ખાને કુરાનની કેટલીક આયાતો રજુ કરીને તર્ક આપ્યો હતો કે ઇસ્લામમાં હિજાબ પહેરવો અનીવાર્ય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પોતાના મજહબનું પાલન કરવાના અધિકાર સાથે-સાથે અરજદાર યુવતીઓ પોતાની પસંદ અને નિજતાના આધિકારને લઈને આ અરજી કરી રહ્યા હતા.

    કોલેજ તરફે આપવામાં આવેલી દલીલ

    બીજી તરફ કોલેજ પ્રશાસન તરફે વરિષ્ઠ વકીલ અનિલ અંતુકરે આ મામલે દલીલ આપતા કહ્યું હતું કે, “કોલેજ પ્રબંધન દ્વારા ડ્રેસકોડ માત્ર મુસ્લિમો માટે જ નથી લાવવામાં આવ્યો, આ નિયમ તમામ વિદ્યાર્થીઓ પર લાગુ થાય છે.” તેમણે પોતાની દલીલમાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓએ ધાર્મિક પ્રતીકોના પ્રદર્શનની જગ્યાએ ભણવા પર ધ્યાન આપવું જોઈએ. તેમણે ભાર પૂર્વક કહ્યું કે, વિદ્યાર્થિનીઓને કોલેજમાં એડમીશન સમયે ડ્રેસકોડ વિશે પુરતી માહિતી હતી જ. તેમણે એમ પણ જણાવ્યું કે, ભવિષ્યમાં કોઈ વિદ્યાર્થી ધાર્મિક પ્રતિક દર્શાવતા ભગવા કપડા પહેરીને આવશે, તો કોલેજ તેની સામે પણ વાંધો ઉઠાવશે. આ નિયમ તમામ વિદ્યાર્થીઓને લાગુ પડે છે. આ સાથે જ તેમણે અરજદારોને ચેલેન્જ કરીને ઇસ્લામમાં હિજાબ કે બુરખો પહેરવો અનિવાર્ય છે તે સાબિત કરવા પણ કહ્યું હતું.

    પોતાની દલીલમાં અનિલ અંતુકરે કહ્યું હતું કે, “કાલે ઉઠીને કોઇ કહેશે કે હું નગ્નતામાં માનું છું અને મને નગ્ન થઈને કોર્ટ આવવાનો અધિકાર છે. અહીં પ્રાથમિકતા અભ્યાસ છે. શું અમે એમ કહ્યું કે એક મઝહબના લોકો છેલ્લી પાટલીએ બેસે? અમે તમામ વિદ્યાર્થીઓ માટે એક જેવા નિયમો લાગુ કરી રહ્યા છીએ. તેમાં વાંધો શું છે? મીડિયાને અરજી મોકલવી એ તેમનો ઇરાદો સ્પષ્ટ દર્શાવે છે. પહેલી નજરે જ તેમાં કોઇ કેસ બનતો નથી, જેથી કોર્ટે અરજી રદ કરવી જોઈએ.”

    તેમની આ દલીલ પર સામા પક્ષે પણ અનેક દલીલો આપી, પરંતુ કોર્ટે કોલેજ દ્વારા બનાવવામાં આવેલા નિયમને તમામ વિદ્યાર્થીઓ માટે સમાન હોવાનું નોંધીને આ મામલે હસ્તક્ષેપ કરવાનું ટાળ્યું હતું અને તમામ 9 મુસ્લિમ વિદ્યાર્થિની અરજીને ફગાવી દીધી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં