દિલ્હીમાં ભાજપ નેતાની હત્યા કરવામાં આવી છે. બાઈક ઉપર આવેલા અજાણ્યા બાઈક સવારે પોતાના કાર્યાલયમાં બેઠેલા સુરેન્દ્ર મટીયાલા પર આડેધડ ગોળીઓ ચલાવી હતી. આ ઘટના દ્વારકા જિલ્લાના મટીયાલા રોડ પર આવેલા ભાજપ નેતાના કાર્યાલય પર ઘટી હતી.
હત્યાની આ ઘટના દ્વારકાના બિંદાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘટી હતી. મૃતક ભાજપ નેતા સુરેન્દ્ર મટીયાલ 60 વર્ષના હતા. ઘટના સમયે તેઓ પોતાના કાર્યાલયમાં બેસીને તેમનું કામકાજ જોઈ રહ્યા હતા. તે સમયે અચાનક અજાણ્યા ઈસમોએ કાર્યાલયમાં ઘૂસીને આડેધડ ગોળીબાર કર્યો હતો. આ ગોળીકાંડમાં સુરેન્દ્રને 6 જેટલી ગોળીઓ વાગી હોવાનું કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે મૃતક ભાજપ નેતા તે જ વિસ્તારના પૂર્વ કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.
દિલ્હીમાં ભાજપ નેતાની હત્યા મામલે દ્વારકા જીલ્લાના DCP એમ. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, નઝફગઢ જિલ્લાના કિસન મોર્ચાના અધ્યક્ષ રહી ચૂકેલા ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેન્દ્ર મટીયાલાની અજાણ્યા ઇસમે ગોળી મારી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. ઘટના બાદ તેઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરે તેમને મૃત ઘોષિત કર્યા હતા. આરોપીને ઝડપવા ક્રાઈમ બ્રાંચ સહિતની પોલીસ ટીમો કામે વળગી છે. આરોપીનું પગેરું મળતાંની સાથે જ તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
દ્વારકાના ડીસીપીએ આગળ જણાવ્યું હતું કે સુરેન્દ્રને જે સમયે ગોળી મારવામાં આવી તે સમયે તેઓ પોતાની ઓફિસમાં એકલા બેઠા હતા. ઘટના બાદ પોલીસની અનેક ટીમ તપાસમાં વળગી છે. હાલ સુરેન્દ્રની હત્યા શા માટે કરવામાં આવી તે દિશામાં પોલીસ તપાસ આદરી રહી છે. એક પણ એંગલ ન ચૂકાય તે મુજબ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હાલ પોલીસે ભારતીય જનતા પાર્ટીના નેતા સુરેન્દ્ર મટીયાલના મૃતદેહને કબજે કરી તેને પોસ્ટમોર્ટમ કરવા માટે મોકલી આપ્યો છે. તો બીજી તરફ હત્યાની ઘટનાથી આખા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયેલો છે. ફાયરીંગની ખબર ફેલાતાંની સાથે જ લોકો સુરેન્દ્રના કાર્યાલય પર ધસી આવ્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળને સીલ કરી દીધું છે.