દિલ્હી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections 2025) માટે ભાજપે (BJP) પોતાના ઉમેદવારો જાહેર કરવાની સાથે સાથે વાયદાઓનો પટારો પણ ખોલી દીધો છે તથા મેનિફેસ્ટો (Manifesto) જાહેર કરી દીધું છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની જાહેરાત કરી હતી. આ ઉપરાંત એવો દાવ પણ કરવામાં આવી રહ્યો છે કે ભાજપનું મેનિફેસ્ટો 1 લાખથી વધુ લોકોના સુઝાવોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે.
અહેવાલ અનુસાર મેનિફેસ્ટો તૈયાર કરવા ભાજપે 21, 22 ડિસેમ્બરના રોજ સુઝાવો માંગ્યા હતા. આ માટે ભાજપને દિલ્હીના લોકો તરફથી 1,04,322 સૂચનો મળ્યા હતા. ભાજપે 70માંથી 68 સીટો પરના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ત્યારે નડ્ડાએ કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોલિટીકલ કલ્ચર બદલી નાખ્યું છે.
#WATCH | #DelhiElection2025 | BJP national president and Union Minister JP Nadda says, "Families using LPG will get a Rs 500 subsidy per cylinder, and on Holi and Diwali, they will receive one free cylinder each…we will give Rs 21,000 to the pregnant women…" pic.twitter.com/ruRq1Zcrf8
— ANI (@ANI) January 17, 2025
તેમણે કહ્યું હતું કે 2014માં પાર્ટીએ 500 વાયદા કર્યા હતા જેમાંથી 499 વાયદા પુરા કર્યા છે. વચનો પાળવાનો અમારો રેકોર્ડ 99.9 ટકા છે. આ વિકસિત દિલ્હીના પાયાનો સંકલ્પ પત્ર છે. તેમણે કહ્યું હતું કે જો ભાજપ સત્તામાં આવશે તો અત્યારે ચાલુ છે એ બધી જ લાભકારી યોજનાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને મુખ્યધારામાં લાવવાના વાયદા પણ કર્યા હતા.
આ ઉપરાંત ભાજપે જાહેર કરેલ મેનિફેસ્ટો અનુસાર દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન જો ભાજપની સરકાર બનશે, તો દિલ્હીની મહિલાઓને મહિલા સમૃદ્ધિ યોજના હેઠળ દર મહિને ₹2,500 આપવામાં આવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં લાગુ કરાયેલી જન કલ્યાણકારી યોજનાઓ પણ ચાલુ રાખવામાં આવશે. ઉપરાંત દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના હેઠળ ₹5 લાખ રૂપિયાની રકમમાં ₹5 લાખ ઉમેરવામાં આવશે.
પેન્શનની રકમ વધારશે
નડ્ડાએ જણાવ્યું હતું કે 60થી 70 વર્ષની વયના વરિષ્ઠ નાગરિકો માટે પેન્શનની રકમ ₹2,000થી વધારીને ₹2,500 કરવામાં આવશે. તે જ સમયે, 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધ વ્યક્તિઓ, વિધવાઓ, અપંગ વ્યક્તિઓ વગેરેનું પેન્શન ₹2,500થી વધારીને ₹3,000 કરવામાં આવશે. દિલ્હીની મહિલાઓને દર મહિને ₹2,500 રૂપિયા આપવામાં આવશે.
આગળ તેમણે કહ્યું ગરીબ પરિવારોને LPG સિલિન્ડર પર ₹500 રૂપિયાની સબસિડી આપવામાં આવશે જ્યારે હોળી અને દિવાળી પર એક ગેસ સિલિન્ડર મફત આપવામાં આવશે. ગર્ભવતી મહિલાઓને ₹21,000 આપવામાં આવશે. સગર્ભા સ્ત્રીઓને પોષણ કીટ આપવામાં આવશે. અટલ કેન્ટીન યોજના શરૂ કરવામાં આવશે. ઝૂંપડપટ્ટીમાં પાંચ રૂપિયામાં રાશન આપવામાં આવશે.