બાંગ્લાદેશમાં અસ્થિરતા અને અરાજકતાના માહોલ વચ્ચે નિર્દોષ લઘુમતી હિંદુઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમનાં ઘરો, મંદિરો પર હુમલા, તોડફોડ અને આગજનીની અનેક ઘટનાઓ પાછલા કેટલાક દિવસોમાં સામે આવી. દરમ્યાન, શુક્રવારે (9 ઑગસ્ટ) એક વિડીયો સામે આવ્યા, જેમાં એક હિંદુ વ્યક્તિના બાઇક શૉ રૂમને ઇસ્લામી કટ્ટરપંથીઓએ આગ ચાંપી દીધી હતી. પહેલાં હુમલો કરવામાં આવ્યો અને તોડફોડ કર્યા બાદ આગ લગાવી દેવામાં આવી હતી. સ્વયં માલિકે આ વિડીયો ઉતાર્યો હતો, જેમાં તેઓ અસહાય બનીને આપવીતી વર્ણવતા સાંભળવા મળે છે.
ઘટના બાંગ્લાદેશના કોમિલ્લા શહેરની છે. અહીં બિમલ ચંદ્ર ડે નામના એક વ્યક્તિનો બાઇકનો શૉ રૂમ હતો. ઇસ્લામી ભીડે અહીં હુમલો કરીને તોડફોડ કરી અને ત્યારબાદ આગને હવાલે કરી દીધો. જેનો વિડીયો સામે આવ્યો છે. પત્રકાર આદિત્ય રાજ કૌલે X અકાઉન્ટ પરથી શૅર કર્યો હતો.
Heartwrenching. Bangladesh based Bike Showroom owner Minority Hindu Bimal Chandra Dey records this heartbreaking video after an Islamist mob set ablaze his ‘City Bike Centre’ in Comilla of Bangladesh.
— Aditya Raj Kaul (@AdityaRajKaul) August 9, 2024
Dreams shattered. Life comes to a stand still. This is how Hindus suffer. pic.twitter.com/4vY6sFtXxc
આદિત્ય અનુસાર, આ વિડીયો સ્વયં શો રૂમના માલિક બિમલ ચંદ્ર દ્વારા જ ઉતારવામાં આવ્યો હતો. જેમાં પાછળથી તેમનો અવાજ સાંભળી શકાય છે. તેઓ દુઃખ વર્ણવતાં કહે છે કે, “શું કોઈએ પોતાની નજર સામે પોતાના સપનાં તૂટતાં જોયાં છે? મેં જોયાં છે. મેં મારી નજર સામે મારું ભવિષ્ય બરબાદ થતાં જોયું છે. મેં મારા કામ કરવાના સ્થળને મારી આંખે રાખ થતાં જોયું છે…. કોઈએ આવો અનુભવ નહીં કર્યો હોય. આ એ જ જગ્યા છે જ્યાં હું ગઈકાલે કામ કરી રહ્યો હતો, અને આજે જગ્યા નષ્ટ થઈ ગઈ છે, કશું બચ્યું નથી.”
પત્રકાર આદિત્ય કૌલે આ વિડીયોને ખૂબ હ્રદયદ્રાવક ગણાવ્યો હતો. તેમણે લખ્યું કે લઘુમતી હિંદુઓ પર બાંગ્લાદેશમાં આવા અત્યાચાર થઈ રહ્યા છે. હિંદુઓ પીડાઈ રહ્યા છે, તેમનાં સપનાં વિખેરાઈ રહ્યાં છે. નોંધવા જેવું છે કે બાંગ્લાદેશમાં પાછલા કેટલાક દિવસોથી હિંદુઓ સતત નિશાના પર છે. તેમનાં ઘર, મંદિર, ઑફિસ દરેક જગ્યા પર હુમલા થઈ રહ્યા છે. ક્યાંક મંદિરોમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવી રહી છે. ક્યાંક હિંદુ મહિલાઓ સાથે રેપની ઘટનાઓ સામે આવી રહી છે.
હિંસા વચ્ચે બાંગ્લાદેશમાં રહેતી હિંદુ મહિલાઓના અપહરણ, તેમના પર બળાત્કાર સહિતની ઘટનાઓ સામે આવી ચૂકી છે. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમા એક બાંગ્લાદેશી હિંદુએ કહ્યું હતું કે ઇસ્લામવાદીઓ બંદૂકો અને હથિયારો લઈને તેમના પર હુમલો કરવા રસ્તા પર ફરી રહ્યા છે. હિંદુઓ બચીને ભાગી પણ શકતા નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં બાંગ્લાદેશી હિંદુ ગાયક રાહુલ આનંદનું ઘર પણ ફૂંકી મારવામાં આવ્યું હતું. જ્યારે માખન સરકાર નામક હિંદુના ઘરને 400ના ટોળાએ ઘેરી લીધું હતું, પછી તેમાં તોડફોડ પણ કરવામાં આવી. પરિણામે પરિવારે ભાગી છૂટવું પડ્યું હતું.