Thursday, April 2, 2026
More
    હોમપેજગુજરાતગાંધીનગરમાં પકડાયું મોટું ડિજિટલ અરેસ્ટ કૌભાંડ: મહિલા ડૉક્ટરને ત્રણ મહિના 'ડિજિટલ કેદ'...

    ગાંધીનગરમાં પકડાયું મોટું ડિજિટલ અરેસ્ટ કૌભાંડ: મહિલા ડૉક્ટરને ત્રણ મહિના ‘ડિજિટલ કેદ’ કરીને ખંખેર્યા ₹19.24 કરોડ– શું છે કેસ?

    ઠગોએ મહિલાને તેમની તમામ સંપત્તિની વિગતો આપવા દબાણ કર્યું. તેમના સોનાના ઘરેણાં, શેરો અને FD વેચાવીને મોટી રકમ 35 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી. આ ખાતાઓમાંથી નાણાં દેશમાં ચાલી રહેલી ગેંગને અને ત્યાંથી કંબોડિયાના કોલ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા.

    - Advertisement -

    આધુનિક યુગમાં જ્યાં ટેક્નોલોજી જીવનને સરળ બનાવે છે, ત્યાં એ જ ટેક્નોલોજી ગુનાઓનું હથિયાર પણ બની રહી છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) બનેલી એક ચોંકાવનારી ઘટનાએ આ વાતને સાબિત કરી દીધી. ભારતના ઇતિહાસનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટ સ્કેમ (Digital Arrest Scam), જેમાં એક વૃદ્ધ મહિલા ડૉક્ટરને (Female doctor) ત્રણ મહિના સુધી ‘ડિજિટલ અરેસ્ટ‘માં રાખીને ₹19.24 કરોડની ઠગાઈ કરવામાં આવી. આ કૌભાંડનું કનેક્શન કંબોડિયાના કોલ સેન્ટરો સુધી પહોંચ્યું અને આ ગુનાખોરીનો ભાંડો ફૂટ્યો. હાલ સુરતથી એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે.

    આ ઘટના ગાંધીનગરના એક વૃદ્ધ મહિલા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટર સાથે બની છે. જીવનમાં વ્યસ્ત રહેતા મહિલા ડૉક્ટર એક દિવસ અચાનક ભયાનક ગુનાખોરીનો શિકાર બન્યાં. આ ઘટના એટલી ચોંકાવનારી હતી કે, ગુજરાત પોલીસની સાયબર ક્રાઈમ ટીમ પણ સ્તબ્ધ થઈ ગઈ. આ ડિજિટલ અરેસ્ટ સ્કેમમાં ઠગોએ ખોટા પોલીસ અને સરકારી અધિકારીઓની ઓળખ અપનાવી, વિડીયો કોલ્સ અને બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહિલાને ડરાવ્યા. તેમની પાસેથી ઘરેણાં, શેરો અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD) જેવી સંપત્તિ વેચાવીને ₹19.24 કરોડની રકમ 35 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી. આ ગુનો ત્રણ મહિના સુધી ચાલ્યો અને આ દરમિયાન મહિલા સતત ભયના ઓછાયામાં જીવતાં રહ્યાં.

    કઈ રીતે ઘટનાને અપાયો અંજામ? 

    આ ગુનાખોરીની શરૂઆત 15 માર્ચના રોજ આવેલા એક ફોન કોલથી થઈ. ઠગોએ પોતાને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે રજૂ કર્યાં. તેમણે મહિલાને જણાવ્યું કે, તેમના ફોનથી વાંધાજનક મેસેજ અને પોસ્ટો વારંવાર થઈ રહી છે અને તેમનું આધાર કાર્ડ મની લોન્ડરિંગના કેસમાં સંડોવાયેલું છે. આ ધમકીઓને વધુ વિશ્વસનીય બનાવવા માટે ઠગોએ બનાવટી દસ્તાવેજો, જેમ કે FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) અને PMLA (પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ ગુનો નોંધાયો હોવાના ખોટા લેટરો પણ મોકલ્યા.

    - Advertisement -

    આ ગેંગે મહિલાને સ્કાયપ એપ ડાઉનલોડ કરાવી અને વિડીયો કોલ્સ દ્વારા સતત દબાણ રાખ્યું. તેમને કહેવામાં આવ્યું કે, “કોઈની સાથે આ વાત શેર કરશો નહીં, અમારા માણસો સિવિલ ડ્રેસમાં તમારા પર નજર રાખે છે.” આવી ધમકીઓથી મહિલા એટલી ડરી ગઈ કે તેમણે ગેંગના આદેશોનું પાલન કરવું શરૂ કર્યું. ત્યાં સુધી કે, મહિલા પોતાના ભાણેજના લગ્નમાં સુરત આવ્યા તો ત્યારે પણ તેઓ વિડીયો કોલ દ્વારા હાજરી પુરાવી રહ્યા હતા. 

    ત્યારબાદ ઠગોએ મહિલાને તેમની તમામ સંપત્તિની વિગતો આપવા દબાણ કર્યું. તેમના સોનાના ઘરેણાં, શેરો અને FD વેચાવીને મોટી રકમ 35 અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી. આ ખાતાઓમાંથી નાણાં દેશમાં ચાલી રહેલી ગેંગને અને ત્યાંથી કંબોડિયાના કોલ સેન્ટરો સુધી પહોંચાડવામાં આવ્યા. ગેંગે 3-5% કમિશનની લાલચ આપીને ભારતના વિવિધ રાજ્યોમાં બેંક ખાતાઓ ભાડે લીધા હતા, જેના દ્વારા આ ટ્રાન્ઝેક્શન થયાં હોવાનું સામે આવ્યું છે અને આ જ કેસમાં સુરતની એક વ્યક્તિની ધરપડક થઈ છે.

    આ ગેંગ એટલી ચાલાક હતી કે તેમણે મહિલાને ત્રણ મહિના સુધી ડિજિટલ અરેસ્ટમાં રાખ્યાં, એટલે કે તેમના પર સતત નજર રાખી અને ધમકીઓ આપી. આ દરમિયાન મહિલા એટલાં ભયભીત હતાં કે તેમણે પોતાના પરિવારજનો સાથે પણ આ વાત શેર ન કરી. 

    કઈ રીતે ફૂટ્યો ભાંડો?

    આ ગુનાખોરીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે એક સમયે અચાનક વિડીયો કોલ આવતા બંધ થઈ ગયા. જે બાદ મહિલાને આખરે શંકા ગઈ. તેમણે હિંમત ભેગી કરીને પોતાના પરિવારજનોને આ ઘટના વિશે જણાવ્યું. ત્યારબાદ જાણવા મળ્યું કે આ ડિજિટલ અરેસ્ટનો એક કેસ છે. પરિવારે તરત જ ગાંધીનગરના સાયબર ક્રાઈમ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો. 16 જુલાઈ, 2025ના રોજ પોલીસે આ ડિજિટલ અરેસ્ટ સ્કેમનો ગુનો નોંધ્યો.

    પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ ગેંગનું નેટવર્ક ભારતથી લઈને કંબોડિયા સુધી ફેલાયેલું હતું. ગાંધીનગર CID ક્રાઈમે તાત્કાલિક કાર્યવાહી કરી અને સુરતમાંથી એક આરોપી લાલજીભાઈ બલદાણિયાની ધરપકડ કરી, આ શખ્સના ખાતામાં પણ ₹1 કરોડ જમા થયા હતા. પોલીસે 35 બેંક ખાતાઓની વિગતો શોધી કાઢી હોવાનું સામે આવ્યું છે, જેમાં નાણાં ટ્રાન્સફર થયા હતા. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, દેશની અંદરની એક ગેંગ કંબોડિયામાં સક્રિય ગેંગ માટે કામ કરતી હતી, જે આવાં કોલ સેન્ટરો ચલાવીને સાયબર ફ્રોડનું નેટવર્ક ચલાવે છે.

    પોલીસે આ મામલે 16 જુલાઈના રોજ ડિજિટલ અરેસ્ટનો ગુનો નોંધ્યો હતો. ગુજરાત પોલીસ અનુસાર, આ ભારતનો સૌથી મોટો ડિજિટલ અરેસ્ટનો કેસ છે અને પહેલી વખત આટલી મોટી સંખ્યામાં એક જ જગ્યાએથી ટ્રાન્ઝેક્શન થયાં છે. આ ઘટના ન માત્ર ગુજરાત પોલીસની સતર્કતા દર્શાવે છે, પરંતુ એ પણ બતાવે છે કે ગુનાખોરોની ચાલાકીને હરાવવા માટે હિંમત અને જાગૃતિ કેટલી મહત્વપૂર્ણ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં