ગુજરાત ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આજે નવી સરકારની શપથવિધિ યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલ તેમજ આઠ કેબિનેટ મંત્રીઓ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ એમ કુલ 16 મંત્રીઓએ શપથ લીધા હતા. મંત્રીઓએ શપથ લીધા બાદ સાંજે છ વાગ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે નવી ભુપેન્દ્ર પટેલ સરકારની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ હતી, જેમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી.
આજે ગાંધીનગરમાં યોજાયેલા નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ગુજરાતની નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં લગભગ તમામ ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્માઈ તેમજ નાગાલેન્ડ અને એમપીના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા હતા.
શપથવિધિ બાદ યોજાયેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી.
કેબિનેટ મંત્રીઓ
ગુજરાતની નવી સરકારમાં હાલ 8 કેબિનેટ મંત્રીઓ નીમવામાં આવ્યા છે. જેમાં કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બલવંતસિંહ રાજપૂત, કુંવરજી બાવળિયા, મુળુભાઈ બેરા, ડો. કુબેર ડિંડોર અને ભાનુબેન બાબરિયાનો સમાવેશ થાય છે.
જેમાં ગૃહ રાજ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે નાણા મંત્રાલય પણ કનુ દેસાઈને જ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પોતાની પાસે માર્ગ અને મકાન તેમજ નર્મદા અને કલ્પસર વિભાગ અને માહિતી પ્રસારણ જેવા અગત્યના વિભાગો તેમજ અન્ય મંત્રીઓને ન ફાળવવામાં આવ્યાં હોય તેવાં ખાતાં પણ રાખ્યાં છે. શિક્ષણ મંત્રાલય ડૉ. કુબેર ડિંડોરને આપવામાં આવ્યું છે. જ્યારે ઉદ્યોગ મંત્રાલય બળવંતસિંહ રાજપૂતને અપાયું છે. જ્યારે આરોગ્ય મંત્રી તરીકે ઋષિકેશ પટેલને જ જવાબદારી સોંપવામાં આવી છે.
રાજ્યકક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)
ગુજરાતની નવી સરકારમાં હાલ 2 રાજ્યકક્ષાના મંત્રીઓને સ્વતંત્ર હવાલો સોંપાયો છે. જેમાં હર્ષ સંઘવી અને જગદીશ વિશ્વકર્મા (પંચાલ)નો સમાવેશ થાય છે. હર્ષ સંઘવીને ફરી ગૃહ રાજ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. ગૃહ વિભાગ મુખયમંત્રીએ પોતાની પાસે રાખ્યો છે જ્યારે તેના રાજ્ય કક્ષાના મંત્રીની જવાબદારી હર્ષ સંઘવીને અપાઈ છે. આ પહેલાં પણ ભુપેન્દ્ર પટેલ સરકારમાં તેઓ જ ગૃહ રાજ્યમંત્રી હતા. આ ઉપરાંત, તેમને યુવા અને રમત-ગમત મંત્રાલય અને નાગરિક સંરક્ષણ મંત્રાલય પણ સોંપવામાં આવ્યું છે.
જગદીશ વિશ્વકર્માને સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો, ખાદી ગ્રામોદ્યોગ અને નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્ય કક્ષાના મંત્રાલયના ચાર્જ સોંપવામાં આવ્યા છે.
રાજ્યકક્ષાના મંત્રીઓ
ગુજરાતની નવી સરકારમાં હાલ 6 રાજ્યકક્ષાના મંત્રીઓ નીમવામાં આવ્યા છે. જેમાં પુરુષોત્તમ સોલંકી, મુકેશ પટેલ, બચુભાઈ ખાબડ, પ્રફુલ્લ પાનસેરીયા, ભીખુસિંહ પરમાર અને કુંવરજી હળપતિનો સમાવેશ થાય છે.
જેમાં પ્રફુલ પાનસેરિયાને શિક્ષણ મંત્રાલય અને સંસદીય બાબતો, બચુભાઈ ખાબડને કૃષિ અને પંચાયત વિભાગ, ભીખુસિંહ પરમારને અન્ન અને નાગરિક પુરવઠો અને સામાજિક ન્યાય અને અધિકારીતા જ્યારે કુંવરજી હળપતિને આદિજાતિ વિકાસ અને શ્રમ અને રોજગાર વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.