Saturday, April 20, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટસતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ભુપેન્દ્ર પટેલ; હર્ષ સંઘવીએ રાજ્ય કક્ષાના...

  સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ભુપેન્દ્ર પટેલ; હર્ષ સંઘવીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા: જાણીએ નવી સરકારમાં કોણ-કોણ બન્યું મંત્રી

  ગાંધીનગરમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર છે. 

  - Advertisement -

  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠકો સાથે રેકોર્ડબ્રેક જીત મેળવ્યા બાદ આજે નવી સરકારની શપથવિધિ યોજાઈ હતી. મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલ બીજી વખત શપથગ્રહણ કરી સીએમ બન્યા છે જ્યારે તેમની સાથે કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓએ પણ શપથ લીધા છે. 

  ગાંધીનગરમાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથસિંહ, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ, રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર છે. ગુજરાતની નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં લગભગ તમામ ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, કર્ણાટકના સીએમ બસવરાજ બોમ્માઈ તેમજ નાગાલેન્ડ અને એમપીના મુખ્યમંત્રીઓ પણ હાજર રહ્યા છે.

  મુખ્યમંત્રી પદે ભુપેન્દ્ર પટેલે બીજી વખત શપથ લીધા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ બીજા દિવસે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી, જેમાં (ધારાસભ્ય દળના) નેતા તરીકે ભુપેન્દ્ર પટેલને ચૂંટી કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમણે રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો અને રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રણ આપ્યું હતું. 

  - Advertisement -

  ભુપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડ્યા હતા અને આખા રાજ્યમાં સૌથી વધુ લીડથી જીત મેળવી હતી. તેઓ લગભગ 1 લાખ 90 હજાર મતોથી વિજેતા બન્યા હતા. આજે તેમણે ગુજરાતના સીએમ પદે શપથ લીધા છે.

  નવી ભુપેન્દ્ર પટેલ સરકારના કેબિનેટ મંત્રીઓ

  -પૂર્વ નાણાંમંત્રી અને પારડીના ભાજપના ધારાસભ્ય કનુ દેસાઈએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

  -વિસનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઋષિકેશ પટેલે મંત્રી પદના શપથ લીધા છે

  -પૂર્વ કૃષિ મંત્રી અને જામનગર ગ્રામ્યના MLA રાઘવજી પટેલે પણ શપથ લીધા છે

  -સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતે પણ મંત્રી પદના શપથ લીધા

  -પૂર્વ મંત્રી અને જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાએ મંત્રીપદના શપથ લીધા

  -ખંભાળિયાથી જીતેલા ભાજપ ધારાસભ્ય મુળુભાઈ બેરાએ મંત્રીપદના શપથ લીધા

  -ભુપેન્દ્ર પટેલ સરકારના મંત્રી ડો. કુબેર ડિંડોરે ફરી મંત્રી પદના શપથ લીધા છે

  -રાજકોટ ગ્રામ્યથી વિજેતા બનેલાં ભાજપ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાએ શપથ લીધા છે

  રાજ્ય-કક્ષાના મંત્રીઓએ (સ્વતંત્ર હવાલો) પણ શપથ લીધા

  -પૂર્વ ગૃહ રાજ્યમંત્રી અને મજુરાના ધારાસભ્ય હર્ષ સંઘવીને ફરી રિપીટ કરવામાં આવ્યા છે, તેમણે રાજ્ય કક્ષાના મંત્રી પદના શપથગ્રહણ કર્યા છે.

  -ભુપેન્દ્ર પટેલ સરકારના પૂર્વ મંત્રી જગદીશ વિશ્વકર્માએ ફરી રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે શપથ લીધા

  રાજ્યકક્ષાના મંત્રીઓ

  -ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ધારાસભ્ય અને અગાઉની સરકારોમાં મંત્રી રહી ચૂકેલા પરષોત્તમ સોલંકીએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

  -પૂર્વ પેટ્રોલિયમ મંત્રી અને ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે રાજ્ય કક્ષાના મંત્રી પદે શપથ લીધા

  -ભાજપ ધારાસભ્ય બચુભાઈ ખાબડે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

  -કામરેજ બેઠક પરથી જંગી બહુમતીએ જીતેલા ભાજપ ધારાસભ્ય પ્રફુલ પાનસેરિયાએ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે શપથ લીધા

  -મોડાસાના MLA ભીખુસિંહ પરમારે પણ રાજ્યકક્ષાના મંત્રી પદે શપથ લીધા

  -માંડવી (સુરત) બેઠકના ભાજપના વિજેતા ધારાસભ્ય કુંવરજી હળપતિએ મંત્રી તરીકે શપથ લીધા. આ બેઠક પર પહેલી વખત ભાજપે જીત મેળવી હતી.

  સાંજે પહેલી કેબિનેટ બેઠક, ખાતાંની ફાળવણી થશે

  મુખ્યમંત્રી અને તમામ મંત્રીઓના શપથગ્રહણ બાદ આજે સાંજે પાંચ વાગ્યે રાજ્યની નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક યોજાશે. જેમાં તમામ મંત્રીઓને ખાતાંની ફાળવણી કરવામાં આવશે. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં