Saturday, June 22, 2024
More
    હોમપેજગુજરાતભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ: વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની...

    ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલે વધાર્યું ગુજરાતનું ગૌરવ: વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની UNESCOની યાદીમાં મળ્યું સ્થાન, PM મોદીનું હતું વિઝન

    કચ્છ જિલ્લાના ધોરડો ગામને 'સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ'ની સૂચિમાં સામેલ કર્યા બાદ હવે કચ્છના એક મ્યુઝિયમે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની UNESCOની યાદીમાં સ્થાન મળ્યું છે.

    - Advertisement -

    2001ના ભૂકંપ બાદ કચ્છમાં ઘણો વિકાસ થયો છે. તેને આ દુર્દશામાંથી ફરી ઊભું કરવા માટે તત્કાલીન મોદી સરકારે ઘણા પ્રયાસો કર્યા હતા. તે પ્રયાસોના ફળરૂપે આજે કચ્છ વિશ્વભરમાં ખ્યાતિ મેળવી રહ્યું છે. કચ્છ જિલ્લાના ધોરડો ગામને ‘સર્વશ્રેષ્ઠ પર્યટન ગામ’ની સૂચિમાં સામેલ કર્યા બાદ હવે કચ્છના એક મ્યુઝિયમે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમની UNESCOની યાદીમાં સ્થાન મળ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ અંગેની જાણકારી આપીને અભિનંદન પણ પાઠવ્યા છે.

    ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની UNESCOની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને ગુજરાતને અભિનંદન આપ્યા છે. તેમણે લખ્યું કે, “ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત ભુજના સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.”

    તેમણે વધુમાં કહ્યું કે, “ભારતના કોઈ મ્યુઝિયમને પહેલીવાર આ પ્રકારે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે વૈશ્વિક માન્યતા પ્રાપ્ત થઈ છે, તે ગુજરાત માટે ગર્વની વાત છે. 2001ના વિનાશક ભૂંકપનો ભોગ બનનાર લોકોની સ્મૃતિમાં અને કચ્છની ખુમારીને વંદન રૂપે મ્યુઝિયમ બનાવવામાં આવે તેવું ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન હતું. જે અનુસાર, ભુજમાં સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂજિયા ડુંગર પર હજારો વૃક્ષોની હરિયાળી વચ્ચે નિર્મિત આ મ્યુઝિયમની ડિઝાઈન અદ્‌ભુત છે. આ મ્યુઝિયમ પડકારોને હિંમતભેર ઝીલીને તેમાંથી નવસર્જન કરવાની ગાથા છે. આ મ્યુઝિયમ પરમતત્વની અલૌકિક અનુભૂતિ છે. સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલ સમગ્ર ટીમને હાર્દિક અભિનંદન.”

    - Advertisement -

    સીઆર પાટીલે પણ વ્યકત કરી ખુશી

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, “ચરૈવતિ-ચરૈવતિનો મંત્ર આપતા કચ્છનાં સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને Prix Versailles એવોર્ડ અંતર્ગત વિશ્વના 7 સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સ્થાન મળ્યું છે. UNESCO ખાતે પ્રતિ વર્ષ જાહેર કરવામાં આવતા આર્કિટેક્ચર અને ડિઝાઈન ક્ષેત્રના પ્રતિષ્ઠિત Prix Versailles એવોર્ડ અંતર્ગત કચ્છીઓની ખુમારીને સમગ્ર વિશ્વએ પોંખી છે.”

    સીઆર પાટીલે વધુમાં લખ્યું કે, “આ મ્યુઝિયમ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વપ્ન હતું, સંકલ્પ હતો. આ મ્યુઝિયમને લોકાર્પિત કરતી વખતે જ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહેલું કે-‘આપણું સ્મૃતિવન દુનિયાના સારામાં સારા સ્મારકોની સરખામણીએ એક ડગલું પણ પાછળ નથી.’ અને વડાપ્રધાનની વાત આજે સાચી પડી છે. 2001માં ભૂકંપે કચ્છને ઘમરોળી નાંખ્યું હતું. એ પછી ફરી જુસ્સા સાથે બેઠા થયેલા કચ્છીઓની ખુમારીને કેન્દ્રમાં રાખી આ મ્યુઝિયમ વિકસાવવામાં આવ્યું છે.”

    અંતે તેમણે કહ્યું કે, “રાખમાંથી ફરી બેઠા થવાની તાકાત આ મ્યુઝિયમની દિવાલોમાં સીંચાઇ છે. પહેલીવાર ભારતનાં કોઇ મ્યુઝિયમને વૈશ્વિક સ્તરે સંસ્કૃતિ અને પ્રકૃતિ સંરક્ષણની અભિવ્યક્તિ માટે પોંખવામાં આવ્યું છે. આ ગર્વની વાત છે. હું કચ્છીઓની ખુમારીને વંદન કરું છું. સ્મૃતિવનના નિર્માણ અને વ્યવસ્થાપન સાથે સંકળાયેલી ટીમને અભિનંદન પાઠવું છું. સૌ ગુજરાતીઓને પણ અભિનંદન.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં