બકરીદ બાદ ઘણાં ઠેકાણે જાહેરમાં માંસના ટુકડા ફેંકાવાના બનાવ બની રહ્યા છે ત્યારે આવો એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. ભાવનગરના એક હિંદુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં માંસનો જથ્થો ફેંકવામાં આવ્યો હતો. જેને લઈને સ્થાનિક હિંદુઓએ વિરોધ નોંધાવ્યો છે અને જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ, આ મામલે અધિકારીઓની ફરિયાદ પર ભાવનગર પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા ઈસમોની શોધખોળ શરૂ કરી છે.
આ મામલો ભાવનગરના માણેકવાડી રેલવે સ્ટેશન વિસ્તારનો છે અને અહીં હિંદુ વસ્તી આવેલી છે. અહીં મંગળાવરે (18 જૂન) વહેલી સવારે લગભગ 8 ટ્રેક્ટર જેટલો માંસ-મટનનો જથ્થો જોવા મળ્યો હતો, જે મોડી રાત્રે કે મળસ્કે કોઇ ફેંકી ગયું હોવાની આશંકા છે. નોંધવું જોઈએ કે બકરીદ પહેલાં જ સ્થાનિક તંત્ર દ્વારા માંસનો જથ્થો જાહેરમાં ન ફેંકવા માટે સૂચના આપવામાં આવી હતી, તેમ છતાં નિયમોને નજરઅંદાજ કરીને આ કૃત્ય આચરવામાં આવ્યું.
જાહેરમાં મોટા પ્રમાણમાં માંસનો જથ્થો જોવા મળતાં સ્થાનિક હિંદુઓમાં આક્રોશ ફેલાયો હતો અને તેમણે તંત્ર તેમજ પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ વૉર્ડ સભ્યોથી માંડીને પોલિસ અધિકારીઓ તેમજ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારી પણ સ્થળ પર પહોંચ્યા હતા. ત્યારબાદ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા માંસનો યોગ્ય નિકાલ કરીને જગ્યા ખાલી કરાવવામાં આવી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહેરમાં લગભગ 8 ટ્રેક્ટર જેટલું માંસ ફેંકવામાં આવ્યું હતું. જેમાં મૃત બકરા અને અન્ય પશુઓના અવયવો અને અન્ય નિકાલ કરેલું માંસ જોવા મળ્યું. હિંદુ વસતીમાં જ આ પ્રકારે માંસ ફેંકવામાં આવતાં વિસ્તારમાં તણાવ ફેલાયો હતો.
આ મામલે ગુરુવારે (20 જૂન) મહાનગરપાલિકાના ચીફ સેનેટરી ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર ગળચરે ઘોઘારોડ પોલીસ મથકે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવવામાં આવ્યું કે, બકરીદ પર મુસ્લિમ સમુદાય દ્વારા તેમની મજહબી માન્યતાઓ અનુસાર પશુઓની કુરબાની આપવામાં આવે છે. આ પશુઓનું માંસ-મટન અને અન્ય બિનઉપયોગી અંગે જાહેરમાં ન નાખવા માટે મનપા દ્વારા સૂચના આપવામાં આવી હતી અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. તેમ છતાં આ સૂચનાનું પાલન કરવામાં ન આવ્યું.
તેમણે ફરિયાદમાં જણાવ્યું કે, પશુઓની કુરબાની બાદ બિનઉપયોગી અંગો જાહેરમાં જાણીજોઈને હિંદુ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાવવાના ઈરાદે ફેંકવામાં આવ્યા હતા. આ ફરિયાદ પર પોલીસે અજાણ્યા ઈસમો સામે IPCની કલમ 295A અને GP એક્ટની કલમ 33, 33(J) તેમજ 131 હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.