90ના દાયકાથી સૌથી લોકપ્રિય સિરીઝ રામાયણ ફરીથી ચર્ચામાં છે. આ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગર દ્વારા લખવામાં આવેલ તેમની જીવનકથામાં કેટલાક કિસ્સાઓને લઈને આ ચર્ચા શરૂ થઇ છે. જે અનુસાર, તત્કાલીન દૂરદર્શન હેડ પત્રકાર સાગરિકા ઘોષના પિતા એટલે કે રાજદીપ સરદેસાઈના સસરા ભાસ્કર ઘોષ રામાયણ ટીવી પર ટેલિકાસ્ટ કરવાના પક્ષમાં ન હતા. તેમનું કહેવું હતું કે રામાયણનું પ્રસારણ કરવાથી દેશનું સેક્યુલર ચરિત્ર બદલાઈ જશે અને હિંદુત્વની અવધારણાને પ્રોત્સાહન મળશે.
આ ખુલાસો કોલમિસ્ટ શેફાલી વૈદ્યે ટ્વિટર પર કર્યો છે. તેમણે ટ્વિટ સાથે ત્રણ સ્ક્રીનશોટ પણ જોડ્યા હતા. પશ્ચિમ બંગાળ કેડરના આઈએએસ અધિકારી રહેલા ભાસ્કર ઘોષ રામાયણને જે રીતે રામાનંદ સાગરે બનાવ્યું હતું તેમ ટીવી પર દર્શાવવા માંગતા ન હતા. તેમણે દર્શકો મામલે કરેલ અધ્યયનમાં જાણવા મળ્યું હતું કે રામાયણ જોનાર વર્ગ માત્ર હિંદુઓ જ નહીં પરંતુ મુસ્લિમો પણ મોટી સંખ્યામાં સિરિયલ જોતા હતા. કારણ કે રામાયણ માત્ર એક મનોરંજન નહીં પરંતુ તેમાં આદર્શો અને મૂલ્યોની વાત પણ કરવામાં આવી હતી. જોકે, તેઓ લઘુમતીઓને ખુશ કરવા માટે રામાયણને પણ ‘સેક્યુલર’ બનાવવા માંગતા હતા.
This excerpt from Ramayana serial producer Ramanand Sagar’s biography by his son states how then DD head Bhaskar Ghose wanted to make Ramayana ‘secular’ to appease ‘minorities’. Bhaskar Ghose is @ghosesagarika’s daddy and @sardesairajdeep’s father-in-law!pics via @CestMoiz pic.twitter.com/0Co5kb5FoP
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) July 28, 2022
પુસ્તકમાં એ બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ રીતે રાજીવ ગાંધી સરકારમાં એવા અનેક કિસ્સાઓ બન્યા, જ્યારે હિંદુ અને મુસ્લિમ તુષ્ટીકરણનું રાજકારણ કરવામાં આવ્યું હતું.
રામાનંદ સાગરની જીવનકથાના પાના નંબર 273 પર લખવામાં આવ્યું છે, ‘ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસના શાસનમાં હિંદુઓ ભય અનુભવી રહ્યા હતા. ધર્મનિરપેક્ષતાના નામે કોંગ્રેસે લઘુમતીઓ સામે આત્મસમર્પણ કરી દીધું હતું. તેઓ ભાવનાઓમાં વહી જઈને કામ કરી રહ્યા હતા. તે સમયે એક કટ્ટર હિંદુ નેતાની જરૂરિયાત હતી, જેઓ હિંદુઓની રક્ષા માટે આગળ આવે અને જેમાં કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરવાની ક્ષમતા હોય.’
આગળ લખવામાં આવ્યું છે કે, ‘બરાબર યોગ્ય સમયે ભાજપે મોરચો સાંભળ્યો અને એલકે અડવાણીએ તેમની સામે કડક વલણ અપનાવ્યું. તેમણે પાર્ટી સંસાધનો અને જનશક્તિનો ઉપયોગ જમીની સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓના માધ્યમથી દેશના ખૂણેખૂણામાં આ બાબતે જાગૃતિ ફેલાવવા અને પોતાના પક્ષમાં સમર્થન મેળવવાનું શરૂ કર્યું. આ ભાજપના ઉદય અને હિંદુત્વ આંદોલનની જબરદસ્ત શરૂઆત હતી.’
કહેવાયું છે કે જે રીતે હિંદુઓ કોંગ્રેસ સામે ભાજપ જમીની સ્થિતિ મજબૂત કરવામાં લાગેલી હતી, તેને લઈને રાજીવ ગાંધી ડરી ગયા હતા અને તેમને ખબર પડી ગઈ હતી કે આ વખતે ચૂંટણીમાં હિંદુઓ તેમને મત આપશે નહીં. આ સ્થિતિમાં તેમણે સંભવિત વિકલ્પો તપાસવાના શરૂ કર્યા હતા. બીજી તરફ, વર્ષોથી ચાલતો આવેલો અયોધ્યા વિવાદ હિંદુઓના ધૈર્યની પરીક્ષા લઇ રહ્યો હતો. હિંદુઓ વિવાદિત માળખા બાબરી મસ્જિદના દ્વાર ખોલીને ત્યાં પૂજા કરવાની માંગ કરી રહ્યા હતા. આમ તો આ કેસ ન્યાયતંત્ર હેઠળ હતો પરંતુ રાજીવ ગાંધીએ હિંદુઓને ખુશ કરવા માટે તેમાં હસ્તક્ષેપ કર્યો અને દરવાજા ખોલવા માટે અપીલ દાખલ કરવામાં આવી.
આ મામલે સરકાર અને ન્યાયતંત્રે જે ઝડપથી કામ કર્યું, તે આશ્ચર્યજનક હતું. કોઈ પણ જાતનો સમય વેડફ્યા વગર રાજીવ સરકારે કોર્ટને કહ્યું કે, પૂજા માટે દ્વાર ખોલવા સુરક્ષિત રહેશે અને નિર્ણયના અમુક કલાકો બાદ જ દરવાજા ખોલી દેવામાં આવ્યા.
આગળ લખવામાં આવ્યું છે કે, ‘આ વિશ્વ હિંદુ પરિષદ માટે ઐતિહાસિક ક્ષણ હતી. સાથે જ તેનાથી ભાજપને પણ મંચ મળી ગયો હતો. આ રીતે રાજીવ ગાંધીની હિંદુ તુષ્ટીકરણની રણનીતિએ ભાજપના વિકાસ માટે એક મંચ તૈયાર કરી આપ્યો હતો.’