છેલ્લા થોડા સમયથી મધ્ય ગુજરાતમાં ચોરની અફવાઓએ માઝા મૂકી છે. વડોદરા અને ભરૂચના ગામડાઓ તેમાં પણ ખાસ કરીને આમોદર, વાઘોડિયા, તરસાલી, કરનાળી, પાદરા સહિતના પંથકોમાં રોજ રાત્રે નગરિકોના ઉજાગરા ચાલી રહ્યા છે. અફવાના કારણે લોકો આખી-આખી રાત જાગીને ચોકી પહેરો કરે છે. ત્યારે હવે ભરૂચમાં (Bharuch) લોકોએ 6 સાધુઓને ચોર સમજીને ઢોર માર માર્યો હોવાની ઘટના બની. અફવાના વાતાવરણ વચ્ચે કોઈએ પડીકું ખોલ્યું અને લોકો નિર્દોષ સાધુઓ પર તૂટી પડ્યા હતા. જોકે આ મામલે હવે પોલીસ પણ કાર્યરત થઈ છે અને અફવાથી દૂર રહેવા અપીલ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના ભરૂચની અયોધ્યાનગર સોસાયટી પાસેની છે. અહીં 6 જેટલા સાધુઓ ફરીને ભિક્ષાટન કરી રહ્યા હતા. તેવામાં આ સાધુઓને જોઈને કોઈએ તેઓ ચોર હોવાની અફવા ફેલાવી દીધી. આ વાત ઘાસના તણખલાની જેમ ફેલાઈ ગઈ અને જોતજોતાંમાં લોકોનાં ટોળાં એકઠાં થઇ ગયાં. લોકોએ સાધુઓને પકડીને ઢોર માર માર્યો. સાધુઓ આજીજી કરતા રહ્યા અને કહેતા થયા કે તેઓ ચોર નથી. પરંતુ અફવામાં અંધ બનેલા લોકોએ તેમની એક ન સાંભળી અને માર મારતા રહ્યા.
ભરૂચમાં ચોરોની અફવાઓએ હદ કરી
— Gujarat First (@GujaratFirst) October 5, 2024
5 સાધુઓને ચોર સમજી લોકોએ માર્યો માર
અયોધ્યાનગર સોસાયટીમાં બની ઘટના
સાધુઓને પોલીસ હવાલે કરતા થયો ખુલાસો
ભરૂચમાં અજાણ્યાઓએ જવું મુશ્કેલ બન્યું
તવરા ગામે ગરબા ગ્રાઉન્ડ ખાલી રહ્યું
ચોરોની અફવાને લઈ ખેલૈયાઓ જ ન આવ્યા
ગરબા છોડી મકાન નજીક પહેરો કરવા મજબૂર… pic.twitter.com/swjWaP6d9f
અંતે કોઈએ આ ઘટનાની જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આવીને તરત પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને તાત્કાલિક સાધુઓને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશન પહોંચતાં જ ખુલાસો થયો હતો કે તેઓ ખરેખર સાધુ છે અને કોઈ ચોર નથી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, તમામ મહાત્માઓ મથુરા ખાતે આવેલા હરીપરાના સુતરટેકા આશ્રમના સંતો છે અને ધર્મ જાગરણનું કાર્ય કરવા પોતાનું જીવન સમર્પિત કરેલું છે.
ભરૂચ SPએ અફવાબાજોને આપી ચેતવણી
ભરૂચમાં સાધુઓને ઢોર માર મારીને બાદમાં હકીકત સામે આવ્યા બાદ પોલીસે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરીને તમામને મુક્ત કર્યા હતા. બીજી તરફ આ ઘટના બાદ પોલીસ હરકતમાં આવી છે અને આ પ્રકારની અફવાથી લોકોને દૂર રાખવાનો પ્રયત્ન કરી રહી છે. આ મામલે ભરૂચ એસપીના સત્તાવાર X હેન્ડલ પરથી પણ માહિતી આપવામાં આવી હતી અને પુષ્ટિ કરવામાં આવી હતી કે જેમને ચોર સમજીને મારવામાં આવ્યા, તે ખરેખર સાધુ છે અને ભિક્ષાટન કરી રહ્યા હતા.
ભરૂચ પોલીસ તરફથી જાગૃત જનતાને અપીલ કરવામાં આવે છે કે કોઇપણ પ્રકારના ફેક ન્યુઝ તથા અફવાઓ વાયરલ કરવી નહી અને જે પણ આવા ફેક ન્યુઝ વાયરલ કરશે અથવા ફોરવર્ડ કરશે તેઓના વિરૂધ્ધ IT એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.@GujaratPolice @dgpgujarat @CMOGuj @sanghaviharsh pic.twitter.com/ZeOVN5SmPo
— SP Bharuch (@BharuchPolice) October 5, 2024
ભરૂચ એસપી દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં અફવા ફેલાવતા લોકોને પણ સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, પોલીસ જનતાને અપીલ કરી રહી છે કે કોટા સમાચાર અને અફવાથી દૂર રહે. સાથે જ તેમ પણ કહેવામાં આવ્યું છે કે જે લોકો આ પ્રકારના સમાચાર કે અફવા ફેલાવતા ઝડપાશે, તેમના વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.