બેંગ્લોર બ્લાસ્ટ કેસ મામલે કેન્દ્રીય એજન્સી NIAને મોટી સફળતા મળી છે. રિપોર્ટ્સ અનુસાર, NIAએ આ મામલે એક સંદિગ્ધની અટકાયત કરી છે. આરોપીનું નામ શબ્બીર હોવાનું સામે આવ્યું છે. ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે તેની અટકાયત કરવામાં આવી હોવાનું કહેવાય છે. હાલ એજન્સી તેની પૂછપરછ કરી રહી છે.
ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, શબ્બીરના નામે ઓળખાતા આ શખ્સને કર્ણાટકના બેલ્લારીથી પકડવામાં આવ્યો છે. NIAએ સંદિગ્ધ વ્યક્તિને કસ્ટડીમાં લીધો છે અને હાલ તેની પૂછપરછ થતી હોવાની જાણકારી મળી રહી છે. આ મામલે પોલીસ અને અન્ય ટીમો પણ તપાસમાં લાગી ગઈ છે. ઇન્ડિયાના ટુડેના રિપોર્ટમાં કહેવાયું છે કે, આ મામલેની માહિતી NIAના એક મુખ્ય સૂત્ર પાસેથી મળી છે.
#Bengaluru pic.twitter.com/RjyiPGaGy2
— NDTV (@ndtv) March 13, 2024
મીડિયા અહેવાલો અનુસાર, આ વ્યક્તિ મુખ્ય આરોપી નથી પરંતુ તેને બ્લાસ્ટ વિશે જાણકારી હોવાની અને તેણે મુખ્ય આરોપીને (જેણે બૉમ્બ પ્લાન્ટ કર્યો હતો) મદદ પણ કરી હોવાની આશંકા છે. વધુ વિગતો પૂછપરછ બાદ જ સામે આવી શકશે. તે મુખ્ય આરોપીનો સહયોગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
1 માર્ચના રોજ કાફેમાં થયો હતો બ્લાસ્ટ
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (1 માર્ચ) કર્ણાટકના પાટનગર બેંગ્લોરમાં રાજાજીનગર સ્થિત ‘રામેશ્વરમ કાફે’માં બૉમ્બ બ્લાસ્ટ થયો હતો. આ ઘટના બપોરના સમયે ઘટી હતી. જેમાં 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે, શરૂઆતમાં એવી માહિતી વહેતી થઈ હતી કે, કાફેમાં થયેલો ધમાકો સિલિન્ડર બ્લાસ્ટથી થયો છે. પરંતુ તે પછી કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ માહિતી આપીને તેને બૉમ્બ બ્લાસ્ટ ગણાવ્યો હતો. પોલીસ અને અન્ય તપાસ ટીમો દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી હતી.
વિસ્ફોટની માહિતી મળતાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. NIA પણ આ બ્લાસ્ટની તપાસમાં વ્યસ્ત હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોમાં કાફેના કર્મચારીઓ અને ગાર્ડનો સમાવેશ થાય છે.
બ્લાસ્ટ બાદ કેન્દ્રીય એજન્સી NIA તપાસમાં જોડાઈ હતી. એજન્સી ઘણા દિવસોથી મુખ્ય આરોપીને શોધી રહી છે. ઘણા CCTV ફૂટેજમાં તે કેદ થયેલો પણ જોવા મળ્યો હતો. NIAએ તેના માથે 10 લાખ રૂપિયાનું ઇનામ પણ રાખ્યું છે અને જો કોઇ નાગરિકને તેના વિશે જાણકારી મળે તો એજન્સીને જણાવવામાં માટે કહ્યું છે. હાલ તેના સહયોગીની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.