બાંગ્લાદેશમાં (Bangladesh) પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદ હિંદુઓ વિરુદ્ધ અત્યાચાર (Bangladesh Anti Hindu Violence) અને હિંસાની ઘટનાઓ વધી ગઈ હતી. આ દરમિયાન જ બાંગ્લાદેશમાં લઘુમતી હિંદુઓના તહેવારો પર પણ કટ્ટરપંથીઓ કાળો નાગ બનીને બેસી ગયા હોય એમ લાગી રહ્યું છે. બાંગ્લાદેશમાં હિંદુઓનો સૌથી મોટો અને પવિત્ર તહેવાર દુર્ગા પૂજા (Durga Puja) નજીક આવી રહ્યો છે ત્યારે બાંગ્લાદેશનાં કટ્ટરપંથી ઇસ્લામી સંગઠનો તેનો પણ વિરોધ કરી રહ્યાં છે અને તહેવારની જાહેર ઉજવણી અને આપવામાં આવતી જાહેર રજાઓનો વિરોધ શરૂ કરી દીધો છે.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ અનુસાર, કટ્ટરપંથી ઇસ્લામિક જૂથોએ હિંદુ લઘુમતીને ચેતવણી આપી છે કે તેઓ જાહેરમાં કોઈ તહેવારની ઉજવણી ન કરે અને કોઈપણ મૂર્તિપૂજામાં પણ સામેલ ન થાય. બાંગ્લાદેશમાં ઇન્સાફ કીમકારી છાત્ર-જનતા નામના ઇસ્લામિક કટ્ટરપંથી સંગઠને બાંગ્લા ભાષામાં પ્લેકાર્ડ સાથે દુર્ગા પૂજા તહેવાર ઉજવવાનો વિરોધ કર્યો હતો.
પ્રદર્શન કરતા કટ્ટરપંથી જૂથે 16 મુદ્દાઓમાં પોતાની માંગ પણ રજૂ કરી છે, જેમાં પૂજા અને મૂર્તિનું વિસર્જન જાહેરમાં કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી છે. તેમની માંગણીઓમાં ધાર્મિક કાર્યક્રમો માટે રસ્તાઓ બંધ કરવા પર પ્રતિબંધ અને તહેવારોના ખર્ચ માટે સરકારી રાહત ભંડોળના ઉપયોગને રોકવાની માંગ પણ સામેલ છે.
હિંદુ લઘુમતીમાં હોવાથી દુર્ગા પૂજાની જાહેર રજા નામંજૂર કરવાની માંગ
આ જૂથે પ્રદર્શન કરતાં પ્લેકાર્ડનો ઉપયોગ કર્યો હતો, જેમાં લખ્યું હતું કે, “રસ્તા બંધ કરીને ક્યાંય પૂજા નહીં, મૂર્તિ વિસર્જનથી પાણીનું પ્રદૂષણ નહીં, મૂર્તિઓની પૂજા નહીં.” આ કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠને એવી દલીલ કરી હતી કે, બાંગ્લાદેશમાં હિંદુઓની વસ્તી 2% કરતાં પણ ઓછી હોવાના કારણે દુર્ગા પૂજા માટે જાહેર રજા આપવાની જરૂર નથી.
ઉપરાંત જૂથે દલીલ કરી કે દુર્ગા પૂજામાં અપાતી જાહેર રજાઓના કારણે મુસ્લિમ બહુમતીનું જનજીવન ખોરવાય જાય છે. આ સિવાય એવો પણ દાવો કર્યો કે કોઈપણ મુસ્લિમ વ્યક્તિએ હિંદુ તહેવારોના સમર્થનમાં સામેલ થવું જોઈએ નહીં. ઉલ્લેખનીય છે કે આ સંગઠને બાંગ્લાદેશની રાજધાની ઢાકાના સેક્ટર 13માં પ્રદર્શન કર્યું હતું અને વર્ષોથી હિંદુઓ દ્વારા દુર્ગા પૂજા માટે ઉપયોગમાં લેવામાં આવતા રમતના મેદાનના ઉપયોગનો પણ વિરોધ કર્યો હતો.
ઇન્સાફ કીમકારી છાત્ર-જનતા સંગઠને એવો પણ આરોપ લગાવી દીધો હતો કે હિંદુઓએ અમુક સરકારી જમીન પર કબજો કરીને મંદિરો બાંધી દીધાં છે, જેને હટાવવામાં આવે. ઉપરાંત તેમણે ભારતને ‘બાંગ્લાદેશનું રાષ્ટ્રીય શત્રુ’ ગણાવી દીધું અને કહ્યું કે, પ્રત્યેક બાંગ્લાદેશી હિંદુ નાગરિકે પણ ભારતના વિરોધી જ હોવું જોઈએ અને મંદિરોમાં ભારતવિરોધી બેનરો અને ભારતવિરોધી સૂત્રોચ્ચાર મૂકવા જોઈએ. નોંધવું જોઈએ કે દુર્ગા પૂજા પહેલાં અમુક ઠેકાણેથી માતાજીની મૂર્તિને નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.
દુર્ગા પૂજાની મંજૂરી માટે માંગ્યા હતા 5 લાખ
બાંગ્લાદેશમાં પાછલા કેટલાક મહિનાઓથી હિંદુઓ સતત કટ્ટરપંથી ઇસ્લામિક હિંસાનો ભોગ બની રહ્યા છે. ત્યારે આ વખતે કટ્ટરપંથીઓએ હિંદુ તહેવાર દુર્ગા પૂજાને નિશાન બનાવી છે. આ અગાઉ પણ બાંગ્લાદેશમાં આવેલ ખુતના જિલ્લામાં હિંદુ મંદિરોને ધમકીભર્યા પત્રો લખવામાં આવ્યા હતા તથા દુર્ગા પૂજાની મંજૂરી માટે 5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ ઘટનાથી ઘણા હિંદુ મંદિર સમિતિઓએ દુર્ગા પૂજા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો, તો ઘણાએ નાનાપાયે પૂજાનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો.