Friday, November 22, 2024
More
    હોમપેજદુનિયાસરકાર ભંગ થયા બાદ શેખ હસીનાના જે નિવાસસ્થાને કથિત આંદોલનકારીઓએ મચાવ્યો હતો...

    સરકાર ભંગ થયા બાદ શેખ હસીનાના જે નિવાસસ્થાને કથિત આંદોલનકારીઓએ મચાવ્યો હતો ઉપદ્રવ, તેને હવે બાંગ્લાદેશની સરકાર ‘મ્યુઝિયમ’માં ફેરવશે

    'ગોનો ભવન' 1975માં તૈયાર થઇ ગયું હતું, પરંતુ શેખ હસીના એકમાત્ર એવા વડાંપ્રધાન હતા જેઓ તેમાં રહ્યા હતા. ગોનો ભવનનું નિર્માણ બાંગ્લાદેશના સ્થાપક પ્રમુખ શેખ મુજીબુર રહેમાને તેમના સત્તાવાર નિવાસસ્થાન અને સચિવાલય તરીકે કર્યું હતું.

    - Advertisement -

    બાંગ્લાદેશની વચગાળાની સરકારે રાજીનામું આપી પદ છોડેલ વડાપ્રધાન શેખ હસીનાના ભૂતપૂર્વ સત્તાવાર નિવાસસ્થાન ‘ગોનો ભવન’ને મ્યુઝિયમનું સ્વરૂપ આપવાનો નિર્ણય લીધો છે. 5મી સપ્ટેમ્બરના રોજ સલાહકારોની કાઉન્સિલની બેઠકમાં તેને ‘જુલાઈ વિદ્રોહ મેમોરિયલ મ્યુઝિયમ’માં ફેરવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાદ 7 સપ્ટેમ્બરે એવી જાહેરાત કરવામાં આવી હતી કે 8 સપ્ટેમ્બર સુધીમાં મ્યુઝિયમનું રૂપાંતરણ કરવા મામલે એક સમિતિની રચના કરવામાં આવશે.

    શેખ હસીના સરકારના પતનમાં પરિણામેલી ‘જુલાઈ ક્રાંતિ’ના સ્મારકના રૂપાંતરણની દેખરેખ રાખવા માટે સમિતિ પણ બનાવવામાં આવશે. આ સમિતિમાં સ્થાપત્ય નિષ્ણાંતો અને સંગ્રહાલયના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે. ‘ગોનો ભવન’ની મુલાકાત લીધા બાદ પોસ્ટ અને ટેલિકોમ્યુનિકેશન સલાહકાર નાહિદ ઇસ્લામે જણાવ્યું હતું કે, “સંભવતઃ અમે આવતા અઠવાડિયાથી અમારું કામ શરૂ કરીશું.” તેમણે ઉમેર્યું હતું કે વહીવટીતંત્ર વહેલી તકે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવા માંગે છે.

    સલાહકાર નાહિદે કહ્યું હતું કે, સંબંધિત અધિકારીઓને મ્યુઝિયમનું કામ ઝડપથી પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે “લોકોના આક્રોશ અને ગુસ્સાની છબીને અકબંધ રાખવા માટે ગોનો ભવન ખાતેના માળખા અને વિનાશના ચિહ્નોની વર્તમાન સ્થિતિને ખૂબ જ સાચવીને સંગ્રહાલય બનાવવામાં આવશે”

    - Advertisement -

    સૂચિત મ્યુઝિયમ જુલાઈના વિરોધ પ્રદર્શનની યાદોને સાચવશે અને પ્રદર્શિત કરશે. તથા વિરોધની શરૂઆતથી લઈને 5મી ઑગસ્ટ જયારે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો ત્યાં સુધીની દૈનિક ઘટનાઓને ઘટનાક્રમ સાથે પ્રદર્શિત કરાશે. તેમાં ક્રાંતિ દરમિયાન માર્યા ગયેલા અને ઘાયલ થયેલા પ્રદર્શનકારીઓની યાદી પણ હશે. સલાહકાર નાહિદ ઇસ્લામે ઉમેર્યું હતું કે, છેલ્લા 16 વર્ષમાં અવામી લીગ સરકારે કરેલી હત્યાઓ, બળજબરીથી ગાયબ કરાયેલા લોકો, અને લોકો પર ગુજારેલા ત્રાસને પણ  સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવશે.

    5 સપ્ટેમ્બરે મુખ્ય સલાહકાર ડૉ. મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની કેબિનેટે આ અંગેનો નિર્ણય લીધો હતો. આ બાદ રમતગમત અને યુવા સલાહકાર આસિફ મહમુદ સાજીબ ભુઈયાએ કહ્યું હતું કે, દેખાવકારોએ ઈમારતને જે નુકસાન કર્યું છે તેનું સમારકામ કરવાની જગ્યાએ તેને સ્મારકના રૂપમાં સાચવવામાં આવશે. વધુમાં તેમણે કહ્યું કે, “ગોનો ભવન લોકોએ જે પરિસ્થિતિમાં છોડ્યું છે તે જ રીતે રહેશે. તેનો અર્થ એ કે સરકાર કોઈ મોટો ફેરફાર કર્યા વિના તેને મ્યુઝિયમમાં ફેરવી દેશે.”

    નોંધનીય છે કે, પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ દેશ છોડ્યો તે સમયે દેશભરમાં હિંસાનો માહોલ હતો. કટ્ટરપંથી ટોળાંએ ત્યારબાદ લઘુમતી હિંદુને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા હતા. વિદ્યાર્થી આંદોલન અને ‘ક્રાંતિ’ના નામે કટ્ટરપંથી ટોળાંઓએ મહિલા વડાંપ્રધાનના આધિકારિક આવાસમાં જે હરકતો કરી હતી, તેના ફોટા અને વિડીયો પણ વાયરલ થયા હતા. આવાસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને ભારે લૂંટફાટ પણ ચાલી હતી. હવે તે જ તોડફોડ અને હિંસાને ઢાંકીને ગોના ભવનને ‘જુલાઈ વિદ્રોહ મેમોરિયલ મ્યુઝિયમ’ બનાવવામાં આવી રહ્યું છે.

    બાંગ્લાદેશના સ્થાપકે કર્યું હતું ‘ગોનો ભવન’નું નિર્માણ

    ઉલ્લેખનીય છે કે ‘ગોનો ભવન’ 1975માં તૈયાર થઇ ગયું હતું, પરંતુ શેખ હસીના એકમાત્ર એવા વડાંપ્રધાન હતા જેઓ તેમાં રહ્યા હતા. ગોનો ભવનનું નિર્માણ બાંગ્લાદેશના સ્થાપક પ્રમુખ શેખ મુજીબુર રહેમાને તેમના સત્તાવાર નિવાસસ્થાન અને સચિવાલય તરીકે કર્યું હતું. પરંતુ 1975માં તે તૈયાર થયા પછી, રહેમાન તેમાં રહેવા ગયા નહોતા. બંગબંધુ રહેમાનની હત્યા પછી, 1975ના બળવાને પગલે લશ્કરી શાસકોએ ઇમારતને કોર્ટ-માર્શલમાં ફેરવી દીધી હતી.

    પ્રથમ સાર્ક સમિટના પ્રસંગે 1985માં ઇમારતનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. પાછળથી તેને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં ફેરવી દેવામાં આવ્યું હતું. PM તરીકેના તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન, શેખ હસીનાએ કેબિનેટની બેઠકો કરવા માટે બિલ્ડિંગ ભાડે આપી હતી. 1991માં જ્યારે બેગમ ખાલિદા ઝિયા પહેલીવાર વડાંપ્રધાન બન્યા હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિના કાર્યાલયને વડાપ્રધાનના કાર્યાલયમાં રૂપાંતરિત કર્યું હતું. જોકે, તેઓ આર્મી કેન્ટોનમેન્ટમાં જ રહેતા હતા.

    જ્યારે શેખ હસીના 2009માં ફરીથી સત્તા પર આવ્યા, ત્યારે સંસદે મુજીબુર રહેમાનના પરિવારને રાજ્ય સુરક્ષા પ્રદાન કરવા માટે કાયદો પસાર કર્યો હતો. જે અનુસાર, ‘ગોનો ભવન’ શેખ હસીનાના સત્તાવાર નિવાસ તરીકે સોંપવામાં આવ્યું હતું. આ બાદ વર્ષ 2010માં નવીનીકરણ કરાવ્યા બાદ તે ગોનો ભવનમાં રહેવા આવ્યા હતા.

    29 ઑગસ્ટ રોજ, બાંગ્લાદેશની વચગાળાની સરકારે રાષ્ટ્રપિતા બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના પરિવારના સભ્યોને સુરક્ષા પ્રદાન કરતો વર્ષ 2009નો કાયદો પણ રદ કર્યો હતો. તથા  શેખ હસીના અને પરિવારના અન્ય સભ્યોને આપવામાં આવેલી રાજ્ય સુરક્ષાને પણ રદ કરી દીધી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં