બાંગ્લાદેશ (Bangladesh) ખાતે રાજનીતિક ઉથલ-પાથલ વચ્ચે હિંદુઓ પર હિંસાની ઘટનાઓ સામે આવી રહી હતી. ત્યારે આ જ માહોલ વચ્ચે 28 ઓગસ્ટે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. બાંગ્લાદેશી મહિલા પત્રકાર (Journalist) સારા રહનુમાનું શવ હાતિર (Hatirjheel) તળાવમાંથી મળી આવ્યું હતું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. મૃત્યુના ચોક્કસ કારણોની જાણકારી હજી મળી નથી.
સાગર નામક યુવકના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશના ઢાકા ખાતે આવેલ હાતિર તળાવમાં તેણે એક વ્યક્તિનું શવ તરતુ જોયું હતું. આ બાદ તેને બહાર કાઢીને તે ઢાકા મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો. જ્યાં તેની મેડિકલ તપાસ કરીને ઓળખ કરવાનો પ્રયત્ન કરાયો હતો. આ બાદ પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે તે શવની ઓળખ 32 વર્ષીય બાંગ્લાદેશી મહિલા પત્રકાર સારા રહનુમા તરીકે કરવામાં આવી હતી.
ડોક્ટર્સે આપેલી માહિતી અનુસાર સારાનું મૃત્યુ રાત્રે 2:00 વાગ્યા આસપાસ થયું હતું. આ મામલે તપાસ કરી રહેલા ઈન્સ્પેકટર બુચ્ચુએ જણાવ્યુ હતું કે, શવને વર્તમાનમાં મડદાઘરમાં રાખવામાં આવ્યું છે. મૃત્યુનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ દરમિયાન પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પુત્ર સજીબ વાજેદએ આ મામલાને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર તરાપ ગણાવી હતી.
પતિ સાથે થવાના હતા છૂટાછેડા
જે દિવસે આ ઘટના ઘટી તે દિવસે તેઓ પોતાની નોકરી પર જવા નીકળ્યા હતા, પરંતુ ઘરે પરત ફર્યા નહોતા. તેમના પતિ સૈયદ શુવ્રોને એવી માહિતી આપવામાં આવી હતી કે સારાએ હાતિર તળાવમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. તેમને આ બાબતે રાત્રે 3 વાગે માહિતી આપવામાં આવી હતી. તેમના પતિએ કહ્યું હતું કે સારા અને તે બંને નજીકન સમયમાં જ છૂટાછેડા લેવાના હતા, જે નિર્ણયથી સારા ખુબ ખુશ હતા.
મૃત્યુ પહેલાં કરી હતી સોશિયલ મીડિયા પર પોસ્ટ
સારાએ મૃત્યુ પહેલાં સોશિયલ મીડિયા માધ્યમ ફેસબુક પર પોસ્ટ કરી હતી. જેમાં તેમણે ફહિમ ફૈઝલ નામક વ્યક્તિને ટેગ કરતાં લખ્યું હતું કે, “તમારા જેવો મિત્ર મળ્યો તેથી સારું લાગ્યું. ભગવાન હંમેશા તમારું ધ્યાન રાખે. હું આશા રાખું છું કે તમે તમારા સપનાઓ જલદી પૂરા કરશો. મને ખબર છે કે આપણે ઘણી બધી વસ્તુઓનું આયોજન કર્યું હતું. તેને પૂરું ન કરી શકવા માટે મને માફ કરજો. ભગવાન જીવનના દરેક તબક્કામાં તમને આશીર્વાદ આપે.” આ પહેલા પણ તેમણે એક પોસ્ટ કરી હતી જેમાં લખ્યું હતું કે, “મૌત સમાન જીવન જીવવા કરતાં મરવું વધારે યોગ્ય છે.”