તાજેતરમાં કાનપુરમાં રમાઈ રહેલી ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ મેચ દરમિયાન એક બાંગ્લાદેશી ક્રિકેટ ફેન રબી-ઉલ-ઇસ્લામ ઉર્ફે ટાઈગર રોબીએ મેચ દરમિયાન તેની સાથે મારપીટ થઈ હોવાનો ખોટો દાવો કર્યો હતો. આ ઘટનાના એક દિવસ બાદ શનિવારે (28 સપ્ટેમ્બર) પોતાના દેશ પરત મોકલી આપવામાં આવ્યો છે. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ) રાજેશ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, રોબીને પોલીસ સુરક્ષા હેઠળ દિલ્હી એરપોર્ટ લઈ જવામાં આવ્યો હતો અને દિલ્હીથી તેને ઢાકાની ફ્લાઇટમાં પરત રવાના કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અધિકારી પણ દિલ્હી એરપોર્ટ પર તેની સાથે હાજર હોવાનું કહેવાયું છે.
આ ઘટનાના એક દિવસ પહેલાં શુક્રવારના રોજ રોબીએ દાવો કર્યો હતો કે, કાનપુરમાં ટેસ્ટ મેચ દરમિયાન તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. જોકે, ત્યારબાદ તેણે પોતાના આરોપો પરત ખેંચી લીધા હતા. પરંતુ, આ ઘટનાને લઈને વિવાદ ઊભો થઈ જતાં પોલીસ પણ હરકતમાં આવી હતી. એડિશનલ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે આ ઘટનાને લઈને જણાવ્યું હતું કે, મેટાસ્ટેટિક કેન્સરથી પીડિત રોબી મેડિકલ વિઝા પર ભારત આવ્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, મેડિકલ વિઝા પર તે 18 સપ્ટેમ્બરના રોજ હાવડાની એક હૉસ્પિટલમાં સારવાર કરાવવા માટે આવ્યો હતો, પરંતુ સારવારના બહાને તે બાંગ્લાદેશી ટીમના સમર્થન માટે ચેન્નાઈ જતો રહ્યો હતો.
વધુમાં પોલીસે જણાવ્યું કે, ચેન્નાઈમાં ભારત-બાંગ્લાદેશની પ્રથમ ટેસ્ટ મેચ બાદ તે કાનપુર આવ્યો હતો અને બીજી ટેસ્ટ મેચ દરમિયાન પણ બાંગ્લાદેશી ક્રિકેટ ટીમના સમર્થનમાં રહ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારના રોજ તે ગ્રીન પાર્ક સ્ટેડિયમ પહોંચ્યો હતો. સ્ટેડિયમની સી-બાલકનીમાં તેને બાંગ્લાદેશનો ઝંડો ફરકાવતા પણ જોઈ શકાયો હતો. જેના કારણે કદાચ તે થાકી ગયો હતો અને પછીથી બીમાર થઈ ગયો હતો. દરમિયાન તે એક પોલીસ કોન્સ્ટેબલને મળ્યો હતો. તે સમયે તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. તે કઈ બોલે તે પહેલાં જ તે બેભાન થઈ ગયો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું કે, ઘટનાની જાણ થયા બાદ તરત જ તેને સ્થાનિક હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ મોડી સાંજે તેને હૉસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. આ સાથે જ પોલીસે જણાવ્યું છે કે, તેની સાથે મારપીટ થઈ હોવાના આરોપો તેણે પોતે જ પરત લઈ લીધા હતા અને જણાવ્યું હતું કે, તે બીમાર થઈ ગયો હતો અને તેના કારણે તે બેભાન થઈ ગયો હતો. પોલીસે જણાવ્યું કે, દિલ્હીના ચકેરી એરપોર્ટ પરથી તેને ઢાકાની ફ્લાઇટમાં રવાના કરવામાં આવ્યો હતો, દરમિયાન તેની સાથે પોલીસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. તેને એરપોર્ટ પરિસરની બહાર જવા માટે પણ પરવાનગી આપવામાં આવી નહોતી.
નોંધવા જેવું છે કે, શુક્રવારના રોજ ટાઈગર રોબીએ મીડિયા સાથે વાત કરતી વખતે દાવો કર્યો હતો કે, કાનપુરમાં તેની સાથે મારપીટ કરવામાં આવી હતી. દરમિયાન તેના પેટ પર મુક્કો મારવામાં આવ્યો હતો અને તેના કારણે તે બેભાન થઈ ગયો હતો. જોકે, બાદમાં હૉસ્પિટલથી જારી કરાયેલા નિવેદનમાં તેણે પોતાના આરોપો પરત લઈ લીધા હતા અને કહ્યું હતું કે, તેને માત્ર અસ્વસ્થ અનુભવાઈ રહ્યું હતું અને સ્થાનિક પોલીસે તેને જરૂરી તમામ મદદ પણ કરી હતી. તેણે વિડીયો ક્લિપમાં કહ્યું હતું કે, તે બીમાર પડી ગયો હતો અને પોલીસ તેને હૉસ્પિટલ લઈને આવી હતી.