બહરાઈચ (Baharaich) જિલ્લાના મહારાજગંજમાં વહીવટીતંત્ર ટૂંક સમયમાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ બુલડોઝર કાર્યવાહી કરી શકે છે. કુલ 23 મકાનો પર નોટિસ (Notice) લગાવવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી અબ્દુલ હમીદનું ઘર પણ સામેલ છે. તેના જ ઘરમાં રામગોપાલ મિશ્રાને ઘસડી લઇ જઈ મારી નાખવાનો આરોપ છે. 13 ઑક્ટોબર, 2024ના રોજ દુર્ગા વિસર્જન યાત્રા પર ઇસ્લામિક ટોળા દ્વારા કરવામાં આવેલા હુમલા દરમિયાન મિશ્રાની હત્યા કરવામાં આવી હતી.
નોટિસ લગાવ્યા પછી, ઘણા લોકો 19 ઑક્ટોબર 2024ના રોજ તેમનો સામાન એકઠો કરતાં જોવા મળ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચેલા ઑપઇન્ડિયાના રિપોર્ટરે જોયું કે, કેટલાક એવા લોકો પણ તેમની દુકાનો ખાલી કરી રહ્યા હતા, જેમને નોટિસ પણ મળી નથી. જે મસ્જિદમાંથી મુસ્લિમોને ઉશ્કેરવાનો આરોપ હતો તે જ મસ્જિદની આસપાસ આવેલી તમામ દુકાનો પણ ખાલી થતી જોઈ શકાઈ હતી.
જે 23 ઘરો પર નોટિસ લગાવવામાં આવી છે, તેમાંથી 19 મુસ્લિમોના અને 4 હિંદુઓનાં હોવાનું કહેવાય છે. 17 ઑક્ટોબરે જારી કરાયેલી આ નોટિસ PWD અને પોલીસ પ્રશાસન દ્વારા 18 ઑક્ટોબરે ઘરો પર લગાવવામાં આવી છે. નોટિસમાં કહેવાયું છે કે, ત્રણ દિવસની અંદર પોતાની રીતે ગેરકાયદેસર દબાણ દૂર કરી દેવું, નહીં તો તંત્ર દ્વારા બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બહરાઈચ હિંસાના મુખ્ય આરોપી અબ્દુલ હમીદના ઘર વિશે કહેવાઈ રહ્યું છે કે, આ ઘર પહેલાં કોઈ હિંદુ પરિવારનું હતું, પરંતુ બાદમાં અબ્દુલ પરિવારે તેને ખરીદી લીધું હતું.
ગેરકાયદે બાંધકામો પર કાર્યવાહી, બુલડોઝર એક્શનની તૈયારી
PWDના અધિકારીઓએ જણાવ્યું કે, ભૂતકાળમાં પણ આ ગેરકાયદે બાંધકામોની તપાસ કરવામાં આવી હતી. ત્યારે પણ ચેતવણી આપવામાં આવી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હવે ફરી તપાસ કર્યા બાદ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ત્રણ દિવસમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ બાંધકામો નિયમો વિરુદ્ધ સરકારી રોડની વચ્ચોવચથી 60 ફૂટના અંતરે ખાતાકીય પરવાનગી વગર બાંધવામાં આવ્યા હતા.
નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, “ઉપરોક્ત વિષયના સંબંધમાં, એ જણાવવાનું છે કે કુંડાસર મહસી નાનપરા રોડ એ મુખ્ય જિલ્લા માર્ગ શ્રેણીનો માર્ગ છે. વિભાગીય ધોરણો અનુસાર, ગ્રામીણ વિસ્તારોમાં મુખ્ય જિલ્લા માર્ગ પર વિભાગીય પરવાનગી વિના રસ્તાના મધ્યબિંદુથી 60 ફૂટના અંતરમાં કરવામાં આવેલ કોઈપણ બાંધકામ ગેરકાયદે બાંધકામની શ્રેણીમાં આવે છે. તેથી, તમને નોટિસ દ્વારા જાણ કરવામાં આવે છે કે, જો તમે આ બાંધકામ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, બહરાઇચની પરવાનગી અથવા પૂર્વ વિભાગીય પરવાનગીથી કર્યું છે, તો તરત જ તેની અસલ નકલ પ્રદાન કરો અને ત્રણ દિવસમાં આ ગેરકાયદેસર બાંધકામ જાતે દૂર કરો. અન્યથા પોલીસ અને વહીવટીતંત્રની મદદથી ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે. કાર્યવાહીમાં થયેલો ખર્ચ તમારી પાસેથી વસૂલવામાં આવશે.”
વહીવટીતંત્રએ બુલડોઝર કાર્યવાહી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. PWDના કર્મચારીઓ અને પોલીસકર્મીઓ સંયુક્ત રીતે આ અભિયાન હાથ ધરશે. લોકોને ત્રણ દિવસમાં તેમની મિલકતોના માન્ય દસ્તાવેજો રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે, જેથી ગેરકાયદેસર બાંધકામ સામે કાર્યવાહી કરી શકાય. મહસી એસડીએમ અખિલેશ કુમાર સિંઘે જણાવ્યું છે કે, આ અગાઉ પણ અતિક્રમણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી, પરંતુ અતિક્રમણ કરનારાઓએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ વખતે જો સૂચનાનું પાલન નહીં થાય તો ત્રણ દિવસ બાદ ગેરકાયદેસર અતિક્રમણ દૂર કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
કોણ છે અબ્દુલ હમીદ?
બહરાઇચ હિંસામાં મુખ્ય આરોપી તરીકે અબ્દુલ હમીદનો નામજોગ ઉલ્લેખ છે. તેના પર અને તેના પરિવાર પર 13 ઑક્ટોબરે મા દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન ફાટી નીકળેલી હિંસામાં રામગોપાલ મિશ્રાને ગોળી મારીને તેમની હત્યા કરવાનો આરોપ છે. આ કેસમાં અબ્દુલ હમીદ ઉપરાંત અન્ય 6 વ્યક્તિઓ સામે નામજોગ અને 4 અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે હમીદ સહિત તમામ નામજોગ આરોપીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા છે.
કહેવાંઆ આવી રહ્યું છે કે, જે ઘરમાં અબ્દુલ હમીદ તેના પરિવાર સાથે રહે છે, તે ઘર પહેલા હિંદુ પરિવારનું હતું, પરંતુ અબ્દુલ હમીદના પરિવારે તેને ખરીદી લીધું હતું અને હિંદુ પરિવાર બીજે ક્યાંક રહેવા લાગ્યો હતો. ઑપઇન્ડિયા સાથે વાત કરતા તે પરિવારે પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
આ દરમિયાન પ્રશાસને એવો પણ સંકેત આપ્યો છે કે, હિંસામાં સામેલ આરોપીઓની સંપત્તિની તપાસ પણ કરવામાં આવશે. રામગોપાલ મિશ્રાની હત્યા કેસમાં સામેલ તમામ આરોપીઓની સંપત્તિ પર પણ નજર રાખવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં અત્યાર સુધીમાં 87 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
મહારાજગંજમાં હાલ શાંતિ, પરંતુ તણાવ યથાવત
ઉલ્લેખનીય છે કે, 13 ઑક્ટોબર 2024ના રોજ બહરાઈચના મહારાજગંજ કસ્બામાં દુર્ગાપૂજા વિસર્જન યાત્રા દરમિયાન ડીજે પર ગીતો વગાડવાને લઈને વિવાદ શરૂ થયો હતો. પછીથી આ વિવાદ સાંપ્રદાયિક હિંસામાં પરિણમ્યો હતો, જેમાં 22 વર્ષીય રામગોપાલ મિશ્રાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ઘણા લોકો ઘાયલ પણ થયા હતા. હિંસક ટોળાએ ઘણાં ઘરો, દુકાનો, બાઇકો અને કારને સળગાવી દીધી હતી, જેનાથી વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.
13 ઑક્ટોબર 2024ના રોજ થયેલી હિંસા બાદ હાલ મહારાજગંજ બજારમાં શાંતિ છે, પરંતુ તણાવ હજુ પણ અનુભવી શકાય છે. બજારમાં હજી પણ પોલીસ બંદોબસ્ત યથાવત છે, પરંતુ ધંધાકીય પ્રવૃત્તિઓ બંધ છે. હિંસા બાદથી લોકો પોતાના ઘરોમાં ભરાયેલા છે અને બજાર એકદમ ખાલી જોવા મળી રહી છે.