ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના રહેવાસી વિભુ ઉપાધ્યાયે NEETની પરીક્ષામાં અત્યંત પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. નીટમાં 720માંથી 622 ગુણ મેળવનારા વિભુ ઉપાધ્યાયે પોતાની સફળતાનો શ્રેય ગંગા મૈયાની આરાધનાને આપ્યો છે. 15 જાન્યુઆરી, 2019ના રોજ કછલા ગંગા ઘાટ પર નિયમિત ગંગા આરતી શરૂ કરવામાં આવી હતી ત્યારથી જ વિભુ અહીં દરરોજ ગંગા આરતી કરે છે.
વિભુ ઉપાધ્યાયે NEETની પરીક્ષામાં મેળવેલી સફળતાથી તેનો પરિવાર અને કછલા ગામના લોકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. વિભુ પોતાનો કોર્સ પૂર્ણ કર્યા બાદ MBBS ડૉક્ટર બનશે. વિભુના જણાવ્યા અનુસાર, તે ડૉક્ટર બન્યા બાદ પણ ગંગા આરતી કરતો રહેશે અને મૈયાની સેવા કરતો રહેશે કારણકે, આમ કરવાથી તેના મનને શાંતિ મળે છે.
વિભુ ઉપાધ્યાયે કહ્યું હતું કે, “ગંગા મૈયાએ મને લોકોની સેવા કરવા માટે પસંદ કર્યો છે. હું તેમને ક્યારેય નિરાશ નહીં કરું. તેમની કૃપાથી જ હું આજે આ મુકામે પહોંચી શક્યો છું. મારી સફળતાનો શ્રેય મારા માતા-પિતા ઉપરાંત શિક્ષકોને જાય છે. હું અમારા જિલ્લાના પૂર્વ DM ડીકે સિંહને પણ ધન્યવાદ આપું છું કે તેમણે 2019માં ગંગા આરતીના કાર્યક્રમની શરૂઆત કરી હતી.”
જાન્યુઆરી 2019માં જિલ્લાના તત્કાલિન ડીએમ દિનેશ કુમાર સિંહે બદાયૂંના કછલા ઘાટ પર બનારસની તર્જ પર નિયમિત ગંગા આરતી કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જે બાદ બદાયૂંમાં નિયમિત આરતી શરુ કરવામાં આવી હતી. ગંગા આરતી માટે બ્રાહ્મણ અર્ચકોની જરૂર હતી, તેથી એ માટે વિભુએ માતા-પિતાની પરવાનગી લીધી અને અભ્યાસની સાથે દરરોજ સાંજે આરતી પણ કરવા લાગ્યો.
વિભુ ઉપાધ્યાયનું માનવું છે કે, આ પહેલથી તેના જેવા અનેક યુવાનો સનાતન ધર્મ સાથે જોડાયા છે. વિભુએ કહ્યું કે, ગંગા ઘાટ પર જઈને આરતી કરવાથી તેનું મન કેન્દ્રિત રહે છે અને હકારાત્મકતાનો સંચાર થાય છે. તો મા ગંગાની આરતી સંસ્કૃતિ સાથે પણ જોડે છે. દરરોજ એક કલાક ગંગા આરતી કરનારા વિભુએ આ દરમિયાન પહેરવામાં આવતા વસ્ત્રોની પણ પ્રશંસા કરી હતી.
વિભુ ઉપાધ્યાયનો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો, જેમાં તે વરસતા વરસાદમાં ગંગા મૈયાની આરતીમાં ડૂબેલો છે.
आँधी हो या तूफ़ान
— Kapil Mishra (@KapilMishra_IND) June 14, 2023
हर शाम गंगा आरती करने वाले विभु उपाध्याय NEET exam में टॉपर है #Neet #neet2023 pic.twitter.com/E0aIHUZvvh
વિભુ ઉપાધ્યાય છેલ્લા 4 વર્ષથી એટલે કે 9મા ધોરણમાં હતો ત્યારથી જ NEETની તૈયારી કરી રહ્યો હતો. તે દરરોજ રાત્રે 1થી સવારે 5 વાગ્યા સુધી અભ્યાસ કરતો હતો. 12મું ધોરણ પાસ કર્યા બાદ વિભુએ રાજસ્થાનના કોટામાં કોચિંગ ક્લાસ જોઈન કર્યા હતા. વિભુના માતા-પિતાએ પણ દીકરાની સફળતાનું શ્રેય ગંગા મૈયાને આપ્યું હતું.