22 જાન્યુઆરી, 2024ના પાવન દિવસે અયોધ્યા રામ મંદિરમાં પ્રભુ શ્રીરામની દિવ્ય મૂર્તિઓનો વિગ્રહ થવા જઈ રહ્યો છે. ત્યારે રામ મંદિર નિર્માણ કાર્ય પણ ખૂબ ઝડપથી પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે. પ્રભુ શ્રીરામની સોનાની પાદુકા બનીને તૈયાર છે. જે બાદ હવે અયોધ્યા રામ મંદિર ખાતે પ્રથમ સોનાનો દરવાજો પણ લગાવી દેવામાં આવ્યો છે. અયોધ્યામાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે. ત્યારે મંદિરની તમામ વસ્તુઓને પણ ભવ્ય બનાવવામાં આવી રહી છે. રામ મંદિરમાં લગવાયેલ સોનાનો દરવાજો ખૂબ જ આકર્ષક છે. આગામી 3 દિવસમાં રામ મંદિરમાં સોનાના 13 અન્ય દરવાજા પણ લગાવવામાં આવશે.
અયોધ્યા રામ મંદિર ખાતે ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા સમારોહને હવે ગણતરીના દિવસો બાકી છે. તે પહેલાં મંદિરને લગતા અનેક આકર્ષકો રામ ભક્તોની નજરે પડી રહ્યા છે. હવે રામ મંદિરમાં પહેલો સોનાનો દરવાજો પણ લગાવી દેવામાં આવ્યો છે. આ દરવાજો 12 ફૂટ ઊંચો અને 8 ફૂટ પહોળો છે. ગર્ભગૃહમાં માત્ર એક જ દરવાજો મૂકવામાં આવશે. તેના પર હિંદુ ધર્મના પવિત્ર પ્રતીકો પણ કંડારવામાં આવ્યા છે. રામ મંદિરમાં કુલ 46 દરવાજા લગાવવામાં આવશે. જેમાનો પ્રથમ દરવાજો લગાવી દીધો છે. સોશિયલ મીડિયામાં રામ મંદિરનો દરવાજો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
દરવાજાની શું છે વિશેષતા?
રામ મંદિરના પવિત્ર દરવાજા ઉત્તમ નાગર શૈલીનું ઉદાહરણ છે. તેના પર હાથીના ચિત્રો અંકિત કરવામાં આવ્યા છે. જે સ્વાગત અને વૈભવનું પ્રતિક ગણાય છે. આ ઉપરાંત બે સેવક પણ સ્વર્ણ દરવાજા પર જોઈ શકાય છે. એ સિવાય હિંદુ ધર્મમાં પૂજાતા અને પવિત્ર ગણાતા પ્રતીકોને પણ દરવાજા પર કંડારવામાં આવ્યા છે. જેમાં કમળ, હાથી, ઝરૂખા જેવી અદભૂત ડિઝાઈનોનો સમાવેશ થાય છે.
દરવાજાની વર્કશોપમાં કામ કરનાર શેખર દાસે જણાવ્યું છે કે, દરવાજાની ડિઝાઇનમાં તે વાતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે કે, તેમાં ભવ્યતાની ઝલક જોવા મળે. સાથે જ હિંદુ ધર્મમાં જે શુભતાનું પ્રતિક છે, તેવા ચિહ્નોને પણ દરવાજા પર કંડારવામાં આવ્યા છે. તેના માટે મહારાષ્ટ્રથી વિશેષ લાકડાઓ મંગાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, રામ મંદિર અયોધ્યા માટે નિર્માણ થયેલા દરવાજા આગામી 1000 વર્ષો સુધી અડીખમ અને સુરક્ષિત રહેશે. તેના નિર્માણ કાર્યમાં કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં નથી આવી. આ સોનાના દરવાજા હૈદરાબાદની 100 વર્ષ જૂની કંપની અનુરાધા ટિબંર દ્વારા બનાવવામાં આવી રહ્યા છે.