Tuesday, December 3, 2024
More
    હોમપેજરાજકારણPM મોદીની મોહમ્મદ ઘોરી સાથે તુલના, આતંકી લાદેનના ભરપૂર વખાણ...: કાયમ વિવાદોમાં...

    PM મોદીની મોહમ્મદ ઘોરી સાથે તુલના, આતંકી લાદેનના ભરપૂર વખાણ…: કાયમ વિવાદોમાં રહેલા ‘શિક્ષક’ અવધ ઓઝા જોડાયા AAPમાં, કેજરીવાલ-સિસોદિયાએ પહેરાવ્યો ખેસ

    અવધ ઓઝા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે એક જ ગાડીમાં બેસીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરીને સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાઈ ગયા હતા.

    - Advertisement -

    આગામી ફેબ્રુઆરી મહિનામાં દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીઓ થવા જઈ રહી છે. પરંતુ ચૂંટણી પહેલાંના છેલ્લા કેટલાક સમયથી આમ આદમી પાર્ટીની હાલત કફોડી બની રહી છે. મુખ્યમંત્રી બદલવાથી માંડીને નેતાઓના જેલ જવા સુધીની સ્થિતિઓ સર્જાઈ છે. ત્યારે ચૂંટણીઓ પહેલાં અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પાર્ટીની છબી સુધારવા માંગે છે. જે અનુક્રમે હવે તેમણે સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા શિક્ષક અને મોટિવેશનલ સ્પીકર અવધ ઓઝાને (Awadh Ojha) આમ આદમી પાર્ટીમાં જોડી દીધા છે. અવધ ઓઝા અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાની (Manish Sisodia) હાજરીમાં AAPમાં જોડાયા છે.

    સોમવારે (2 ડિસેમ્બર 2024) સવારે જ અવધ ઓઝા પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા સાથે એક જ ગાડીમાં બેસીને પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેઓ અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી પહેરીને સત્તાવાર રીતે પાર્ટીમાં જોડાઈ ગયા હતા. આ દરમિયાન તેમણે અને અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે ચર્ચા પણ કરી હતી.

    અવધ ઓઝા AAPમાં જોડાયા અને ત્યારબાદ તેમણે પત્રકારોને સંબોધતા કહ્યું કે, તેઓ આમ આદમી પાર્ટીની શિક્ષણ નીતિથી પ્રભાવિત છે અને પાર્ટી સાથે જોડાવાનો તેમનો મુખ્ય એજન્ડા શિક્ષણ ક્ષેત્ર જ છે. તેમણે કહ્યું કે, “અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાએ મને રાજનીતિમાં આવીને શિક્ષણ ક્ષેત્રમાં કાર્ય કરવાનો મોકો આપ્યો છે. હું કહેવા માંગીશ કે આ મારા રાજકીય કરિયરની શરૂઆત છે. મારું ફોકસ શિક્ષા ક્ષેત્ર પર જ રહેશે.”

    - Advertisement -

    તો બીજી તરફ અરવિંદ કેજરીવાલે અવધ ઓઝાના પાર્ટીમાં જોડાવવા પર કહ્યું હતું કે, દિલ્હીની શિક્ષા ક્રાંતિથી પ્રભાવિત થઈને શિક્ષણ ક્ષેત્રના દિગ્ગજ અવધ ઓઝા આમ આદમી પાર્ટી પરિવારના સભ્ય બન્યા છે. તેમણે કહ્યું કે, “અમારા પ્રયાસોને આગળ વધારવા માટે AAP પરિવારમાં તેમનું સ્વાગત છે.”

    તાજેતરમાં જ અવધ ઓઝા પર લાગ્યા હતા આપત્તિજનક આરોપ

    નોંધવું જોઈએ કે, ગત ઑગસ્ટ મહિનામાં દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્ર નગરની લાઇબ્રેરીમાં પાણી ભરાઈ જતા ત્રણ વિદ્યાર્થીઓના મોત નિપજ્યાં હતા. તે દરમિયાન જ એક વિદ્યાર્થીનું કરંટ લાગતાં અને એક વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરતા UPSCના વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તે સમયે એક વિદ્યાર્થિનીએ અવધ ઓઝાને ‘ગુંડો’ કહી દીધું હતું.

    વિદ્યાર્થિનીએ તેમના પર ગંભીર આરોપ લગાવતા કહ્યું હતું કે, “તેઓ ભલે ઇતિહાસ ભણાવતા હોય, પરંતુ માત્ર કરવા ખાતર જ જ્ઞાનની વાતો કર્યા કરે છે. તેમનો સિલેબસ પણ પૂરો નથી થતો.” વિદ્યાર્થિનીએ દાવો કર્યો હતો કે, તે અવધ ઓઝા પાસે ભણી ચૂકી છે. તેણે કહ્યું હતું કે, અવધ ઓઝા ક્લાસમાં નીક્કર પહેરીને આવી જતા હતા. તેણે જયારે આ મામલે નારાજગી જતાવી ત્યારે ઓઝાએ હસીને તેની વાત ટાળી દીધી હતી. વિદ્યાર્થિનીએ એમ પણ કહ્યું હતું કે તે, બહુ મોટા ગુંડા છે.

    ઓસામા બિન લાદેનના વખાણ અને પીએમ મોદીની મહોમ્મદ ધોરી સાથે સરખામણી

    આ સિવાય પણ અવધ ઓઝા અવારનવાર નાનામોટા વિવાદોમાં આવતા રહે છે. થોડા સમય પહેલાં તેમનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં તેમણે કુખ્યાત અને ક્રૂર આતંકવાદી ઓસામા બિન લાદેનનું મહિમામંડન કર્યું હતું. અમેરિકાના 9/11 એટેક બદલ તેમણે લાદેનના પેટ ભરીને વખાણ પણ કર્યા હતા.

    આટલું જ નહીં, અન્ય એક વિડીયોમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ક્રૂર ઇસ્લામી શાસક મોહમ્મદ ધોરી સાથે કરી હતી. તેમણે મોદી સરકાર પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે, જો મોદી સરકારમાં ઇમરજન્સી લાગશે તો તેઓ ભારત છોડીને નેપાળ ભાગી જશે.

    ત્યારે હવે આ જ ‘અવધ સર’ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. સોશિયલ મીડિયામાં તેમનું ફેન ફોલોઈંગ ખૂબ છે. આગામી ચૂંટણીઓમાં અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી તેમનો ઉપયોગ કેવી રીતે કરે છે તે હવે જોવું રહ્યું.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં