સોશિયલ મીડિયા પર મંગળવારથી (27 મે) એક ઑડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં અવાજ ગુજરાતના ‘લેખક’ અને કૉલમિસ્ટ જય વસાવડાનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમાં તેઓ કોઈક સાથે રાજકારણ પર ચર્ચા કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ વિશે જે ટિપ્પણીઓ કરે છે, તેના કારણે વિવાદ સર્જાયો છે અને લોકો, ખાસ કરીને ભાજપ સમર્થકો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે ખાનગીમાં આ રીતે મોદી-શાહ વિશે વાત કરતા માણસને ભાજપ-સરકારના કાર્યક્રમોમાં સ્ટેજ શા માટે આપવામાં આવે છે. બીજી તરફ, જય વસાવડાએ ક્લિપને ‘એડિટેડ’ ગણાવી દીધી છે.
છેલ્લા થોડા કલાકથી ઝડપથી વાયરલ થયેલા આ લગભગ ચારેક મિનિટના ઑડિયોમાં જય વસાવડા કહે છે કે, “લોકો કહે છે કે આપણે સરકાર વિરુદ્ધ નથી લખતા પણ હમણાં જ ટેક્સ પર સરકારની વિરુદ્ધ લખ્યું હતું અને મોદી ‘જોતો’ (તુંકારે) પણ હશે છતાં તેણે સિલ્વર પાસ મોકલ્યું. “આગળ કહે છે કે, “ટેક્સ પર આટલો આકરો લેખ લખ્યો તોપણ ‘મન કી બાત’માં મને જ બોલાવ્યો હતો.”
"મોદી વિરુદ્ધ લેખ લખ્યા….મોદી જોતો જ હશે.. તો ય મને કાર્ડ મોકલાવ્યું… VVIP પાસ. સિલ્વર. આગળની બે લાઇનમાં બેસવાનું… અને મન કી બાત માં પણ બોલાવ્યો મને….(ટીખળી હાસ્ય)"
— Prapti Buch (@i_m_prapti) May 27, 2025
આ શબ્દો ઘમંડી, તોછડા અને લખોટાછાપ જય વસાવડાનાં છે. આ સ્વઘોષિત, અહમ્ બ્રહ્માસ્મિ લેખકને એની જગ્યા બતાવવાનો… pic.twitter.com/g4yArXcQn7
આગળ પણ મોદી વિશે તુંકારો ચાલુ જ રાખે છે અને કહે છે કે, “આપણે તો હિંદુત્વના મુદ્દે પણ કેટલું આકરું-આકરું લખ્યું છે….જોકે મોદી તો હિંદુત્વવાદી છે જ નહીં ને…ઓલો (તોગડિયા વિશે તુંકારો) એમ જ કહે છે ને કે મોદી હિંદુત્વવાદી છે જ નહીં.” ઑડિયોમાં આગળ એમ પણ કહે છે કે મોદીને ક્યારે શું કરવું એની આવડત છે અને હિંદુ-મુસ્લિમવાળું કે દાઉદવાળું કશુંક કાઢશે અને મુદ્દો ભટકાવી દેશે.
આગળ વસાવડા કોઈક ‘સરકારવિરોધી લેખ’નો ઉલ્લેખ કરીને કહે છે કે તેનું શું કરવું જોઈએ. જવાબમાં સામેની વ્યક્તિ તેમને હાલ ન લખવાની સલાહ આપે છે. સાથે શ્રેયાંશભાઈનો (સંભવતઃ ગુજરાત સમાચારના તંત્રી શ્રેયાંશ શાહ) પણ ઉલ્લેખ આવે છે. અહીં જય વસાવડા અમિત શાહનો ઉલ્લેખ કરે છે.
તેઓ કહે છે, “એક વખત તો આપણે અમિત શાહની કુંડળી પણ કાઢી લીધી હતી (હાસ્ય) પણ શ્રેયાંશભાઈએ છાપ્યો જ નહીં.” આગળ કહે છે કે, “ત્યારે તો ઓલો જેલમાં જવાનો હતો ત્યારે આપણે કચકચાવીને લખ્યું હતું. ‘પ્રપંચતંત્ર’ મને હજુ યાદ છે, એ લેખનું ટાઇટલ પણ મેં આપ્યું હતું.”
ત્યારબાદ પણ ભાજપ-કોંગ્રેસના ઉલ્લેખ સાથે અમુક ચર્ચા થાય છે. લગભગ 4 મિનિટ 44 સેકન્ડનો આ ઑડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ભાજપ-સરકાર સમર્થકોમાં આક્રોશ, પાર્ટીમાંથી પણ ઉઠી માંગ
આ ઑડિયો વાયરલ થયા બાદ ભાજપ અને મોદી સમર્થકોમાં આક્રોશ છે અને તેનું કારણ એ છે કે જય વસાવડા ફેસબુક અને જાહેરમાં મોદીની પ્રશંસા ઘણી વખત કરી ચૂક્યા છે, ઘણા સરકારી કાર્યક્રમોમાં પણ જોવા મળે છે, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યક્રમોમાં પણ જઈ ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે તેઓ અંદરખાને તેઓ શીર્ષ નેતૃત્વ વિશે આ પ્રકારની ટિપ્પણીઓ અને ગતિવિધિઓ કરે છે અને ઉપરથી અભિમાન પણ કરે છે કે તેઓ મોદી અને શાહની વિરુદ્ધ લખે છે છતાં તેમને સરકાર તરફથી આમંત્રણો આપવામાં આવે છે.
સમર્થકો તરફથી સોશિયલ મીડિયા પર હવે એક જ માંગ ઉઠી રહી છે કે સરકાર આવા માણસોને ઓળખી લે અને મોદી અને શાહ વિશે આ પ્રકારની ટિપ્પણીઓ સાંખી લેવામાં નહીં આવે. અગાઉથી તેમને સરકારી કાર્યક્રમો આપવામાં ન આવે તેવી માંગ પણ ઉઠી રહી છે. જોકે પાર્ટીમાંથી પણ અમુક નેતાઓએ આ મુદ્દો ઉઠાવ્યો છે.
ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા મહામંત્રી સનમ પટેલે એક પોસ્ટમાં લખ્યું કે, આ સાંખી લેવાય તેવી બાબત નથી અને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી શાહ મોભી સમાન છે, તેમના માટે વાપરવામાં આવેલા શબ્દો માટે જય વસાવડાએ બિનશરતી માફી માંગવી જોઈએ.
આ સાંખી લેવાય તેવી બાબત નથી!
— Dr Sanam Patel (@drsanampatel) May 27, 2025
આદરણીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ ઋષિ તુલ્ય છે અને શ્રી @AmitShah સાહેબ આપણા મોભી સમાન છે. તેમના માટે જે શબ્દો વાપર્યા છે તે અસહનીય છે. @jayvasavada તમારામાં માણસાઈ હોય તો બિન શરતી માફી માંગો. https://t.co/L3b6K55SFN
આ સિવાય પણ અનેક યુઝરોએ વાયરલ ક્લિપની ટીકા કરીને સવાલો ઉઠાવ્યા છે. દરમ્યાન, ફેસબુક અને મીડિયામાં પણ ખાસ્સી ચર્ચા થઈ રહી છે.
@YagneshDaveBJP આવું કેમ બોલી રહ્યા છે આપ તો સોશિયલ મીડિયા હેડ છો. શું આ ક્લિપ સાચી છે? @BJP4Gujarat હજુ VVIP આમંત્રણ આપો આ લોકોને , સમર્થક અને વોટ આપનાર તો VVIP ની આશા જ રાખતા નથી એ તો નિસ્વાર્થ કામ કર્યે જાય છે. આ લોકોને આરામથી મળી જાય છે આંમત્રણ, @rajnipatel_mla @ratnakar273
— GURU MASTERJi (@GuruMasterji) May 28, 2025
Please take a serious note of this@BJP4Gujarat @BJP4India @Bhupendrapbjp
— Dessie Aussie 🇮🇳🇭🇲 (@DessieAussie) May 27, 2025
Its high time to distance urself from this low life cheap Jay vasavada. https://t.co/Q4g8UNRk4f
લેખકનો ઑપઇન્ડિયાની વાતચીતમાં દાવો– ઑડિયો એડિટેડ, હું પ્રતિક્રિયા નહીં આપું
આમ તો અવાજ પરિચિત જ લાગે છે અને બોલવાની લઢણમાં પણ સમાનતા જણાય છે પરંતુ તેમ છતાં જ્યારે આ મામલે જય વસાવડાનો પક્ષ જાણવા માટે ઑપઇન્ડિયાએ તેમનો સંપર્ક કર્યો તો તેમણે કહી દીધું કે વાયરલ ક્લિપ ‘એડિટેડ’ છે. સાથે કહ્યું કે આ રીતની એડિટેડ ક્લિપ પર તેઓ કોઈ પ્રતિક્રિયા નહીં આપે અને અવગણવાનું જ પસંદ કરશે. જોકે તેમણે જાહેરમાં આ વિશે કોઈ સ્પષ્ટતા કરી હોવાનું ધ્યાને આવ્યું નથી.