ઉમેશ પાલ હત્યાકાંડના આરોપી અસદ અને ગુલામ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા છે. ગેંગસ્ટર અતિક અહમદનો દીકરો અસદ અને તેનો સાથી શૂટર મોહમ્મદ ગુલામ ઉમેશ પાલની હત્યા બાદ ફરાર હતા. 13 એપ્રિલના રોજ સવારે ઝાંસીમાં બંનેને ઠાર કરવામાં આવ્યા હતા. એ દિવસે પ્રયાગરાજની CJM કોર્ટમાં હાજર અતિક અહમદને પુત્રના એન્કાઉન્ટરના સમાચાર મળતાં જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.
અતિક અહમદને અસહજ જોઈને ભાઈ અશરફે તેને સંભાળ્યો હતો. અતિક અને અશરફને 4 દિવસના પોલીસ રિમાન્ડમાં મોકલવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણય અને પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને અતિક માત્ર એટલું જ કહી શક્યો કે- ‘આ બધું મારા કારણે થયું છે’.
અસદ અને ગુલામ એન્કાઉન્ટરમાં માર્યા ગયા બાદ તેમના પાડોશમાં સન્નાટો
CJM કોર્ટથી લગભગ 10 કિમી દૂર ચકિયામાં અતિકના ઘરની આસપાસ સન્નાટો પથરાઈ ગયો છે. અતિકના પરિવારજનો ઉપરાંત પાડોશીઓ પણ અસદના એન્કાઉન્ટરથી ચોંકી ગયા છે. દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, અસદ અને ગુલામ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે એ સાંભળીને કેટલાક પાડોશીઓએ ખેદ વ્યક્ત કર્યો હતો, તો કેટલાકે બંનેને ભૂલની સજા મળી એવું નિવેદન આપ્યું હતું.
રાબિયા નામની એક 60 વર્ષની વૃદ્ધાએ રડતાં-રડતાં એવું કહ્યું કે, “અસદ નવયુવાન હતો. તેનાથી ભૂલ પણ થાય તો તેને સુધરવાનો મોકો મળવો જોઈતો હતો. વધુમાં વધુ ઉંમર કેદ આપી દીધી હોત, પરંતુ તેને તો ખતમ જ કરી નાખવામાં આવ્યો. આ તો કેવી રીત છે?’
‘અસદને એના કર્મોની સજા મળી’
અતિકની કોઠીથી લગભગ 300 મીટર દૂર ચકિયા બજારમાં કપડાની દુકાન ધરાવતા મો. અબ્બાસ અલી કહે છે, “આ જ શેરીઓમાં અમે અસદને રમતો જોયો છે. તે અતિકના પાંચ દીકરાઓમાં સૌથી હોશિયાર હતો. તે હંમેશા અબ્બૂની વાત માનતો. પરંતુ જ્યારથી અતિક જેલ ગયો, આખો પરિવાર વિખેરાઈ ગયો. સૌથી વધુ બાળકો પ્રભાવિત થયા. અલી અને ઉમર પહેલાંથી જ જેલમાં હતા. ઘરવાળા જેલમાં ગયા એટલે અસદને બંદૂક ઉઠાવવી પડી. નાની ઉંમરે તેનું આમ જવું સારું નથી લાગતું, પણ તેને એક દિવસ તો એના કર્મોની સજા મળવાની જ હતી. એ આજે મળી ગઈ.”
‘જેવું કરો તેવું ભરો’
અસદના ઘર નજીકથી પસાર થતાં વૃદ્ધ કૈલાશ વર્માએ એન્કાઉન્ટરને લઈને જણાવ્યું કે, “આ બધી સરકારની માયા છે. સરકાર જે પણ કરે છે, સારું કરે છે. ખરાબ કામનું પરિણામ ખરાબ જ હોય છે. એટલે જે પણ થયું યોગ્ય થયું.” કૈલાશ વર્માએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના એ નિવેદનને પણ યાદ કર્યું જેમાં તેમણે માફિયાને માટીમાં મેળવવાની વાત કરી હતી. તેમણે એવું પણ જણાવ્યું કે સમગ્ર ચકિયામાં જ્યાં-જ્યાં પડી ગયેલા ઘરો દેખાય છે, એ બધા અતિકના સંબંધીઓના જ છે.
ચકિયાના 80% લોકોએ એન્કાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપવાની ના પાડી
ચકિયા બજારથી કસારી-મસારી રોડ પર આવેલો આખો વિસ્તાર એક સમયે અતિકના પ્રભાવમાં હતો. અહીં અલ હસન ફારૂકી ગર્લ્સ ઇન્ટર કોલેજ સામે અતિકનું વિશાળ મકાન છે. આ જ ઘરમાં તેનો દીકરો રહેતો હતો. 2020માં આ મકાનને પાડી નાખવામાં આવ્યું હતું. હવે અહીં અતિકના પાલતુ કૂતરા રહે છે, જેની સંભાળ NGO કરી રહ્યું છે.
આ વિસ્તાર ચકિયાના બાકીના વિસ્તાર કરતાં અલગ નીકળ્યો. અહીના મોટાભાગના લોકો એન્કાઉન્ટર અંગેનો સવાલ સાંભળીને ભડકી ગયા હતા.
ગુલામ મોહમ્મદનો પરિવાર ગાયબ થઈ ગયો
પ્રયાગરાજના રસૂલાબાદ વિસ્તારમાં એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા શૂટર ગુલામ મોહમ્મદનું ઘર છે. એક મહિના પહેલા સુધી ગુલામ અને તેનો પરિવાર અહીં રહેતો હતો. ઉમેશ પાલ હત્યાકાંડ બાદ તેમનું ઘર તોડી પાડવામાં આવ્યું ત્યારથી જ પરિવાર ગાયબ છે.
આ વિસ્તારમાં મીઠાઈની દુકાન ધરાવતા રામલખને કહ્યું કે, “ગુલામની અમ્મી ખુશનુદા સરળ સ્વભાવની મહિલા છે. તેનો ભાઈ રાહિલ ભાજપનો નેતા છે. ગુલામ ઘણી વખત સાંજના સમયે અહીં આવીને લોકો સાથે વાતો કરતો હતો. પરંતુ અમે જ્યારે ઉમેશ પાલની હત્યામાં તેનું નામ સાંભળ્યું ત્યારે ખબર પડી કે એ અતિકનો શૂટર છે.’ તો અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું કે, ગુલામે જે કર્યું એની સજા ક્યારેક તો એને મળવાની જ હતી.
ગુલામના ભાઈએ કહ્યું- ‘ભાઈ લાયક કોઈ કામ પણ કરવું જોઈતું હતું’
જ્યારે ગુલામ મોહમ્મદનું નામ ઉમેશ પાલ એન્કાઉન્ટરમાં સામે આવ્યું તો તેના ઘરને ગેરકાયદે કહીને તેના પર બુલડોઝર ચલાવી દેવામાં આવ્યું હતું. આ અંગે ગુલામના ભાઈ રાહિલ હસને કહ્યું હતું કે, ગુલામે તો અમને રસ્તા પર લઈ આવ્યો. એ ભાઈ છે, પણ ભાઈને લાયક કામ પણ કરવું જોઈતું હતું. રાહિલે કહ્યું કે, “ભાઈએ અમારા પરિવારનું નામ કલંકિત કરી નાખ્યું. અમારા પરિવારે પહેલેથી નક્કી કરી લીધું છે કે એન્કાઉન્ટરની સ્થિતિમાં અમે તેનો મૃતદેહ લેવા નહીં જઈએ.”
ઉમેશ પાલની હત્યાના આરોપી હતા
ગત 24 ફેબ્રુઆરી, 2023ના રોજ રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યા કરી નાખવામાં આવી હતી. આ કેસમાં અતિક અહમદના પુત્ર અસદનું નામ ખૂલ્યું હતું. હત્યાકાંડ બાદ તે અને તેના સાગરીતો ફરાર હતા. અસદ અને ગુલામનું એન્કાઉન્ટર થયું એ પહેલા બે આરોપીઓના એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે.