ઉત્તર પ્રદેશના ઉમેશ પાલ હત્યાકાંડ બાદ સતત ચર્ચામાં રહેતા માફિયા ગેંગસ્ટર અતિક અહમદને લેવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ ગુજરાત પહોંચી છે. તેને યુપી લઇ જવામાં આવે તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે.
#AtiqAhmed
— Zee Uttar Pradesh Uttarakhand (@ZEEUPUK) March 26, 2023
साबरमती सेंट्रल जेल पहुंची यूपी एसटीएफ
उमेश पाल हत्याकांड में अतीक अहमद से कर सकती है पूछताछ
अतीक अहमद को वापस भी ला सकती है यूपी एसटीएफ #atiqueahmad #UPSTF@shukladeepali15 pic.twitter.com/BkLt9qCNP0
અતિક અહમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં સજા કાપી રહ્યો છે. જેની પૂછપરછ કરવા માટે યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની એક ટીમ આજે અમદાવાદ પહોંચી હતી. યુપી પોલીસની બે મોટી ગાડીમાં પોલીસનો કાફલો આવ્યો છે. હથિયારબંદ પોલીસકર્મીઓ પણ સામેલ છે.
પૂછપરછ બાદ અતિક અહમદને ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, યુપી પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી. રિપોર્ટ્સ અનુસાર, અતિકને રોડમાર્ગે મધ્ય પ્રદેશ થઈને ઉત્તર પ્રદેશ લઇ જવામાં આવશે.
તાજેતરમાં જ ગુજરાત પોલીસે હાથ ધર્યું હતું સર્ચ ઓપરેશન
શુક્રવારે (24 માર્ચ, 2023) રાત્રે જ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીના આદેશથી ગુજરાત પોલીસે રાજ્યની 17 જેટલી જેલમાં એકસાથે દરોડા પાડીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન સાબરમતી જેલમાં પણ તપાસ કરવામાં આવી હતી, જ્યાં અતિક અહમદ કેદ છે.
જૂન, 2019થી ગુજરાતની જેલમાં બંધ છે અતિક અહમદ
અતિક અહમદને જૂન, 2019માં સાબરમતી જેલ લાવવામાં આવ્યો હતો, ત્યારથી તે અહીં બંધ છે. પહેલાં તે ઉત્તર પ્રદેશની જેલમાં બંધ હતો, જ્યાંથી સુપ્રીમ કોર્ટના આદેશ બાદ હવાઈ માર્ગે અમદાવાદ સાબરમતી જેલમાં ખસેડવામાં આવ્યો હતો. તેણે જેલમાં રહીને જ રિયલ એસ્ટેટ બિઝનેસમેન મોહિત જાયસ્વાલનું અપહરણ કરાવ્યું હતું. જે મામલે આરોપો સાબિત થયા બાદ સુપ્રીમ કોર્ટે તેને ગુજરાતની જેલમાં ખસેડવાનો આદેશ આપ્યો હતો.
ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપી
હત્યા, ખંડણી, અપહરણ સહિતના અનેક ગુનાઓમાં સંડોવાયેલો માફિયા અતિક અહમદ તાજેતરના ઉમેશ પાલ હત્યાકાંડમાં પણ આરોપી છે. ગત ફેબ્રુઆરીમાં યુપીના પ્રયાગરાજમાં ઉમેશ પાલ નામના એક વ્યક્તિની હત્યા કરી નાંખવામાં આવી હતી, જેમાં અતિક અહમદ અને તેના પુત્રનું નામ પણ ખુલ્યું હતું. તેનો પુત્ર હુમલો કરવામાં સામેલ હતો. ઉમેશ પાલ 2006ના રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી હતા. રાજુ પાલ હત્યા કેસમાં પણ અતિક અહમદ આરોપી છે.