આસામ પોલીસે એક યુવકની અટકાયત કરી છે. અલ્તાપ હુસૈન નામનો આ યુવક સોશિયલ મીડિયા પર ગીતો ગાઈને અપલોડ કરતો રહેતો હોય છે. સમસ્યા ત્યાં છે કે આ અલ્તાપ હુસૈન પોતાના ગીતો દ્વારા આસામમાં દ્વારા સ્થાનિક સમુદાયો વચ્ચે ઘૃણા અને નફરત ઉભી કરવાનો પ્રયત્ન કરતો રહે છે. તાજેતરમાં જ તેણે ગાયક કલાકાર એથુન બાબુ અને મૌસમીના બાંગ્લાદેશ વિરુદ્ધ ‘દેશ તોમર બાપર નાકી’ (દેશ તમારા બાપનો નથી)ની તર્જ પર એક આપત્તિજનક ગીત બનાવ્યું અને તે મામલામાં જ તેની અટકાયત કરવામાં આવી છે.
મહત્વની વાત તે છે કે અલ્તાપ હુસૈને સમુદાયો વચ્ચે ઝેર ફેલાય તેવું ગીત એવા સમયમાં ગાયું, જ્યારે નાગાંવ જિલ્લામાં ત્રણ મુસ્લિમ યુવકોએ સગીર બાળકીનો બળાત્કાર કર્યો હોવાની ઘટના તાજેતરમાં જ સામે આવી હતી. આ ઘટના બાદથી જ ‘મિયાં’ (બાંગ્લાદેશથી આસામ આવીને વસેલા મુસ્લિમોને ‘મિયાં’ મુસ્લિમો કહે છે) અને સ્થાનિક સમુદાયો વચ્ચે તણાવભર્યો માહોલ છે અને અલ્તાપ હુસૈને બનાવેલું ગીત તે તણાવમાં વધારો કરનારું છે. હાલ પોલીસે તેના વિરુદ્ધ BNSની ધર્મ અને જાતિઓ વચ્ચે દુશ્મનાવટનો વધારો કરવા અને કોઈ વર્ગ કે ધાર્મિક વિશ્વાસોના અપમાન કરીને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાની કલમ 196/299 કેસ દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની અટકાયત કરવામાં આવી છે અને ઝડપથી તેની ધરપકડ કરી લેવામાં આવશે.
એવું તો શું છે અલ્તાપ હુસૈનના ગીતમાં?
અહીં એ જાણવું પણ જરૂરી છે કે અલ્તાપના ગીતમાં એવું તો શું છે કે આજે તેને જેલના સળિયા ગણવાનો વારો આવી પડ્યો છે. અલ્તાપે આ ગીતથી આસામમાં આવીને વસેલા ‘મિયાં’ (બાંગ્લાદેશથી આવેલા મુસ્લિમો) વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તે આ ગીતમાં કહી રહ્યો છે કે, “શું આસામ તમારા બાપની જમીન છે કે તમે કાયમ મિયાંઓને ભગાડવા ઈચ્છો છો? અને દર અપરાધમાં તમે મિયાંમાં જ કેમ દોષ શોધો છો.”
અહીં તે પણ નોંધવું જરૂરી છે કે તાજેતરમાં જ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ નિવેદન આપ્યું હતું કે તેઓ ‘મિયાં’ને રાજ્ય પર કબજો નહીં કરવા દે. તેમણે આ વાત વિધાનસભામાં 14 વર્ષીય બાળકી પર થયેલા બળાત્કાર વિશે બોલતા કહી. તેમણે મહિલાઓ વિરુદ્ધ અત્યાચારો ટાળવા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની વાત કરી હતી અને આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું છે.
ગેંગ રેપ બાદ વિરોધ પ્રદર્શન
વાસ્તવમાં, આસામના ધીંગ શહેરમાં 22 ઑગસ્ટ, 2024ના રોજ 8મા ધોરણમાં ભણતી એક સગીર બાળકી સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ગેંગરેપનો આરોપ મુસ્લિમ સમુદાયના 3 લોકો પર લાગ્યો હતો. આ ઘટનાથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શિત થયો હતો અને લોકોએ ‘મિયાં’ સમુદાય વિરુદ્ધ મોરચો માંડ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સામેલ કેટલાક સંગઠનોએ મિયાં મુસ્લિમોને આસામ ખાલી કરવા માટે અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
પ્રદર્શન કરી રહેલા લોકોએ મિયાંને સમાજ માટે નાસૂર કહીને સાત દિવસનું અલ્ટીમેટમ આપીને તેમને રાજ્ય છોડી દેવા નિર્દેશ આપ્યા હતા. તાઈ અહોમ યૂથ કાઉન્સિલ નામના સંગઠને આ મામલે આકરી પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, “આખી ઘટનાને મિયાં મુસ્લિમોએ અંજામ આપ્યો છે. મિયાં હવે આસામ માટે નાસૂર બની ગયા છે. નીચલા આસામમાં પણ ઘણા મિયાં મુસ્લિમો છે. તેઓ બળાત્કાર, લૂંટ, માદક દ્રવ્યોની હેરાફેરી જેવા ગુનાઓમાં સંડોવાયેલા છે. લોકો તેમનાથી ખૂબ જ પરેશાન છે.”
આ સાથે જ આસામથી કોંગ્રેસના ધારાસભ્ય અબ્દુર રાશિદ મંડલે મિયાં મુસ્લિમોને હાંકી કાઢવાની જાહેરાત કરતાં સંગઠનોને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે વિરોધીઓ મિયાંને ઉપલા આસામમાંથી નહીં હટાવી શકે. ધીંગની ઘટનાને લઈને અબ્દુર રશીદે વધુમાં કહ્યું હતું કે, કેટલાક લોકોની ભૂલો માટે દરેકને જવાબદાર ઠેરવી શકાય નહીં.