આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) ફરી એક વાર તેમના અસલ મિજાજમાં જોવા મળ્યા. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં (Bangladesh) સત્તા ઉથલાવ્યા બાદ ત્યાંના હિંદુઓ ત્યાં જ રહીને લડી રહ્યા છે, જ્યારે મુસ્લિમો ભારતમાં ઘૂસણખોરી (Infiltration of Bangladeshi Muslims) કરી રહ્યા છે. તેમણે આંકડા આપતાં જણાવ્યું કે છેલ્લા એક મહિનામાં આસામમાં 35 બાંગ્લાદેશી ઘૂસણખોરો ઝડપાયા છે અને તેમાં એક પણ હિંદુ નથી, તમામ મુસ્લિમ છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આસામ પોલીસે છેલ્લા એક મહિનામાં 35 બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા એક પણ વ્યક્તિ પાસે પાસપોર્ટ નથી, તેઓ ગેરકાયદેસર રીતે આસામમાં ઘૂસી આવ્યા હતા. તાજી ઘટનાની માહિતી આપતાં તેમણે જણાવ્યું કે કરીમગંજ ખાતેથી તાજેતરમાં જ 2 લોકો ઝડપાયા છે અને તેમને પરત બાંગ્લાદેશ મોકલી આપવામાં આવ્યા છે. આટલું જ નહીં, બાંગ્લાદેશી મુસ્લિમો શા માટે ભારતમાં આવી રહ્યા છે તેના પર પણ તેમણે નિવેદન આપ્યું હતું.
તાજેતરમાં ઝડપાયેલા બંને બાંગ્લાદેશી હિંદુ નહોતા, બેંગલોર જઈ નોકરી કરવા માંગતા હતા
મુખ્યમંત્રી મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ પોતાના X હેન્ડલ પર એક પોસ્ટ કરીને તાજેતરમાં ઝડપાયેલા બાંગ્લાદેશી નાગરિકો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે જે લોકો ઝડપાયા છે તેમાંથી એક પણ હિંદુ નથી. તેમની પોસ્ટ અનુસાર આ બાંગ્લાદેશીઓની ઓળખ માસુમ ખાન અને સોનિયા અખ્તર તરીકે થઈ છે. તેઓ આસામથી થઈને કર્ણાટક જવા માંગતા હતા. તેઓ માધોપુર-અગરતલા રૂટ પરથી ભારતમાં ઘૂસ્યા હતા.
સીએમ સરમાના જણાવ્યા અનુસાર આ બંને લોકો બેંગલોર અથવા કોયમ્બટૂર જઈને ટેકસટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા માંગતા હતા. આસામ પોલીસે તેમને બદરપુર રેલવે સ્ટેશનેથી ઝડપ્યા હતા.
Two Bangladeshi nationals were apprehended at Badarpur railway station by @assampolice. The apprehended individuals were identified as
— Himanta Biswa Sarma (@himantabiswa) August 24, 2024
1. Masum Khan,Modelganj Police Station in Bangladesh,
2. Sonia Akhtar, Dhaka, Bangladesh.
They reportedly entered India through the Madhoppur… pic.twitter.com/N59iX8MqQ3
હિંદુઓ બાંગ્લાદેશમાં રહીને પોતાની માતૃભૂમિ માટે લડી રહ્યા છે: સીએમ સરમા
સીએમ સરમાના જણાવ્યા અનુસાર માત્ર મુસ્લિમો જ ઘૂસણખોરી કરી રહ્યા છે, તેમણે કહ્યું હતું કે, “જો બાંગ્લાદેશથી હિંદુઓ ભારત આવવા માંગતા હોત તો તેઓ ભાગલા સમયે જ આવી ગયા હોત. તેઓ બાંગ્લાદેશને પોતાની માતૃભૂમિ માને છે અને એટલે જ તેઓ ત્યાં રહીને લડી રહ્યા છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આપણે તેમનું સન્માન કરવું જોઈએ. અમે વડાપ્રધાન મોદીને કહ્યું છે કે તેઓ હિંદુઓની સલામતી સુનિશ્ચિત કરવા બાંગ્લાદેશ સરકાર પર દબાણ લાવે. બાંગ્લાદેશમાં અસ્થિરતા હોવા છતાં હિંદુઓએ ત્યાંથી ભાગીને આવીને ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો નથી. છેલ્લા એક મહિનામાં એક પણ હિંદુ વ્યક્તિ ભારતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો નથી.”
બાંગ્લાદેશમાં આંદોલનના નામે સરકાર ઉથલાવી, હિંદુઓ વિરુદ્ધ હિંસા
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશમાં અનામતના વિરોધના નામે વિદ્યાર્થીઓને આગળ કરીને આંદોલનો થયાં હતાં. બાદમાં એનું અસલ સ્વરૂપ સામે આવ્યું અને આંદોલને સરકાર વિરોધી હિંસાનું સ્વરૂપ ધારણ કર્યું. સરકાર ઉથલાવી દેવામાં આવી અને ત્યારબાદ હિંદુઓ પર બાંગ્લાદેશી કટ્ટરપંથીઓ દ્વારા હુમલાની સેંકડો ઘટનાઓ સામે આવી. હિંદુઓના ઘરો પર હુમલા, મંદિરોમાં તોડફોડ, લૂંટ, મહિલાઓના અપહરણ, તેમની સાથે બળાત્કાર અને હત્યા સહિતના હિંસાના અનેક મામલાઓ સામે આવ્યા હતા.