29 ઓગસ્ટે મુસ્લિમ નિકાહ અને તલાક રજીસ્ટ્રેશન બિલ 2024 પસાર કર્યા બાદ આસામ (Assam) સરકાર દ્વારા બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આસામ વિધાનસભા દ્વારા દર શુક્રવારે નમાજ માટે આપાતા 2 કલાકના વિરામને રદ કરવામાં આવ્યો હતો. વિરામ આપવાનો નિયમ સ્વતંત્રતા પહેલાં 1937માં બનાવવામાં આવ્યો હતો. આ મામલે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ (Himanta Biswa Sarma) માહિતી આપી હતી. તેમણે આ ઐતિહાસિક નિર્ણય માટે વિધાનસભાના અધ્યક્ષ અને ધારાસભ્યોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
30 ઓગસ્ટે આસામ વિધાનસભાએ કાર્યપ્રણાલીના નિયમ 11માં સુધારો કર્યો હતો. આ નિયમ ગૃહના સત્ર અને બેઠકો માટે બનાવવામાં આવેલ છે. આ નિયમ અનુસાર વિધાનસભાનું સત્ર શુક્રવાર અને શનિવાર સિવાયના દિવસોમાં સવારે 9:30 કલાકથી બપોરે 2:00 કલાક સુધી ચાલતું હતું. જ્યારે દર શુક્રવારે ગૃહનું સત્ર સવારે 9:30 કલાકથી 11:30 કલાક દરમિયાન યોજાતું. આ બાદ નમાજ માટેના 2 કલાકના વિરામ બાદ ફરીથી બપોરે 3:00 વાગ્યાથી સાંજે 5:00 કલાક સુધી સત્રની કાર્યવાહી ચાલતી હતી. વિરામ નમાજ માટે હતો એવો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નિયમમાં હતો નહીં, પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો આ વિરામનો ઉપયોગ નમાજ પઢવા માટે કરતાં હતા. નિયમ 11માં સુધારા બાદ, અને વિરામને રદ કર્યા બાદ હવેથી વિધાનસભાની કાર્યવાહી શુક્રવારે પણ સામાન્ય દિવસોની જેમ જ કરવામાં આવશે.
CM હિમંતાએ માન્યો અધ્યક્ષનો આભાર
આ અંગે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોશિયલ મીડિયા માધ્યમ X પર પોસ્ટ કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે, “આસામ વિધાનસભાની ઉત્પાદકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યના કોલોનિયલ બોજને હટાવવા માટે, દર શુક્રવારે જુમ્મા માટે થઈને સદનને 2 કલાક માટે સ્થગિત કરતાં નિયમને રદ કરવામાં આવ્યો છે.” તેમણે કહ્યું હતું કે “આ પ્રથા 1937 પહેલા મુસ્લિમ લીગના સૈયદ સાદુલ્લાહ દ્વારા શરૂ કરવામાં આવી હતી.”
असम विधानसभा की उत्पादकता को बढ़ाने के उद्देश्य से राज्य के औपनिवेशिक बोझ को हटाने के लिए, प्रति शुक्रवार सदन को जुम्मे के लिए 2 घंटे तक स्थगित करने के नियम को रद्द किया गया।
— Himanta Biswa Sarma (@himantabiswa) August 30, 2024
यह प्रथा 1937 में मुस्लिम लीग के सैयद सादुल्लाह ने शुरू की थी।
भारत के प्राचीन धर्मनिरपेक्ष मूल्यों…
વધુમાં તેમણે આભાર પ્રગટ કરતાં કહ્યું હતું કે, “ભારતના પ્રાચીન બિનસાંપ્રદાયિક મૂલ્યોને જાળવી રાખવા પ્રયાસ કરવા બદલ આસામ વિધાનસભાના માનનીય અધ્યક્ષ બિસ્વજિત દૈમરી તમારો અને માનનીય સભ્યોનો આભાર.”
ઉલ્લેખનીય છે કે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ મુદ્દો વિધાનસભા અધ્યક્ષ બિસ્વજીત દૈમરી દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. અધ્યક્ષ અનુસાર બંધારણ બિનસાંપ્રદાયિક છે, તેથી આ બાબતને ધ્યાનમાં રાખીને, વિધાનસભાની કાર્યવાહી શુક્રવારે પણ અન્ય દિવસોની જેમ જ થવી જોઈએ. આ પ્રમાણે ગૃહની નિયમો સમિતિ સમક્ષ એક દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેના પર સમિતિએ સર્વાનુમતે નિયમને રદ કરવા માટે સંમતિ આપી હતી. તથા વર્તમાન નિયમમાં સુધારો કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી.
નોંધનીય છે કે આ અગાઉ આસામ વિધાનસભા દ્વારા મુસ્લિમ નિકાહ અને તલાક માટે રજીસ્ટ્રેશન કરવા બાબલે પણ કાયદો બનાવવામાં આવ્યો હતો. જે અનુસાર હવેથી મુસ્લિમ નિકાહ અને તલાકનું રજીસ્ટ્રેશન કાજી નહીં પરંતુ સરકાર જ કરી શકશે. તથા સગીરા સાથે વિવાહના રજીસ્ટ્રેશનને કાયદાકીય ગુનો ગણવામાં આવ્યો હતો.