સુરેખા યાદવે, જે એશિયાના પ્રથમ મહિલા લોકો પાઇલટ બનવાનું ગૌરવ ધરાવે છે, તેમણે વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. સુરેખાએ સોમવારે (13 માર્ચ 2023) સોલાપુરથી યોગ્ય સમયે વંદે ભારત એક્સપ્રેસ ચલાવી અને યોગ્ય સમયની 5 મિનિટ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) પર પહોંચાડી હતી. આ સાથે તેઓ વંદે ભારત એક્સપ્રેસ ચલાવનારા પ્રથમ મહિલા લોકો પાયલટ પણ બની ગયા છે.
મહારાષ્ટ્રના સતારાના રહેવાસી સુરેખા યાદવ છેલ્લા 34 વર્ષથી રેલવેમાં નોકરી કરે છે. આ દરમિયાન એશિયાના પ્રથમ મહિલા લોકો પાઇલટ સુરેખાએ રેલવે ડ્રાઇવર વિભાગમાં વિવિધ પોસ્ટ પર કામ કર્યું છે. હવે તેના નામે વધુ એક રેકોર્ડ જોડાયો છે. રસપ્રદ વાત એ છે કે વર્ષ 2021માં મહિલા દિવસ પર તેમણે વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. હવે બે વર્ષ બાદ તેમની એ ઈચ્છા પૂરી થઈ છે.
સુરેખા યાદવે વંદે ભારત એક્સપ્રેસ સફળતાપૂર્વક ચલાવ્યા બાદ ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, “ભારતીય રેલવેએ મને વંદે ભારત એક્સપ્રેસ ચલાવવાની તક આપી, જે એક નવા યુગની અત્યાધુનિક ટ્રેન છે. આ માટે હું રેલવેની આભારી છું.” ઉલ્લેખનીય છે કે લોકો પાઈલટ બન્યા બાદ તે રેલવે માટે લોકો પાઈલટ ઈન્સ્ટ્રક્ટર તરીકે પણ કામ કરે છે. મતલબ કે તેમણે અત્યાર સુધીમાં ઘણા લોકો પાઇલટ્સને ટ્રેન ચલાવવાની તાલીમ આપી છે.
Vande Bharat – powered by Nari Shakti.
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) March 13, 2023
Smt. Surekha Yadav, the first woman loco pilot of Vande Bharat Express. pic.twitter.com/MqVjpgm4EO
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું કે સુરેખા યાદવને વંદે ભારત એક્સપ્રેસ ચલાવી છે. તેમણે કહ્યું, “વંદે ભારત, મહિલા શક્તિ દ્વારા સંચાલિત. શ્રીમતી સુરેખા યાદવ વંદે ભારત એક્સપ્રેસના પ્રથમ મહિલા લોકો પાઈલટ છે.” તે જ સમયે, આ સંદર્ભમાં, રેલવેએ એક નિવેદનમાં કહ્યું છે કે તે મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવાના મિશન પર છે.
વર્ષ 2017માં સેન્ટ્રલ રેલવેનું માટુંગા સ્ટેશન મહિલા કર્મચારી દ્વારા ચલાવવામાં આવતું પ્રથમ સ્ટેશન બન્યું હતું. થોડા મહિનાઓ પછી, પશ્ચિમ રેલવેએ માટુંગા રોડ સ્ટેશન પર આવું કરવાનો વિચાર શરૂ કર્યો હતો. દેશભરમાં હાલ લગભગ 1500 મહિલા લોકો પાયલોટ છે.
કોણ છે લોકો પાયલોટ સુરેખા યાદવ
નોંધનીય છે કે સતારાની સેન્ટ પોલ કોન્વેન્ટ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ સુરેખા યાદવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યું હતું. આ પછી, વર્ષ 1986 માં, તેમણે રેલવે પરીક્ષા પાસ કરી હતી. ત્યારપછી રેલવે ઈન્ટરવ્યુ પાસ કર્યા બાદ તેમને ટ્રેનિંગ આપવામાં આવી અને ત્યારબાદ આસિસ્ટન્ટ લોકો પાઈલટ તરીકે નિમણૂક થઈ હતી.
સુરેખા યાદવે 1989માં આસિસ્ટન્ટ ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. 1996માં તેમને ગુડ્સ ટ્રેન ચલાવવાનો મોકો મળ્યો હતો. આ પછી તેમણે ઘણી ટ્રેનો ચલાવી છે. રેલવે દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ હાલમાં મહિલા કર્મચારીઓને સશક્ત બનાવવાના મિશન પર છે.