તાજેતરમાં યોજાયેલી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં (Haryana Election) કોંગ્રેસની હાર બાદ એક યુ-ટ્યુબ ચેનલ સાથેની ચર્ચામાં પાર્ટીની નજીકના ગણાતા એક ‘પત્રકાર’ અશોક વાનખેડેએ (Ashok Wankhede) બળાપો કાઢ્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે (KC Venugopal) તેમની મહિલા મિત્રોને ટિકિટ અપાવી હતી. જે મામલે હવે તેમની વિરુદ્ધ પાર્ટીએ કેસ કર્યો છે. એટલું જ નહીં, તેમનો વિડીયો શૅર કરનાર ભાજપ IT સેલ હેડ અમિત માલવિયા વિરુદ્ધ પણ ફરિયાદ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર એક કોર્ટનો દસ્તાવેજ ફરી રહ્યો છે, જે હૈદરાબાદના એક જિલ્લાની કોર્ટનો હોવાનું જણાય આવે છે. આ વાસ્તવમાં એક નોટિસ છે, જેમાં અશોક વાનખેડે અને અમિત માલવિયાને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે જણાવવામાં આવ્યું છે.
નોટિસમાં કહેવાયું છે કે, ફરિયાદીએ બંને વ્યક્તિઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 356 હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેથી તેમણે વ્યક્તિગત રીતે કે વકીલ મારફતે છઠ્ઠા એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમક્ષ 4 નવેમ્બરના રોજ હાજર થવાનું રહેશે.
નોટિસ 17 ઑક્ટોબરના રોજ ઇસ્યુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ સમાચાર હાલ વાયરલ થઈ રહ્યા છે.
After senior journalist Ashok Wankhede levelled serious allegations against KC Venugopal, Congress General Secretary (Org), in the aftermath of Congress’s humiliating defeat in Haryana, his minions have unleashed legal proceedings. I wouldn’t have known, if not for this notice.… https://t.co/qKVmIVOxxM pic.twitter.com/6mQOsA8w5n
— Amit Malviya (@amitmalviya) October 30, 2024
આ નોટિસને લઈને ભાજપ આઈટી સેલ હેડ અમિત માલવિયાએ X પર લખ્યું કે, હરિયાણામાં કોંગ્રેસની કારમી હાર બાદ વરિષ્ઠ પત્રકાર અશોક વાનખેડેએ કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ વિરુદ્ધ ગંભીર આરોપ લગાવ્યા બાદ હવે તેમના ચેલાઓએ કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. આ નોટિસ ન આવી હોત તો મને જાણકારી પણ મળી ન હોત. તેમણે સાથે લખ્યું- ‘મિ. વાનખેડેને શુભેચ્છાઓ.’
નોંધવું જોઈએ કે હરિયાણા વિધાનસભા ચૂંટણીનાં પરિણામો બાદ અશોક વાનખેડેએ યુ-ટ્યુબર પ્રજ્ઞા મિશ્રાના એક શોમાં આ વાતો કહી હતી. જેનો વિડીયો પણ પછીથી વાયરલ થયો હતો. વાનખેડેએ કહ્યું હતું કે, “કેસી વેણુગોપાલ સંગઠનના જનરલ સેક્રેટરી છે, તેમણે તે સુદ્ધાં ન જોયું કે હરિયાણામાં સંગઠન ઠીક નથી. તેમને વધુ ચિંતા પોતાની મહિલા મિત્રોની હતી કે તેને કઈ રીતે ટિકિટ અપાવી શકાય… શું હરિયાણા પ્રદેશ તમારી ઐયાશીનો અડ્ડો બની ગયું છે?”
હવે આ મામલે તેમની વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. વાનખેડેએ આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી હોય તેવું આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં ધ્યાને આવ્યું નથી.