Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગાદી પર જોખમ જોતાં જ ગેહલોતે ગાડું ફેરવ્યું, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી...

    ગાદી પર જોખમ જોતાં જ ગેહલોતે ગાડું ફેરવ્યું, કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાંથી થયા આઉટ: દિગ્વિજયસિંહની એન્ટ્રી

    રાજસ્થાનમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ અશોક ગેહલોત પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યા, ચૂંટણી લડવા પર પૂર્ણવિરામ.

    - Advertisement -

    કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણી અને રાજસ્થાનમાં હાઈવોલ્ટેજ રાજકીય ડ્રામા વચ્ચે વાર્તામાં નવો વળાંક આવ્યો છે. હવે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે અધ્યક્ષ પદની ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. આજે તેમણે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી હતી, જે બાદ તેમણે બહાર આવીને ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. 

    અશોક ગેહલોતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને વિનંતી કરવા છતાં તેઓ ન માન્યા તો ચૂંટણી લડવા માટે તૈયારી દર્શાવી હતી પરંતુ હવે લડવા માંગતા નથી. અશોક ગેહલોતે કહ્યું, “હું કોચીમાં રાહુલ ગાંધીને મળ્યો અને તેમને કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા વિનંતી કરી હતી. પરંતુ જ્યારે તેમણે વિનંતી ન સ્વીકારી ત્યારે મેં કહ્યું હતું કે હું ચૂંટણી લડીશ, પરંતુ હવે રાજસ્થાનની ઘટના બાદ મેં ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો છે.

    અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદે યથાવત રહેશે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે, એ નિર્ણય હું નહીં કરું. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી આ અંગે નિર્ણય કરશે.”

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી માટે રાજસ્થાન સીએમ અશોક ગેહલોતનું નામ સૌથી વધુ ચર્ચામાં હતું અને તેમણે પોતે પણ લડવાની જાહેરાત કરી હતી. જોકે, તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને તો રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડવું પડે તેમ હતું. જેના કારણે તેમના પછી રાજસ્થાનમાં સુકાન કોને સોંપવામાં આવે તે બાબતે રાજ્યમાં વિખવાદ સર્જાયો હતો અને 82 ગેહલોત સમર્થક ધારાસભ્યોએ રાજીનામાંની ચીમકી આપી હતી. 

    કોંગ્રેસ હાઈકમાન્ડ સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવા માટેની મથામણમાં હતું અને બીજી તરફ ગેહલોત સમર્થક ધારાસભ્યો પાયલટનો વિરોધ કરીને પોતાનામાંથી સીએમની પસંદગી કરવાની માંગ કરી રહ્યા હતા. જોકે, હવે ગેહલોતને જ રાજસ્થાનના મુખ્યમંત્રી પદે યથાવત રાખવામાં આવશે તેમ જણાઈ રહ્યું છે. 

    બીજી તરફ, કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહની એન્ટ્રી કોંગ્રેસ અધ્યક્ષ પદ માટેની રેસમાં થઇ છે. તેઓ આજે દિલ્હી પહોંચ્યા હતા. આવતીકાલે તેઓ કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. તેમનો સામનો કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સામે થઇ શકે છે. આજે તેમણે દિલ્હીમાં શશિ થરૂર સાથે મુલાકાત પણ કરી હતી. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં