Thursday, July 18, 2024
More
  હોમપેજમંતવ્યજાણીએ ગેહલોત-પાયલટ વચ્ચે 36નો આંકડો કેમ છે: અત્યાર સુધીનો ઘટનાક્રમ અને હવે...

  જાણીએ ગેહલોત-પાયલટ વચ્ચે 36નો આંકડો કેમ છે: અત્યાર સુધીનો ઘટનાક્રમ અને હવે શું થઇ શકે તેનું વ્યાપક વિશ્લેષણ

  બે વર્ષ બાદ રાજસ્થાનનું રાજકારણ ફરી ચર્ચામાં છે ત્યારે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચેના ખટરાગનું કારણ શું છે, એ જાણીએ.

  - Advertisement -

  આખરે દોઢ-બે વર્ષ બાદ ફરી એક વખત રાજસ્થાનનું રાજકારણ ચર્ચામાં છે. ખાસ કરીને ગઈકાલે જ્યારે અચાનક કોંગ્રેસના 92 ધારાસભ્યો રાજીનામાં લઈને વિધાનસભા સ્પીકર સમક્ષ હાજર થઇ ગયા ત્યારે દેશભરમાં આ ચર્ચાનો વિષય બન્યો હતો. આ સમગ્ર વિખવાદ રાજસ્થાનની મુખ્યમંત્રીની ખુરશીના કારણે છે, જેને લઈને પહેલાં પણ રાજસ્થાન ચર્ચામાં રહી ચૂક્યું છે અને હવે ફરી ગેહલોત અને પાયલટ જૂથો વચ્ચે વિવાદ થયો એનું કારણ પણ આ ખુરશી જ છે. 

  આ સમગ્ર મામલો શરૂ થયો હતો કોંગ્રેસની અધ્યક્ષ પદની ચૂંટણીથી. લગભગ બે દાયકા બાદ કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષની ચૂંટણી થવા જઈ રહી છે. કહેવાય છે કે આ ચૂંટણીમાં ગાંધી પરિવારમાંથી કોઈ ભાગ લેશે નહીં. બીજી તરફ, ગાંધી પરિવારના વિશ્વાસુ રાજકારણી અશોક ગેહલોતને ચૂંટણી લડવા માટે તૈયાર કરાયા છે. તેમની સામે સાંસદ શશિ થરૂર ચૂંટણી લડી શકે તેવી વાતો ચાલી રહી છે. 

  કોંગ્રેસ અધ્યક્ષ પદે અશોક ગેહલોતની જીત લગભગ નિશ્ચિત છે. આ સંજોગોમાં જો તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બને તો તેમની પાસે બે મોટાં પદ થઇ જાય. કારણ કે તેઓ હાલ રાજસ્થાનના મુખ્યમંત્રી છે. જોકે, તેઓ તો બે પદ સંભાળવા માટે રાજી હતા પરંતુ રાહુલ ગાંધીએ તેમની આ ઈચ્છા પર પાણી ફેરવી મૂક્યું અને જાહેરમાં પણ સ્પષ્ટતા કરી કે, પાર્ટીમાં એક વ્યક્તિ-એક પદની જ પ્રણાલી ચાલશે.

  - Advertisement -

  અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા માટે પણ તૈયાર થઇ ગયા છે પરંતુ હવે મૂળ પ્રશ્ન એ છે કે તેમના સ્થાને ખુરશી કોને સોંપવામાં આવશે? માનવામાં આવે છે કે કોંગ્રેસનું હાઈકમાન્ડ અને ખાસ કરીને પ્રિયંકા ગાંધી સચિન પાયલટને રાજસ્થાનના સીએમ બનાવવાનું વિચારી રહ્યાં છે. પરંતુ જે રીતે અશોક ગેહલોતના પાયલટ સાથેના સબંધો રહ્યા છે તેને જોતાં તેઓ આ મામલે સહમત ન હોય એ દેખીતી વાત છે. બીજી તરફ, અશોક ગેહલોત તેમના વિશ્વાસુ અને હાલ વિધાનસભા સ્પીકર સી.પી જોશીનું નામ આગળ કરી રહ્યા છે. 

  પહેલેથી જ પાયલટ-ગેહલોત જૂથ વચ્ચે 36નો આંકડો 

  રાજસ્થાનના આગામી મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટનું નામ સામે આવતાં અશોક ગેહલોત જૂથમાં ખળભળાટ મચી ગયો હતો અને બળવાના સૂર ઉપડવા માંડ્યા હતા. આ બંને જૂથો વચ્ચેનો ખટરાગ જગજાહેર છે અને ભૂતકાળમાં પણ જયારે પાયલટે સરકાર ઉથલાવવાના પ્રયત્નો કર્યા ત્યારે બંને સામસામે આવી ગયાં હતાં. 

  2020માં સચિન પાયલટ અમુક ધારાસભ્યોનું સમર્થન લઈને દિલ્હી ઉપડી ગયા હતા અને અશોક ગેહલોત સરકાર સામે મોરચો માંડી દીધો હતો. જોકે, અશોક ગેહલોત ત્યારે ભારે પડ્યા હતા અને સચિન પાયલટનું કંઈ ઉપજ્યું ન હતું. બીજી તરફ, ત્યારે ગાંધી પરિવાર પણ વચ્ચે પડ્યો હતો અને મામલાનો ઉકેલ લાવવામાં આવ્યો હતો. 

  જોકે, આ ઘટનાઓ બની ત્યારે પણ બંને તરફથી એકબીજાના દુશ્મનો હોય એવાં નિવેદનો થયાં હતાં. ઉપરથી સચિન પાયલટે પ્રદેશ અધ્યક્ષ અને ઉપમુખ્યમંત્રી પદેથી પણ હાથ ધોવા પડ્યા હતા. ત્યારથી ગેહલોત અને પાયલટના સબંધો વધુ બગડ્યા હતા. 

  હાઇકમાન્ડ વચ્ચે પડ્યું પણ ગેહલોતે શક્તિપ્રદર્શન કરી દીધું 

  રાજસ્થાનમાં કથળતી પરિસ્થિતિ જોતાં દિલ્હીથી કોંગ્રેસ હાઈકમાન્ડે મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને તાત્કાલિક જયપુર દોડાવ્યા હતા. તેઓ ગઈકાલે સાંજે જયપુર આવી મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી ગયા હતા અને જ્યાં પાર્ટીના ધારાસભ્યોની એક બેઠક થવાની હતી. જેમાં આ બાબતે ચર્ચા થનાર હતી. પરંતુ ગેહલોતે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં બેઠાં-બેઠાં અલજ જ ખેલ પાડી દીધો હતો. 

  કોંગ્રેસના અશોક ગેહલોત જૂથના ધારાસભ્યો બેઠકમાં ભાગ લેવા નહીં પરંતુ અન્ય એક નેતા શાંતિ ધારીવાલના ઘરે પહોંચી ગયા, જ્યાં તમામને એક-એક કાગળ આપવામાં આવ્યા. જે નાનાં  રાજીનામાં પત્ર હતાં અને સૌ પાસે રાજીનામાં લખાવી લેવામાં આવ્યાં. જ્યાંથી આ ધારાસભ્યો એક બસમાં બેસીને સીધા વિધાનસભા સ્પીકર સી. પી જોશીના ઘરે પહોંચી ગયા હતા

  ગેહલોત જૂથના ધારાસભ્યો પાયલટને સીએમ સ્વીકારવા તૈયાર નથી 

  રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારનાર ધારાસભ્યો મુખ્યમંત્રી તરીકે સચિન પાયલટને સ્વીકારવા તૈયાર નથી. તેઓ ઈચ્છે છે કે તેમનામાંથી જ કોઈ વ્યક્તિને સીએમ બનાવવામાં આવે. જેથી અશોક ગેહલોત પણ નથી ઇચ્છતા કે તેમના પદ છોડ્યા બાદ તે સચિન પાયલટને આપવામાં આવે. એક રીતે ગઈકાલથી ચાલતો આ સમગ્ર ખેલ અશોક ગેહલોતના ગાંધી પરિવાર સામેના શક્તિપ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યો છે. 

  એક તરફ સચિન પાયલટ પાસે કોંગ્રેસ હાઈકમાન્ડનું સમર્થન છે. પરંતુ તેમની પાસે જે નથી એ અશોક ગેહલોત પાસે છે- સંખ્યાબળ. અશોક ગેહલોતે 92 ધારાસભ્યોને આગળ કરીને હાઈકમાન્ડને વિચારમાં મૂકી દીધું છે. કારણ કે સંખ્યાબળ જ ન હોય તો મુખ્યમંત્રી કેવા અને ખુરશી પણ કેવી? કારણ કે સચિન પાયલટ પાસે માંડ 10-15 ધારાસભ્યોનું સમર્થન છે. 

  હવે આગળ શું? 

  આ સંજોગોમાં આગળ શું થશે તે અત્યારથી કળવું મુશ્કેલ છે પરંતુ શક્યતાઓ ઘણી છે. હાઈકમાન્ડ પ્રયત્નો કરી રહ્યું છે કે અશોક ગેહલોત મારફતે તેમના સમર્થક ધારાસભ્યોને પાયલટને સીએમ તરીકે સ્વીકારવા માટે મનાવી લેવામાં આવે. પરંતુ એ હાલ કઠિન જણાઈ રહ્યું છે અને તે માટે સૌપ્રથમ અશોક ગેહલોત જ રાજી થાય તેવું દેખાઈ રહ્યું નથી. 

  બીજી શક્યતા એવી છે કે, ગેહલોત જૂથની માંગણી સ્વીકારી લઈને તેમનામાંથી કોઈને સીએમ બનાવવામાં આવે. તો જીત અશોક ગેહલોતની થશે અને તેઓ સીએમ ન રહેતાં પણ સરકાર પર વર્ચસ્વ યથાવત રાખશે. બીજી તરફ, સચિન પાયલટને કશું જ મળશે નહીં. 

  ત્રીજી શક્યતા એ પણ છે કે અશોક ગેહલોતનું નામ અધ્યક્ષ પદની રેસમાંથી કમી કરી નાંખવામાં આવે અને તેમને રાજસ્થાનમાં જ રહેવા દેવામાં આવે. રાજસ્થાન કોંગ્રેસ સમિતિએ હાઈકમાન્ડ સમક્ષ એવી માંગ પણ કરી છે. જોકે, હાઈકમાન્ડે આ વિશે હજુ કોઈ નિર્ણય લીધો નથી. 

  એક શક્યતા એવી પણ છે કે અશોક ગેહલોત રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે પણ તેઓ જ યથાવત રહે. પણ આ સંજોગોમાં રાહુલ ગાંધી અને ગાંધી પરિવારની પાર્ટી પર કેટલી ઢીલી પકડ છે એ બાબત સ્પષ્ટ રીતે સામે આવી જશે. 

  રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના નેતૃત્વ પર સવાલ

  આ બધા વચ્ચે રાહુલ ગાંધીના નેતૃત્વ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. આમ તો તેઓ પાર્ટીમાં કોઈ પદ ધરાવતા નથી પરંતુ ગાંધી પરિવારનું કોંગ્રેસમાં શું સ્થાન છે એ જગજાહેર છે. આ સંજોગોમાં ગાંધીપરિવાર અને ખાસ કરીને રાહુલ ગાંધીની પાર્ટી પરથી પકડ ઓછી થઇ રહી હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. પાર્ટી છ મહિના પહેલાં એક રાજ્ય હાથમાંથી ગુમાવી ચૂકી છે અને હવે બીજા રાજ્યમાં અસ્થિરતા ઉભી થઇ છે. બીજી તરફ, ગોવામાં પણ તાજેતરમાં જ 11માંથી 8 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સંજોગોમાં રાહુલ ગાંધી માટે અત્યારે ‘ભારત જોડો યાત્રા’ કરતાં પણ ‘કોંગ્રેસ જોડો યાત્રા’ વધુ અગત્યની છે તેમ લાગી રહ્યું છે. 

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં