Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવર્ષો બાદ કોંગ્રેસનું સુકાન ગાંધી પરિવાર સિવાયના વ્યક્તિના હાથમાં જશે, ગેહલોત-થરૂર વચ્ચે...

    વર્ષો બાદ કોંગ્રેસનું સુકાન ગાંધી પરિવાર સિવાયના વ્યક્તિના હાથમાં જશે, ગેહલોત-થરૂર વચ્ચે મુકાબલો: સચિન પાયલટને મળી શકે રાજસ્થાન સીએમની ખુરશી

    વર્ષો બાદ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થવા જઈ રહી છે, જોકે જે રીતે પાર્ટી પર એક જ પરિવારનું પ્રભુત્વ રહ્યું છે તેને જોતાં ભલે અધ્યક્ષ બહારના વ્યક્તિ બને પરંતુ હજુ પણ પરિવારનો હસ્તક્ષેપ યથાવત જ રહેશે તેમ લાગી રહ્યું છે.

    - Advertisement -

    કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી હાલ ચર્ચામાં છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત આ ચૂંટણી લડવાના છે, જેની તેઓ સ્વયં પુષ્ટિ કરી ચૂક્યા છે તો બીજી તરફ તેમણે એવો પણ ખુલાસો કર્યો છે કે ગાંધી પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ આ ચૂંટણી લડશે નહીં. જો એવું થાય તો દાયકાઓ બાદ કોંગ્રેસ પાર્ટીને ગાંધી પરિવાર સિવાયનો અધ્યક્ષ મળશે. 

    રાજસ્થાન સીએમ અશોક ગેહલોતે આજે મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે તેમણે રાહુલ ગાંધીને જ પાર્ટીનું અધ્યક્ષપદ સાંભળવા માટે વિનંતી કરી હતી, પરંતુ તેમણે નકારી દીધી હતી. અશોક ગેહલોતે કહ્યું કે, “જ્યારે તમામ પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ પ્રસ્તાવ પસાર કરીને તેમને અધ્યક્ષ બનવા માટે આગ્રહ કરી રહી છે તો મેં પણ તેમને વિનંતી કરી હતી કે તેમણે પદ સ્વીકારવું જોઈએ. પરંતુ તેમણે કહ્યું કે તેમણે નિર્ણય કરી લીધો છે અને આ વખતે ગાંધી પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ પાર્ટીનો અધ્યક્ષ બનશે નહીં.”

    ગત મહિને અશોક ગેહલોતે એક નિવેદન આપતાં કહ્યું હતું કે, જો રાહુલ ગાંધી પાર્ટીના અધ્યક્ષ નહીં બને તો દેશભરના કોંગ્રેસ કાર્યકરો નારાજ થઇ જશે. તેમણે દેશના સામાન્ય કોંગ્રેસ કાર્યકરોની ભાવનાઓનું સન્માન કરીને પદ સ્વીકારી લેવું જોઈએ. 

    - Advertisement -

    બીજી તરફ, અશોક ગેહલોત પોતે પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણી લડવા જઈ રહ્યા છે તે બાબતની તેમણે પોતે જ પુષ્ટિ કરી છે અને ઉમેર્યું કે તેઓ જલ્દીથી જ ચૂંટણી માટે ઉમેદવારીપત્ર દાખલ કરશે. બીજી તરફ, અશોક ગેહલોત સામે કોંગ્રેસમાંથી સાંસદ શશિ થરૂર ઉમેદવારી કરશે તેવા અહેવાલો મળી રહ્યા છે.

    અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બને તો તેઓ રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ છોડી દેશે તેવું પણ અહેવાલો જણાવી રહ્યા છે. જોકે, રિપોર્ટ્સ અનુસાર અશોક ગેહલોતે રાહુલ ગાંધીને બંને પદ પર રહેવા માટે પણ મનાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ પાર્ટીએ ઈનકાર કરી દીધો હતો. ગેહલોતના સ્થાને સચિન પાયલટને રાજસ્થાનનું મુખ્યમંત્રી પદ સોંપવામાં આવે તેવી શક્યતાઓ છે. જોકે,ગેહલોતે સીએમ પદ માટે વિધાનસભા સ્પીકર સી.પી જોશીના નામની ભલામણ કરી હતી, પરંતુ હાઇકમાન્ડ સચિન પાયલટ પર પસંદગી ઉતારશે તેમ જણાવવામાં આવી રહ્યું છે. અશોક ગેહલોત અધ્યક્ષ બન્યા બાદ એક-બે મહિનામાં રાજીનામું આપી શકે છે. 

    ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પાર્ટીમાં 20 વર્ષ બાદ અધ્યક્ષ પદ માટેની ચૂંટણી થવા જઈ રહી છે. અત્યાર સુધી પાર્ટીનું સુકાન ગાંધી પરિવારના હાથમાં જ રહ્યું છે. વર્ષો સુધી સોનિયા ગાંધી પાર્ટીનાં અધ્યક્ષ રહ્યા બાદ લોકસભા ચૂંટણી અગાઉ રાહુલ ગાંધીને જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીને કારમી હાર મળતાં તેમણે રાજીનામું ધરી દીધું હતું. 

    રાહુલ ગાંધીએ રાજીનામું આપી દીધા બાદ કોંગ્રેસના આગામી અધ્યક્ષ અંગે ચર્ચા ઉઠી હતી પરંતુ ફરીથી સોનિયા ગાંધી જ પાર્ટીનાં વચગાળાનાં અધ્યક્ષ બન્યાં હતાં. ત્યારબાદ પણ અનેક વખત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીનો મુદ્દો ઉછળતો રહ્યો છે, પરંતુ ચૂંટણી પાછળ ઠેલાતી રહી છે. જોકે, આ વખતે કોઈ ગાંધી પરિવારમાંથી ચૂંટણી લડવા જઈ રહ્યું નથી પરંતુ જે રીતે પાર્ટી ઉપર એક પરિવારનું પ્રભુત્વ હજુ પણ યથાવત રહ્યું છે અને જે રીતે બંને ઉમેદવારો પણ પરિવારના વફાદાર ગણાય છે તેને જોતાં અધ્યક્ષ જે બને એ પરંતુ પાર્ટીમાં એક પરિવારનો હસ્તક્ષેપ બરકરાર રહેશે તેવું લાગી રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં